મુંબઈ: આ સ્ટેશન-માસ્ટરને સલામ કરો

17 January, 2019 09:46 AM IST  |  | અલ્પા નિર્મલ

મુંબઈ: આ સ્ટેશન-માસ્ટરને સલામ કરો

કબૂતરને બચાવતી ફાયર-બ્રિગેડની ટીમ

એક બાજુ પ્રાણીઓ પ્રત્યે આચરવામાં આવતી ક્રૂરતાના કિસ્સાઓ દિવસે-દિવસે વધતા જાય છે એવામાં એક ભોળા પારેવાનો જીવ બચાવવા મુંબઈના પશ્ચિમી ઉપનગર ગોરેગામના સ્ટેશન-માસ્ટર ધીરજ ઝાડેએ પીક અવર્સમાં થોડી મિનિટો માટે ટ્રેનોની પાવર સપ્લાય બંધ કરવા રેલવેના ઉપરીઓ પાસેથી સ્પેશ્યલ પરમિશન લઈને પાંખમાં માંજો ફસાવાથી પાવર સપ્લાયના આર્મ પર ફસાયેલા કબૂતરને જીવતદાન અપાવ્યું હતું.

વાત વિસ્તારમાં કરીએ તો ગઈ કાલે સવારે ગોરેગામમાં ઇન્જર્ડ પક્ષીઓ માટે પક્ષીઘર ચલાવતા રાજેશ દોશીને એક વ્યક્તિએ ફસાયેલા પંખીને કાઢવા માટે ફોન કર્યો. વાતનો દોર સાંધતાં રાજેશ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ૨૦ વર્ષથી હું ગોરેગામમાં ઘાયલ થયેલાં કે માંદાં પક્ષીઓની શુશ્રૂષા કરું છું. ઉતરાણ દરમ્યાન બર્ડ સારવાર કૅમ્પ પણ કરું છું. ગઈ કાલે સવારે દસ વાગ્યે મને ફોન આવતાં જ હું મારી ટીમ સાથે ગોરેગામ સ્ટેશન પર ગયો. પ્લૅટફૉર્મ-નંબર એકની શરૂઆતમાં જ ૩૫ ફુટ ઊંચા આર્મ પર એક કબૂતર પંતગની જેમ લટકી રહ્યું હતું. ત્યાં કોઈ ડાયરેક્ટ વીજ-કરન્ટ નહોતો, પરંતુ એને કાઢતી વખતે પંખી ઉપરાંત કોઈ સાધનો ઓવરહેડ વાયરને અડી જાય એવા પૂરા ચાન્સિસ હતા. વળી અમારી પાસે ફસાયેલાં પંખીઓને ઉતારવા ઍલ્યુમિનિયમનાં સાધનો છે જે વાપરવાં પૉસિબલ નહોતું. આથી અમે ગોરેગામના ફાયર-ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો અને તરત જ ફાયર સ્ટેશન-ઑફિસર આશિષ અધાંગલે તેમની ટીમ સાથે અહીં આવી પહોંચ્યા હતા.’

રેસ્ક્યુ ઑપરેશન : કબૂતરને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટેની સ્ટ્રૅટેજી તૈયાર કરતી ફાયર-બ્રિગેડની ટીમ.

આ દરમ્યાન સ્ટેશન પર ઊભેલી એક મહિલા સ્ટેશન-માસ્ટરની ઑફિસમાં ગઈ અને લટકતા કબૂતરની વાત કહી. પાંચ દિવસ પહેલાં જ ગોરેગામના સ્ટેશન-માસ્ટરની ડ્યુટી સંભાળનાર ધીરજ ઝાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તે મહિલા રડતી-રડતી મારી ઑફિસમાં આવી અને આખી વાત કરી એટલે મેં તરત અમારી ઑફિસમાં રહેલા મેડિકલ ઑફિસરને એ સ્થળે કબૂતર જીવતું છે કે નહીં એ જોવા મોકલ્યા. કબૂતર જીવતું હતું અને ફાયર-બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી એટલે મેં તરત અમારી હેડ ઑફિસમાં ફોન કરીને આખી ઘટના બયાન કરી. ગાડીની પોઝિશન, કન્ટ્રોલ બધું ચેક કર્યું અને પાવર સપ્લાય બંધ કરવા સ્પેશ્યલ ટીમ બોલાવી. પાંચ-સાત મિનિટમાં જ આ ટીમ આવી ગઈ. ફાયર-બ્રિગેડ પણ તૈયાર હતી. આથી બધાના ટાઇમિંગનો તાલમેલ કરીને 10.28થી 10.33 વાગ્યા દરમ્યાન પાંચ મિનિટ માટે અમે પ્લેટફૉર્મ-નંબર એક અને બેની ઓવરહેડ પાવર-સપ્લાય બંધ કરી દીધી. આ બાજુ ફાયર-બ્રિગેડે ચપળતાથી કબલતરને સુરક્ષિત રીતે ઉતાર્યું અને રેલવે, ફાયર ડિર્પાટમેન્ટ અને પક્ષીપ્રેમીઓને પ્લેટફૉર્મ પર હાજર રહેલા પ્રવાસીઓએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા.’

રાજેશ દોશીએ કબૂતરની સ્થિતિ વર્ણવતાં કહ્યું હતું કે ‘કબૂતરની એક પાંખમાં માંજો ભરાઈ ગયો હતો જેને કારણે એ ઊડી શકતું નહોતું. છતાંય એને બધાની સમયસૂચકતાથી જલદી ઉતારી લેવામાં આવ્યું હતું. જો હજી વધુ સમય વીતી જાત તો એની પાંખ કપાઈ જાત. અત્યારે એને એ જગ્યાએ અનેક ઘા પડ્યા છે જે રેગ્યુલર ડ્રેસિંગથી રુઝાઈ જશે.

આ પણ વાંચો: મુંબઈ: લાંબી હડતાળ બાદ બેસ્ટ કર્મચારીઓનો વિજય

વર્કિંગ ડેના પીક અવર્સનો સમય, અપ-ડાઉન ટ્રેનોનું ટાઇટ શેડ્યુલ, પ્રવાસીઓ અને રેલવે ડિપાર્ટમેન્ટના અનેક પ્રેશર વચ્ચે અબોલ જીવનું જીવન બચાવવા જહેમત કરનાર સ્ટેશન-માસ્ટર અને ફાયર-બ્રિગેડની ટીમને ધન્યવાદ આપવા જ ઘટે.

western railway goregaon