મુંબઈ: ટિળકનગર સ્ટેશન પર મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સના જવાનની મારપીટ

20 May, 2019 08:24 AM IST  |  મુંબઈ

મુંબઈ: ટિળકનગર સ્ટેશન પર મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સના જવાનની મારપીટ

પોલીસને મારતા રેલવેના કર્મચારીઓનો વિડિયો ગ્રેબ.

ટિળકનગર સ્ટેશન પર બુકિંગ ઑફિસ નજીક બાઇક પાર્ક કરવાના મુદ્દે ૪૨ વર્ષના મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સના જવાન શંકર આવ્હાડની અમુક શખસોએ શુક્રવારે સાંજે મારપીટ કરી હતી. આવ્હાડે બે જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ૪૨ વર્ષના આરોપી અબ્દુલ અઝીઝ અન્સારી અને તેના વકીલ ભાઈ ઇરફાનની ધરપકડ કરી હતી. બંને આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેઓને જામીન પર છોડવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી અને તેનો ભાઇ ઉપરાંત અન્ય લોકો પણ ફરિયાદી આવ્હાડની મારપીટ કરી રહ્યા હોવાનું દેખાતું હોવાથી નેહરુનગર પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : મુંબઈઃ પ્રતિબંધિત કોલ્ડ કફસિરપ વેચનારા યુવાનની ધરપકડ

નેહરુનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિલાસ શિંદેએ ‘મિડ-ડે’ને આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આરોપી અબ્દુલ રેલવે સર્વન્ટ છે અને તે પોતાની પત્નીને તિલકનગર રેલવે સ્ટેશન મૂકવા માટે આવ્યો હતો. આ માટે તેણે તિલકનગર રેલવે સ્ટેશન નજીક પોતાની બાઇક ઊભી કરી હતી. જેને કારણે આરોપી અને ફરિયાદી વચ્ચે બોલાચાલી થઇ હતી. અન્સારીને આ વાતનો ગુસ્સો આવતાં તેણે તેની પત્નીને મૂક્યા બાદ તેના ભાઈને બોલાવ્યો હતો અને બંને ભાઈઓએ આવ્હાડની મારપીટ કરી હતી.’

tilak nagar mumbai news