આરે બચાવોની અપીલ કરતા ટાબરિયાંઓ: મોદી નહીં તો શિન્ઝો હી સહી

14 March, 2019 08:09 AM IST  |  મુંબઈ | રણજિત જાધવ

આરે બચાવોની અપીલ કરતા ટાબરિયાંઓ: મોદી નહીં તો શિન્ઝો હી સહી

આરે બચાવની અપીલ કરતા બાળકો

જિંદગીની દોટમાં માત્ર બાળકોની કાલી-ઘેલી બોલી જ લોકોને બે ઘડી રોકાઈને વાત સાંભળવા મજબૂર કરી શકે છે અને સાંભળેલી વાત પર વિચાર કરવા પ્રેરી શકે છે. આ જ વાતને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે પર્યાવરણવાદીઓએ. નાનાં પાંચથી સાત વર્ષનાં ટાબરિયાંઓના મોંએ તેમની કાલી ઘેલી બોલીમાં ‘આરે બચાવો’ના વિષય પર જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને વિનંતી કરતાં પ્લેકાર્ડ લઈને ઊભાં રહેલાં ભુલકાંઓનો વિડિયો વાયરલ થયો છે.

ગયા મહિને ફેબ્રુઆરીમાં વાયરલ થયેલા ‘મોદી અંકલ સેવ આરે’ વિડિયોને સોશ્યલ મીડિયા (વૉટ્સઍપ સિવાય) પર ૨૫,૦૦૦ વ્યુ મળ્યા હતા. હવે નવા વિડિયોમાં બાળકોએ શહેરમાં આરે સિટીનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ વિડિયોમાંનાં પાંચેય ભુલકાં આરે સિટીની આસપાસના વિસ્તારમાં રહે છે અને નિયમિત આરે સિટીની મુલાકાત લે છે.

વિડિયોની શરૂઆતમાં પાંચ વર્ષનો અર્જુન મહેતા જૅપનીઝ ભાષામાં જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને આરે બચાવવાની વિનંતી કરે છે. વિડિયોમાં જણાવાયું છે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના સર્વે મુજબ દેશનાં ચાર સૌથી વધુ પ્રદૂષિત મેગા સિટીમાં મુંબઈ કઈ રીતે સમાવિષ્ટ થયું છે અને ૨૦૧૬માં પ્રદૂષણને કારણે પાંચ વર્ષથી નાની વયનાં લગભગ એક લાખ જેટલાં બાળકો મૃત્યુ પામ્યાં હતાં. અહીં એ જાણવું જરૂરી છે કે આ એ જ અર્જુન મહેતા છે જેણે ૨૦૧૭માં અઢી વર્ષની વયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને આરે સિટી બચાવવાની અપીલ કરી હતી.

વિડિયોમાંનાં અન્ય બીજાં બાળકોમાં આરોમ બ્રહ્મભટ્ટ, શૌર્ય સિંધ, શૈશા કોઠારી, ધીર સચદેવ, અંકુર બાંકડા અને આયાન કોચર જૅપનીઝ સબટાઈટલ સાથે જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને કહી રહ્યાં છે કે મુંબઈમાં મેટ્રો-૩ના આગમનથી તેઓ ખુશ છે, પણ મેટ્રો-૩ના કારશેડ માટે વૃક્ષો કાપવા અનિવાર્ય છે, આ માટે અન્ય કોઈ વિકલ્પ ન અપનાવી શકાય?

આ પણ વાંચો : સચિન તેન્ડુલકરે શૅર કર્યો જસ્ટ મેરિડ આકાશ અંબાણીનો ફોટો

વિડિયો તૈયાર કરનારા એમ્પોવર ફાઉન્ડેશનના જયેશ મહેતાએ કહ્યું હતું કે અગાઉના ‘મોદી અંકલ સેવ આરે’ વિડિયોને સોશ્યલ મીડિયાના લગભગ પ્રત્યેક માધ્યમમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો, પણ મેટ્રો-૩ના કારશેડનો પ્રકલ્પ યથાવત્ રહ્યો આથી હવે અમે જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને જ વિનંતી કરવાનો નિર્ણય લીધો છે.

save aarey aarey colony mumbai news