મુંબઈ: 700 લોકો સાથે થયો છેતરપિંડીનો યોગ

26 July, 2019 07:51 AM IST  |  મુંબઈ | પલ્લવી સ્માર્ત

મુંબઈ: 700 લોકો સાથે થયો છેતરપિંડીનો યોગ

કાંદિવલી મહાવીર નગરના અનેક રહેવાસીઓ સાથે ફિટનેસ સ્ટુડિયો દ્વારા છેતર​પિંડી થઈ હતી. તસવીર: નિમેશ દવે

કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરના રહેવાસીઓ માટે ફિટનેસ માટેની સજાગતા તણાવની નિમિત્ત બની છે. તેમના વિસ્તારમાં પ્રગતિનગર સોસાયટી પાસે આવેલો પૉપ્યુલર પ્રાઇડ – યુનિસેક્સ ફિટનેસ સ્ટુડિયો એક સપ્તાહ અગાઉ અચાનક બંધ થઈ ગયો છે. આશરે ૭૦૦ રહેવાસીઓએ તેમની આખા વર્ષની ફી ભરી દીધી હતી અને ફિટનેસ સ્ટુડિયોનો માલિક તેમના ફોન કે મેસેજનો જવાબ આપી રહ્યો ન હોવાથી રહેવાસીઓ છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. આ તમામ સભ્યો છેતરપિંડી સામે લડી રહ્યા છે ત્યારે આ બનાવે શહેરી વિસ્તારોમાં ફિટનેસના નામે વિકસી રહેલા વ્યવસાય સામે ચિંતા જન્માવી છે. પોલીસ સાથેની બેઠકમાં આ સભ્યોને અન્ય ફિટનેસ સ્ટુડિયોમાં સમાવવાની પ્રાઇડના માલિક વિનીત શાહે બાંયધરી આપી હતી, પરંતુ હવે તેઓ ગુમ છે. આમ માત્ર સ્ટુડિયોમાં ફી ભરનાર સભ્યો જ નહીં, પોલીસ સાથે પણ છેતરપિંડી થઈ છે.

મહાવીરનગરમાં છેલ્લાં ત્રણ વર્ષથી કાર્યરત ફિટનેસ સ્ટુડિયો આશરે ૭૦૦ વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન ધરાવતો હતો. તેઓ પૈકીના લગભગ તમામ લોકોએ તેમણે પસંદ કરેલી સેવાઓ અનુસાર સમગ્ર વર્ષની ફી ભરી દીધી હતી.

ફિટનેસ સ્ટુડિયો યોગ, પાવર યોગ અને એરોબિક્સ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ માટેની તાલીમ ઑફર કરતો હતો. સરેરાશ દરેક વ્યક્તિએ ફીપેટે વાર્ષિક ૩૦૦૦થી ૪૦૦૦ રૂપિયા ફી ચૂકવી છે. તેઓ પૈકીના ઘણા લોકો છેલ્લાં ત્રણ વર્ષથી નિયમિત સભ્યો હોવાને કારણે તેમણે માલિક પર વિશ્વાસ મૂકીને સમગ્ર વર્ષની રકમ ઍડ્વાન્સમાં ચૂકવી હતી, જ્યારે અન્ય કેટલાક સભ્યોને જૂન મહિના સુધી સેન્ટર પર ભારે ડિસ્કાઉન્ટ ઑફર આપવામાં આવી હતી અને જુલાઈમાં અચાનક એ સ્ટુડિયો બંધ થઈ ગયો છે. સ્ટુડિયો બંધ થવા વિશે સભ્યોને ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નહોતું.

નિવૃત્ત એલઆઇસી અધિકારી સતીશ શર્માનું ઘર નજીકમાં હોવાથી તેઓ આ સેન્ટરમાં જોડાયા હતા. તેઓ યોગ માટે જાન્યુઆરીમાં જોડાયા હતા અને સમગ્ર વર્ષની ૩૦૦૦ રૂપિયા ફી ચૂકવી હતી. તેમણે જણાવ્યું કે ‘હું દરરોજ વહેલી સવારે અહીં આવતો. થોડાં ટ્રાયલ સેશન્સ પછી મને ટ્રેઇનર્સ દ્વારા આપવામાં આવતી સેવાઓ પસંદ પડી. મેં અહીં આવવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો, પરંતુ મને કદી એવી કલ્પના પણ નહોતી કે એક દિવસ આ માણસ તેના ગ્રાહકોને યોગ્ય કારણ જણાવ્યા વિના તાળાં મારી દેશે. હું સમજું છું કે કોઈક સમસ્યા હોઈ શકે છે, પણ એક સજ્જન વ્યક્તિ તમામ સંબંધિત લોકોને એ વિશે વાત કરશે અને જો તે સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ ન હોય તો રૂપિયા પાછા આપી દેશે. વધુ આંચકાજનક વાત એ છે કે મે મહિનામાં નવી ઑફર શરૂ થઈ હતી, જેમાં મને ફક્ત ૫૦૦ રૂપિયામાં ૬ મહિનાનું સભ્યપદ ઑફર કર્યું હતું. ત્યાર પછી ઘણા લોકો જોડાયા હતા અને ફક્ત એક મહિનામાં જ ક્લાસિસ બંધ થઈ ગયા. આ છેતરપિંડી જ છે.’

જુલાઈમાં જોડાયેલાં પાયલ ઝવેરી કહે છે કે ‘મેં અને મારા કહેવાથી મારા ચાર પાડોશીઓ આ ક્લાસિસમાં જોડાયા હતા. જોકે અમે ૧૦ જૂને જોડાયાં અને ૧૫ જુલાઈની આસપાસ ક્લાસિસ બંધ પડી ગયા.’

મહાવીરનગર શાખાનાં બે વર્ષથી સભ્ય રહેલાં ઊર્મિલા શાહે જણાવ્યું હતું કે ‘તાજેતરમાં ઘણા દિવસો એવા જતા જ્યારે ઍરકન્ડિશનર બંધ રહેતાં હતાં.’

મહાવીરનગરના ક્લાસિસના સભ્યોએ વધુ તપાસ કરતાં ખબર પડી કે આ ફિટનેસ સ્ટુડિયોની વધુ ત્રણ શાખા હતી જે એકાદ વર્ષ પહેલાં બંધ પડી ગઈ હતી.

ચારકોપના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર હેમંત સાવંતે જણાવ્યું હતું કે ‘ફરિયાદીએ અમારો સંપર્ક કર્યો હતો અને ફિટનેસ સ્ટુડિયોના માલિકને અમે બોલાવ્યો હતો. એ બેઠકમાં નજીકના અ‌ન્ય ફિટનેસ સ્ટુડિયોમાં ફી ભરનાર સભ્યોને સમાવી લેવાનું નક્કી થયું છે. જોકે આ પ્રક્રિયામાં સમય લાગશે. જો સ્ટુડિયોનો માલિક વચન નહીં પાળે તો તેની સામે પગલાં ભરવામાં આવશે.’

આ સંદર્ભે ફરિયાદીઓએ જેમનો સંપર્ક કર્યો હતો એ શિવસેનાના કાર્યકર બિપિન દોશીએ કહ્યું હતું કે ‘ચારકોપ પોલીસ-સ્ટેશનની બેઠકમાં સ્ટુડિયો આઠ દિવસમાં શરૂ કરવા કે નજીકના અન્ય સ્ટુડિયોમાં સભ્યોને સ્થાન આપવાનું નક્કી થયું હતું, પરંતુ જ્યારે આસપાસના સ્ટુડિયોમાં પૂછ્યું ત્યારે તેમણે આવી કોઈ વ્યવસ્થા પ્રાઇડ સાથે થઈ ન હોવાનું જણાવ્યું હતું. હવે સ્ટુડિયોનો માલિક ફરી ગાયબ છે અને તેનો ફોન પણ સ્વિચ્ડ-ઑફ આવે છે.

આ પણ જુઓ : જ્યારે સાંબેલાધાર વરસાદે ખોરવી હતી મુંબઈની લાઈફલાઈન, જુઓ ફોટોઝ

બિપિન દોશી અત્યારે તમામ સભ્યો પાસેથી ફીની રિસીટ અને અન્ય વિગતો ભેગી કરી રહ્યા છે જેથી ચારકોપ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય.

kandivli mumbai news mumbai Crime News pallavi smart