PNB કૌભાંડઃ ભાગેડુ આરોપી નીરવ મોદી સામે સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી

22 December, 2019 12:26 PM IST  |  Mumbai

PNB કૌભાંડઃ ભાગેડુ આરોપી નીરવ મોદી સામે સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી

નીરવ મોદી

પંજાબ નૅશનલ બૅન્ક સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી સામે સીબીઆઇએ શનિવારે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ નીરવ સામે ગુનાહિત ધાકધમકીના આરોપો ઉમેર્યા છે. સીબીઆઇનું કહેવું છે કે તેણે ભારત પરત ફરતા તેની નકલી કંપનીના ડિરેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

તપાસ એજન્સીએ વિશેષ અદાલતને જણાવ્યું હતું કે નીરવે ડિરેક્ટર આશિષ મોહનભાઈ લાડને ધમકી આપી હતી કે જો તે કૈરોથી ભારત પાછો આવે તો તેની હત્યા કરવામાં આવશે. સીબીઆઇનું કહેવું છે કે ધરપકડથી બચવા માટે લાડ દુબઇથી કૈરો જતા રહ્યા છે. જૂન ૨૦૧૮માં જ્યારે તેણે કૈરોથી ભારત પાછા આવવાનું વિચાર્યું ત્યારે નેહલ મોદીએ નીરવ વતી તેમની પાસે સંપર્ક કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.

સીબીઆઇએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે ‘તપાસમાં બહાર આવ્યું છે કે નીરવ મોદીના આશિષ મોહનભાઈ લાડને ધમકીભર્યા કોલ આવ્યા બાદ આરોપી નેહલ મોદીએ યુરોપ આવ્યા ત્યારે તેમને ૨૦ લાખ રૂપિયાની ઑફર કરી હતી. જેથી તે યુરોપિયન કોર્ટમાં વકીલ અને ન્યાયાધીશ સમક્ષ નીરવ મોદીની તરફેણમાં નિવેદન આપી શકે જેથી તેઓ મદદ કરી શકે. જોકે લાડે તેના માટે પણ ના પાડી હતી.

Nirav Modi mumbai mumbai news