મુંબઈ પોલીસની ઈમાનદારીને સલામ

30 December, 2018 11:26 AM IST  |  | મમતા પડિયા

મુંબઈ પોલીસની ઈમાનદારીને સલામ

થૅન્ક યુ : મુંબઈની લોકલ ટ્રેનમાં દાગીના ભરેલી બૅગ ભૂલી ગયેલા પરિવારને પાછી સોંપી રહેલી ચર્ચગેટ GRPની ટીમ.

ભાઈંદરમાં ભત્રીજીનાં લગ્નમાં હાજરી આપીને શુક્રવારે રાતે ઘરે પાછો ફરી રહેલો પરિવાર સાડાછ લાખ રૂપિયાના દાગીના ભરેલી બૅગ ટ્રેનમાં ભૂલી ગયો હતો. નસીબજોગે ચર્ચગેટમાં GRP કૉન્સ્ટેબલને મળેલી નધણિયાતી બૅગ આ પરિવારની જ હતી. બૅગ પાછી મળતાં પરિવારને હાશકારો થયો હતો. GRP કૉન્સ્ટેબલ અને બૅગ શોધવા માટે RPFના સ્ટાફે દર્શાવેલી તત્પરતાનાં વખાણ કરતાં સોલંકી પરિવારે તેમનો આભાર માન્યો હતો. ગિરગામમાં રહેતા મનીષ સોલંકી તેમનાં પત્ની નીલમ અને અન્ય પરિવારના સભ્યો સાથે મળીને ભાઈંદરથી સાઉથ મુંબઈ પાછા ફરી રહ્યા હતા. પરિવારજનો સાથે વાતચીત કરતાં રાતે ૯.૨૦ વાગ્યે ગ્રાન્ટ રોડ સ્ટેશને તેઓ ૬,૨૦,૦૦૦ રૂપિયાના દાગીના ભરેલી બૅગ ભૂલીને જતા રહ્યા હતા. આખરે બે કલાકની દોડાદોડ બાદ તેમને બૅગ પાછી મળી હતી.

આ પણ વાંચો : વરલીની આગમાં મહિલા સહિત બે ફાયર-ફાઇટર જખમી

અમે મિડલ ક્લાસના માણસો છીએ અને ફરી આ દાગીના ખરીદવાની હિંમત ન કરી શકીએ એમ જણાવીને મનીષ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે લગ્નમાંથી અમે રાતે ટ્રેનમાં પાછા ફર્યા હતા. વાતચીતમાં અમે ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતરી ગયા હતા. અમારા ઘરના નાકા સુધી માંડ પહોંચ્યા હતા ત્યાં બૅગ તો ટ્રેનની રૅક પર ભૂલી ગયા હોવાનું યાદ આવ્યું હતું. અમારું માથું ચકરાઈ ગયું. ઘરે જવાની જગ્યાએ ત્યાંથી ટૅક્સી પકડીને અમે ચર્ચગેટ સ્ટેશને રવાના થયા હતા. ત્યાં સ્ટેશન-માસ્ટરની ઑફિસમાં ગયા હતા અને તેમણે મને ય્ભ્જ્ની ઑફિસમાં મોકલ્યો હતો. ત્યાંના ઑફિસરે અમને ગ્રાન્ટ રોડથી માંડીને ચર્ચગેટ સ્ટેશનના ઘ્ઘ્વ્સ્ કૅમેરાનાં ફુટેજ દેખાડ્યાં હતાં. અમે જે ટ્રેનમાં હતા એ ચર્ચગેટ પહોંચીને વિરાર ટ્રેન બની હતી. રાતે ૧૨ વાગ્યે RPFએ મને GRPમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી. અમે ચર્ચગેટના GRP પોલીસ-સ્ટેશનમાં ગયા હતા ત્યારે જાણ થઈ કે ત્યાંના કૉન્સ્ટેબલને એક નધણિયાતી બૅગ બે કલાક પહેલાં મળી હતી. આ સાંભળતાં જ બૅગ કદાચ પાછી મળી જશે એવી આશા જાગી હતી. અમારા પર જાણે મહંતસ્વામીની કૃપા થઈ અને કૉન્સ્ટેબલ દેવદૂત બન્યો. દાતાર નામના આ પોલીસને અમારી બૅગ મળી અને તેણે જમા કરાવી હતી. બૅગ જોઈને અમારા શ્વાસમાં શ્વાસ આવ્યો હતો. આજના સમયમાં ફરી સાડાછ લાખ રૂપિયાના દાગીના બનાવવા ખૂબ મુશ્કેલ બાબત છે. GRPની ઈમાનદારીનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. બે કલાકથી દોડાદોડ કરીને અમે ખૂબ ગભરાયેલા હતા, પણ GRP ઑફિસરોએ અમને શાંત પાડીને સમજાવ્યા હતા. તેમણે દસ્તાવેજી કાર્યવાહી પાર પાડીને અમારી બૅગ પાછી આપી. ખરેખર પોલીસ હોય તો આવી. અમે બધાનો ખૂબ આભાર વ્યક્ત કરીને મોડી રાતે ઘરે પાછા ફર્યા હતા.’

mumbai news indian railways western railway