મુંબઈ : સેન્ટ્રલ રેલવેમાં નવી લાઇન નાખવા સાયન સ્ટેશનને ખસેડાશે

15 January, 2020 09:23 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : સેન્ટ્રલ રેલવેમાં નવી લાઇન નાખવા સાયન સ્ટેશનને ખસેડાશે

સાયન રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૧ પર નવા ફુટઓવર બ્રિજનું ચાલી રહેલું બાંધકામ. તસવીર : બિપિન કોકાટે

ભારતનાં સૌથી જૂનાં રેલવે સ્ટેશનમાં જેની ગણના થાય છે એ સેન્ટ્રલ રેલવેલાઇન પરના સાયન રેલવે સ્ટેશનને પશ્ચિમ તરફ ખસેડવાની યોજના રેલવેએ બનાવી છે. આ લાઇનમાં બે નવી રેલવેલાઇન નાખવા માટે આ કામ હાથ ધરાશે જેને લીધે ટ્રેનવ્યવહારને અસર થશે. રેલવે વિભાગે આવી જ યોજના માટુંગા રેલવે સ્ટેશન માટે પણ બનાવી છે.

સાયન સ્ટેશનને ખસેડવાથી એ એલબીએસ માર્ગની નજીક આવવાની સાથે પરેલ અને કલ્યાણ વચ્ચે સેન્ટ્રલ લાઇનમાં પાંચમી અને છઠ્ઠી રેલવેલાઇન નાખવા માટેની જગ્યા મળશે જેના પર લોકલ અને બહારગામનો ટ્રેનવ્યવહાર ચાલી શકશે.

આઇડિયા એ છે કે સાયન રેલવે સ્ટેશનનાં ફાસ્ટ રેલવેલાઇનનાં વપરાતાં નથી એ પ્લૅટફૉર્મ તોડી પાડશે. અહીં બે નવી રેલવેલાઇન બેસાડી શકાશે. સૂત્રોના કહેવા મુજબ આ શિફ્ટિંગથી અહીં ચોમાસામાં દર વર્ષે પાણી ભરાવાની જે સમસ્યા છે એનો અંત આવશે, કારણ કે મોટી ગટર અને વધુ ઑપન જગ્યા મળશે.

છેલ્લે રેલવે તંત્ર દ્વારા બે-ત્રણ વર્ષ પહેલાં આવી જ રીતે પરેલ રેલવે સ્ટેશન અને ૧૯૯૦માં દાદર રેલવે સ્ટેશનને એક નંબરના પ્લૅટફૉર્મ તરફ ખસેડાયાં હતાં જેથી લોકલ ટ્રેન માટે દાદર ટર્મિનસ બનાવી શકાયું હતું.

આ પણ વાંચો : તાન્હાજી જોવા આવેલા કૅન્સરના દર્દીઓ માટે લોકોએ સીટ ખાલી કરી આપી

રેલવેના અધિકારીએ કહ્યું હતું કે કામ ૪૦ ટકા પૂરું થઈ ગયું છે. અત્યારે સાયન સ્ટેશન પર ત્રણ કામ ચાલી રહ્યાં છે. એક, ઉત્તર દિશામાં ઈસ્ટ-વેસ્ટમાં જવા માટે મોટો ફુટઓવર બ્રીજ; બે, અત્યારના પ્લૅટફૉર્મને લંબાવવાનું કામ અને ત્રણ, મહત્વનું કામ એટલે કે નવાં પ્લૅટફૉર્મ બાંધવાનું કામ.’

sion central railway mumbai news mumbai rajendra aklekar