થાણેમાં યુવાનના ગાંડપણે હજારો મુસાફરોને મુશ્કેલીમાં મૂકી દીધા

15 August, 2019 02:33 PM IST  |  મુંબઈ

થાણેમાં યુવાનના ગાંડપણે હજારો મુસાફરોને મુશ્કેલીમાં મૂકી દીધા

ત્રણ જણ બાલ બાલ બચ્યા

થાણેમાં રેલવેના થાંભલા પર ચડી ગયેલા ૧૯ વર્ષના યુવાનને કારણે ગઈ કાલે સેન્ટ્રલ રેલવેના હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કોઈક પોતાની પાછળ પડ્યું હોવાની શંકાથી યુવક રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પરથી દોડીને એક અને બે નંબરની રેલવે લાઈનની વચ્ચેના એક થાંભલા પર ચડી ગયો હતો. યુવકને ચડેલો જોઈને લોકોએ બૂમાબૂમ કરતાં રેલવે અને પોલીસનું ધ્યાન જતાં એને બચાવવા માટે પાવર બંધ કરી દેવાતાં ટ્રેનો જ્યાં હતી ત્યાં થોભી ગઈ હતી. ઉપરથી નીચે ઊતરી ન શકતા યુવાનને ફાયરબ્રિગેડના જવાને હાથ પકડીને ઉતાર્યા બાદ બધાના શ્વાસ હેઠા બેઠા હતા અને ટ્રેનો ચાલુ થઈ હતી.

થાણે રેલવે સ્ટેશન પર સાંજે સવાપાંચ વાગ્યે એક વીજળીના થાંભલા પર ૧૯ વર્ષનો યુવક મંગલ યાદવ ચડ્યો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ સ્ટેશન પર હાજર લોકોએ એને બચાવવા માટે જોરજોરથી બૂમો પાડી હતી. લોકોનો અવાજ સાંભળીને રેલવે તંત્ર અને પોલીસ દોડી આવી હતી.

એમણે મંગલને પ્લૅટફૉર્મ નંબર ૧ અને ૨ની વચ્ચેના વીજળીના થાંભલા પર ચડેલો જોયો હતો. હાઈ ટેન્શન વીજળીના વાયરને જો એ અડશે તો એના રામ રમી જશે એમ માનીને રેલવેના અધિકારીઓએ પાવર બંધ કરી દીધો હતો. મંગલને રેસ્ક્યુ કરવા પોલીસની સાથે ફાયરબ્રિગેડના જવાનોએ ૫૦ મિનિટ મહેનત કરીને નીચે ઉતાર્યો હતો.

થાણે રેલવે પોલીસનાં સિનિયર ઈન્સ્પેક્ટર સ્મિતા ધાકણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગલ રેલવે સ્ટેશન પર આવ્યો ત્યારે એને લાગ્યું કે કોઈક એનો પીછો કરીને મારવા દોડી રહ્યું છે. આથી એ દોડીને વીજળીના થાંભલા પર ચડી ગયો હતો. જો કે ચડ્યા બાદ નીચે જોઈને એ ગભરાઈ ગયો હતો. એ ઊતરવા માગતો હતો પરંતુ વરસાદ અને નીચે પડવાના ડરથી એ ઊતરી નહોતો શકતો. લગભગ ૫૦ મિનિટની મહેનત બાદ એને નીચે ઉતારવામાં આવ્યો હતો. એ ઝારખંડનો વતની છે અને અહીં કામકાજની શોધમાં એ આવ્યો છે.’

મંગલ યાદવ તો બચી ગયો, પણ એને કારણે સેન્ટ્રલ રેલવેનો ધસારાના સમયે કલાક સુધી ટ્રેનવ્યવહાર ઠપ થતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ૧, ૨ અને ૩ નંબરની લાઈનનો પાવરકટ કરાતાં લગભગ તમામ ટ્રેનો અટકી ગઈ હતી. કેટલીક ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર વાળવામાં આવી હતી.

આ પણ વાંચો : મુંબઈઃ ભાઈંદરનો ટ્રાન્સજેન્ડર વિશાલ વ્યંડળ સમુદાયમાં સામેલ થશે

લોકલ ટ્રેન અટકી જવાથી લોકો ટ્રેનમાંથી ઊતરીને પાટા પર ચાલવા લાગ્યા હતા. એક નંબરની લાઈન પર અટકી પડેલી ટ્રેનમાંથી ઊતરીને સ્ટેશન તરફ ત્રણ જણ જતા હતા ત્યારે બે અને ત્રણ નંબરની લાઈન પર અચાનક ટ્રેન આવતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેઓ બન્ને લાઈનની વચ્ચે નીચે બેસી જવાની સાથે બે નંબર પરની લોકલના મોટરમૅને બ્રેક મારતાં આ પ્રવાસીઓ બચી ગયા હતા. એક યુવાનના ગાંડપણે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

- તસવીર : લલિત ગાલા

thane mumbai news