ટૂંક સમયમાં નીરવ મોદીની 11 લક્ઝુરિયસ કારની હરાજી થશે

30 March, 2019 11:21 AM IST  |  | સૂરજ ઓઝા

ટૂંક સમયમાં નીરવ મોદીની 11 લક્ઝુરિયસ કારની હરાજી થશે

નીરવ મોદી

EDએ હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદીની ૧૧ લક્ઝુરિયસ કારની હરાજીનો કૉન્ટ્રૅક્ટ મેટલ ઍન્ડ સ્ક્રૅપ ટ્રેડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને સોંપ્યો છે. ટૂંક સમયમાં રોલ્સ રૉયસ, મર્સિડીઝ અને પૉર્શે જેવી અતિ વૈભવી કારોની હરાજી યોજવામાં આવશે.

કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે ટૂંક સમયમાં કારની કિંમત સાથેનું કૅટલૉગ બહાર પાડીશું. હરાજીમાં ભાગ લેનારાઓ મેટલ ઍન્ડ સ્ક્રૅપની ઑફિસમાંથી ફૉર્મ મેળવી શકે છે. બીડર્સ કાર જોઈ-ચકાસી શકશે, પણ એની ટેસ્ટ-ડ્રાઇવ નહીં લઈ શકે.’

લંડનમાં નીરવ મોદીની ધરપકડ બાદ EDએ મુંબઈની પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ કોર્ટ પાસેથી તેનાં ૧૭૩ પેઇન્ટિંગ્સ અને ૧૧ વૈભવી કાર વેચવાની મંજૂરી મેળવી હતી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી સાથે ઠગાઈના કેસમાં સંડોવણી બદલ કોર્ટે નીરવ મોદીની પત્ની અમી મોદીની ધરપકડ કરવા માટે પણ બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કર્યું છે.

નીરવ મોદીની જામીનઅરજી બીજી વખત ફગાવવામાં આવી

હીરાનો ભાગેડુ વેપારી નીરવ મોદીને લંડનની વેસ્ટમિન્સ્ટર મૅજિસ્ટ્રેટ કોર્ટે જામીન નકારી કાઢ્યા હતા. તેની લીગલ ટીમે બીજી વખત તેના જામીનની અરજી કરી હતી. સેન્ટ્રલ લંડન બૅન્કમાં નવું ખાતું ખોલાવવા ગયેલા નીરવ મોદીની સ્કૉટલૅન્ડ યાર્ડના અધિકારીઓ દ્વારા ગયા બુધવારે ધરપકડ કરવામાં આવી ત્યાર બાદથી નીરવ મોદીને સાઉથ વેસ્ટ લંડનની એચએમપી વેન્ડ્સવર્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. પકડાયા પછી તરત જ નીરવ મોદીએ કરેલી જામીનની અરજી ડિસ્ટ્રિક્ટ જજ મેરી મેલને ફગાવી દીધી હતી. આ ચુકાદાને ભારતની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પૂણે : SPએ ફરિયાદ કરવા ગયેલી સબ-ઇન્સ્પેક્ટરને ફટકારી

ગયા ડિસેમ્બરમાં કિંગફિશર ઍરલાઇન્સના ચીફ વિજય માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ આપનારા ચીફ મૅજિસ્ટ્રેટ એમા અબુર્થનોટે નીરવ મોદીની જામીનઅરજીની સુનાવણી કરી હતી. ભારતથી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને એન્ર્ફોસમેન્ટ ડિરેક્ટરેટની ટીમ લંડન પહોંચી ચૂકી છે.

Nirav Modi mumbai news