સભાની પરવાનગી લેવા આવેલા CRPF જવાનની પિટાઈ, પોલીસે આરોપો નકાર્યા

18 February, 2019 11:48 AM IST  | 

સભાની પરવાનગી લેવા આવેલા CRPF જવાનની પિટાઈ, પોલીસે આરોપો નકાર્યા

CRPF જવાન અશોક ઈંગાવલે

શ્રદ્ધાંજલિ સભાની પરવાનગી લેવા આવેલા CRPF જવાનને બારામતી પોલીસે ઢોરમાર માર્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે. CRPFની ૧૧૮ બટૅલ્યનનો જવાન અશોક ઇંગવલે પોતાની બાઇક પર ત્રણ વ્યક્તિઓને બેસાડી લાવ્યો હતો.

અશોક ઇંગવલે મૂળ સોનગાંવનો રહીશ છે. ગઈ કાલે સવારે શ્રદ્ધાંજલિ સભા માટે પરવાનગી માગવા તે તાલુકાના પોલીસ-સ્ટેશનમાં ગયો હતો. એ સમયે ટૂ-વ્હીલર પર ટ્રિપલ સવારી કરી ગાડી ચલાવવાના અને દારૂના નશામાં હોવાના આરોપસર પોલીસે અશોકને સાત કલાક પોલીસ-સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો અને નશામાં હોવાનો આરોપ પણ મૂક્યો હતો. મારી મેડિકલ-ટેસ્ટ કરાવી લો, એમાં સાચું શું છે એ સામે આવી જશે એવું અશોકે પોલીસને કહ્યું હતું; પણ પોલીસે તેની એક વાત ન માની અને ઉપરથી ૧૬ પોલીસોએ ભેગા મળી અશોકને ઢોરમાર માર્યો હતો એવો આરોપ થઈ રહ્યો છે.

રવિવારના દિવસે બપોરે હું મારા ભાઈ સાથે બારામતી પોલીસ-સ્ટેશન ગયો હતો એમ જણાવતાં અશોકે કહ્યું હતું કે ‘મારો ભાઈ હાલમાં જ ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત્ત થયો છે. અમારી સાથે બીજો પણ એક યુવક હતો. પુલવામામાં આતંકી હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ૧૯ ફેબ્રુઆરીએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની પરવાનગી લેવા અમે પોલીસ-સ્ટેશનમાં ગયા હતા. બે-ત્રણ પોલીસોએ અમારી સાથે ઉદ્ધતાઈથી વાત કરીને અમને રોકી લીધા હતા. ત્યાર પછી તેમણે મને કહ્યું કે મેં દારૂનો નશો કર્યો છે. ત્યાં કોઈ ઘ્ઘ્વ્સ્ કૅમેરા પણ નહોતા. ૧૫ જેટલા પોલીસોએ મળીને મને માર માર્યો હતો.’

આ પણ વાંચોઃ મુંબઈઃ વેપારીઓ આજે રાખશે રાષ્ટ્રીય બંધ સ્વૈચ્છિક

અશોકે બારામતી પોલીસ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે, જ્યારે ઍડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સંદીપ પાખળેએ અશોકના આરોપો નકારી કાઢ્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે ‘અશોક જાતે જ અભદ્ર ભાષામાં બારામતી પોલીસ સાથે વાત કરી રહ્યો હતો. અમારી પાસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ છે જેમાં અશોક જાતે જ પોતાનાં કપડાં ફાડી રહ્યો છે.’