મુલુંડમાં વૃક્ષ પડતાં એકનું મોત, એક યુવક જખમી

28 September, 2019 02:22 PM IST  |  મુંબઈ | પ્રાજક્તા કસાળે

મુલુંડમાં વૃક્ષ પડતાં એકનું મોત, એક યુવક જખમી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : શહેરના મુલુંડ વિસ્તારમાં આવેલી શિવાજી સ્કૂલ પાસે અભ્યુદયનગરમાં વૃક્ષનો મોટો ભાગ ઘરાશાયી થયો હતો. વૃક્ષની મોટી ડાળ નીચે ચપ્પલ વેચી રહેલા શખસ પર પડતાં ઘટનાસ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે જખમી થઈ હતી. બીએમસી દ્વારા મૃતકના પરિવારને ૧ લાખ જ્યારે જખમી વ્યક્તિના પરિવારને ૫૦ હજારની મદદ જાહેર કરી છે. આ વર્ષે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થવાના કારણે મૃત્યુ થવાનો આ પાંચમો બનાવ નોંધાયો હતો. 

મુલુંડના અભ્યુદયનગરમાં સાંજે ૪.૩૦ કલાકે આ બનાવ બન્યો હતો. ૪૮ વર્ષના નથુરામ ચુનાલાલ મૌર્ય શિવાજી સ્કૂલ પાસે આવેલા એક વૃક્ષ નીચે ચપ્પલ વેચવા બેઠા હતા. વરસાદને કારણે અચાનક વૃક્ષનો એક મોટો ભાગ મૌર્ય પર પડ્યો જેના કારણે ઘટનાસ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. વૃક્ષ પડવાથી ૩૮ વર્ષના શોએબ ફરીદ શેખને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને કેઇએમ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બીએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર મ્હાડા પમ્પિંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવેલું આ મોટું વૃક્ષ ફુટપાથ પર તૂટી પડવાના કારણે મોતની ઘટના બની હતી. વૃક્ષ કમ્પાઉન્ડના અંદરના ભાગે હોવાથી ક્યારેય ધ્યાનમાં આવ્યું નહોતું. મૃત્યુ પામનાર નથુરામ મૌર્ય કુર્લાથી અહીં ચપ્પલ વેચવા આવતા હતા. બીએમસી દ્વારા મૃતકના પરિવારને એક લાખ અને ઇજાગ્રસ્તના પરિવારને ૫૦ હજારની સહાય કરવાનો નિર્ણય લીધો છે.

mulund mumbai mumbai news