સંજય રાઉત મળ્યા શરદ પવારને રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા

01 November, 2019 07:20 AM IST  |  મુંબઈ

સંજય રાઉત મળ્યા શરદ પવારને રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા

સંજય રાઉત

મુખ્ય પ્રધાનપદ અઢી-અઢી વર્ષ વહેંચી લેવાના મુદ્દે બીજેપીએ વધુ મચક ન આપતાં શિવસેના હવે વધુ આક્રમક બની છે. બન્ને
પક્ષના સંબંધમાં ઊભી તિરાડ પડી ગઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજેપીની રુખને કારણે હવે શિવસેનાએ નવું શસ્ત્ર ઉગામ્યું છે. શિવસેનાના વરિષ્ઠ નેતાએ એનસીપીના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લેતાં રાજકીય સમીકરણો બદલાવાના અણસાર દેખાઈ રહ્યા છે. એક રીતે શિવસેના બીજેપી પર દબાણ લાવવાની પેરવી કરી રહ્યું હોવાનું પણ સૂત્રોએ કહ્યું છે.

સંજય રાઉતે ગઈ કાલે સવારે સિલ્વર ઓક નિવાસસ્થાને જઈને એનસીપીના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લીધી હતી. બન્ને નેતાઓ વચ્ચે આશરે અડધો કલાક ચર્ચા ચાલી હતી. ખાસ કરીને હાલમાં મહારાષ્ટ્રમાં સત્તા કોની એ વિશેના ગંભીર મુદ્દે બન્ને વચ્ચે ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે સૂત્રોનું માનીએ તો સંજય રાઉત શરદ પવારને દિવાળીની શુભેચ્છા આપવા ગયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. મુલાકાત દરમ્યાન બન્ને નેતાઓ વચ્ચે કોઈ પ્રકારની રાજકીય ચર્ચા થઈ ન હોવાનું આંતરિક વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું.

શિવસેનાએ ગઈ કાલે પોતાનું વલણ વધુ આક્રમક બનાવતાં સ્પષ્ટ કર્યું હતું કે બીજેપી તરફથી કોઈ પ્રકારનો સત્તાવહેંચણીનો પ્રસ્તાવ મળ્યો નથી.

ગઈ કાલે કૉન્ગ્રેસે શિવસેનાને ટેકો આપવાની દાખવેલી તૈયારી અને તમામ વિકલ્પ ખુલ્લા હોવાના શિવસેનાએ બીજેપીને આપેલા સંકેતની પાર્શ્વભૂમિ પર રાઉત અને પવાર વચ્ચે મુલાકાત થઈ હોવાનું સૂત્રોનું માનીએ તો એક વાત ચોક્કસ છે કે મહારાષ્ટ્રમાં આવનારા દિવસોમાં રાજકારણમાં ઘણી ઊથલપાથલ થશે.

sanjay raut sharad pawar nationalist congress party shiv sena mumbai news