પોલીસ-સ્ટેશનમાં યુવકના મોતથી લોકોએ કર્યું વિરોધ-પ્રદર્શન

30 October, 2019 02:31 PM IST  |  મુંબઈ

પોલીસ-સ્ટેશનમાં યુવકના મોતથી લોકોએ કર્યું વિરોધ-પ્રદર્શન

પોલીસ-સ્ટેશનમાં શંકાસ્પદ રીતે થયેલા વિજયસિંહ (ડાબે)ના મૃત્યુનો વિરોધ કરી રહેલા લોકો.

રવિવારે રાતે વડાલા (ઈસ્ટ)માં આરટીઓ ઑફિસ પાસે અને વડાલા ટ્રક ટર્મિનલ પોલીસ-સ્ટેશનથી ૨૦૦ મીટરના અંતરે એક મહિલાની છેડતીના આરોપસર પોલીસ ૨૬ વર્ષના યુવકને મારતી-મારતી પોલીસ-સ્ટેશન લઈ ગયા બાદ લૉકઅપમાં પણ તેની સાથે અમાનવીય વર્તન કરતાં યુવકનું મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં મૃતક યુવકનાં સગાંસંબંધીઓ અને મિત્રો પોલીસ -સ્ટેશને પહોંચી ગયાં હતાં અને ભારે વિરોધ-પ્રદર્શન કરવાની સાથે સંબંધિત પોલીસ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

વિજય સિંહ

આ કેસની ગંભીરતા જોઈને ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડાલા ટ્રક ટર્મિનલ પોલીસ -સ્ટેશનના પાંચ પોલીસોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આદેશ બાદ તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કેસની તપાસ પછીથી ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે.

સાયન કોલીવાડામાં રહેતો વિજયસિંહ બીકૉમ ગ્રૅજ્યુએટ હતો અને એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેના મિત્ર અંકિત મિશ્રાએ ઘટના વિશે કહ્યું હતું કે ‘અમે પેટ્રોલ પમ્પ પર હતા ત્યારે ત્યાં હાજર એક કપલે તેમના પર જાણીજોઈને બાઇકની ડીપરની હેડલાઇટ માર્યાનો આક્ષેપ કર્યો હતો. પોતે આવું કર્યું ન હોવાનું કહેતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. એ જોઈને પેટ્રોલ પમ્પના સ્ટાફે પોલીસ બોલાવી હતી. પોલીસ ત્યાર બાદ બન્નેને પોલીસ-સ્ટેશન લઈ ગઈ હતી.’

અંકિત મિશ્રાએ ઉમેર્યું કે ‘પોલીસે અમને ઘટનાસ્થળે જ મારવાની શરૂઆત કરી દીધી હતી. પોલીસ-સ્ટેશનની રૂમમાં લઈ જઈને પણ મારઝૂડ કરી હતી. આ દરમ્યાન વિજયને છાતીમાં દુખાવો થતાં તેણે પાણી માગ્યું હતું, પણ પોલીસે આપવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ તે બેભાન થઈ જતાં તેને સાયન હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : કુર્લાના ટીસીને માથાફરેલ વ્યક્તિએ પથ્થર માર્યો : ટીસીની આંખ જરાકમાં બચી

વડાલા ટ્રક ટર્મિનલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સંગાલેએ કહ્યું હતું કે ‘બન્ને પક્ષ વચ્ચે લાંબા સમયથી કોઈક મામલે વિવાદ ચાલતો હતો. તેઓ પેટ્રોલ પમ્પની સામે ઝઘડો કરી રહ્યા હતા ત્યારે તેમને પોલીસ-સ્ટેશનમાં લવાયા હતા. અમે તેને આંગળી પણ અડકાડી નથી. વિજયે જ્યારે રાતે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી ત્યારે અમે તેનું ઍડ્રેસ નોંધીને ડૉક્યુમેન્ટ પર તેની સહી લઈને જવા દીધો હતો. જોકે તે ગેટ પર પહોંચે એ પહેલાં જ ઢળી પડ્યો હતો. તેના પરિવારજનો પણ એ વખતે હાજર હતા.’

wadala mumbai news mumbai crime branch