બાંદરા સ્કાયવૉકની જર્જરિત હાલત: સમારકામની જરૂર

02 January, 2020 02:43 PM IST  |  Mumbai | Prajakta Kasale

બાંદરા સ્કાયવૉકની જર્જરિત હાલત: સમારકામની જરૂર

બાંદરા સ્કાયવૉક

બાંદરા સ્ટેશનના પૂર્વ ભાગ પર આવેલા મુંબઈના પ્રથમ સ્કાયવૉકનું સમારકામ તથા તેની તમામ સાતેય સીડીઓનું પુનઃ બાંધકામ કરવાની તાતી જરૂર છે, તેમ વીજેટીઆઇ નિષ્ણાતોએ પ્રાથમિક ઑડિટ રિપોર્ટમાં જણાવ્યું છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ સલામતીના કારણોસર જૂન મહિનામાં સ્કાયવૉક બંધ કરી દીધો હતો. બીએમસી અધિકારીઓએ જણાવ્યું છે કે સ્કાયવૉક અંગેનો નિર્ણય સ્થળની સંયુક્ત મુલાકાતો તથા ચર્ચાઓ બાદ લેવામાં આવશે.

બાંદરા સ્કાયવૉક બાંદરા સ્ટેશનને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે સાંકળે છે. સીએસએમટી ખાતે હિમાલયા બ્રિજ ધરાશાયી થયા બાદ બીએમસીએ ઘણા ફુટઓવર બ્રિજ અને સ્કાયવૉક બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંદરા સ્કાયવૉક તે પૈકીનો એક છે. બીએમસીએ ૧૯ જૂનના રોજ તે બંધ કરી દીધો હતો.

એમએમઆરડીએએ પણ તેના ફ્લાયઓવરના બાંધકામને પગલે ગત એપ્રિલ મહિનામાં હાઇવે પર સ્કાયવૉકના ૧૦૦ મીટરના ભાગને કાપી દીધો હતો.

‘સ્ટીલ બીમ ઉમેરો’ બીએમસીએ સ્કાયવૉકનો સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટ આપવા માટે વીરમાતા જીજાબાઈ ટેક્નૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઇ)ની નિમણૂક કરી છે. બીએમસીએ પ્રાથમિક રિપોર્ટ મેળવી લીધો છે. વીજેટીઆઇના નિષ્ણાતોએ સ્કાયવૉકના તમામ કોન્ક્રિટ સ્લેબ હટાવવાનું સૂચન કર્યું છે. તેમનું કહેવું છે કે સ્લેબ સ્ટીલના માળખા પર બોજારૂપ બને છે. તેને સ્થાને અહેવાલમાં સ્કાયવૉકને મજબૂત કરવા માટે વેલ્ડિંગ દ્વારા સ્ટીલના બીમ ઉમેરવાનું સૂચવવામાં આવ્યું છે. સાથે જ અહેવાલમાં બે પીલર વચ્ચેનું અંતર ૧૨ મીટર કરતાં વધુ હોય ત્યાં વધુ પીલર્સ ઉમેરવાનું પણ સૂચવાયું છે. અહેવાલ પ્રમાણે સ્કાયવૉકની સાતેય સીડીઓ જર્જરિત સ્થિતિમાં છે અને તેનું પુનઃનિર્માણ થવું જોઈએ.

આ પણ વાંચો : શિવસેનામાં ભડકો થવાનો : 14 વિધાનસભ્યો તલવાર તાણવાના મૂડમાં

બીએમસીના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સ્ટીલનું બાંધકામ ઘણી બાજુએથી ખવાઈ ગયું છે. તે વેલ્ડિંગ કરાયેલા બીમ અને વધારાના સળિયાનું વજન શી રીતે ઉઠાવી શકે? તે અમારી મુખ્ય ચિંતા છે અને અમે નિષ્ણાતો સાથે તે અંગે ચર્ચા કરી રહ્યા છીએ.’ આખરી અહેવાલ આગામી સપ્તાહે આવશે અને ત્યાર પછી નિર્ણય લેવાશે.

bandra chhatrapati shivaji terminus mumbai metropolitan region development authority