મુંબઈ: ઉદ્ઘાટનના બીજા જ દિવસે મોનો રેલની સર્વિસ ખોટકાઈ

05 March, 2019 08:26 AM IST  |  મુંબઈ

મુંબઈ: ઉદ્ઘાટનના બીજા જ દિવસે મોનો રેલની સર્વિસ ખોટકાઈ

લાંબા સમયની રાહ જોયા બાદ મોનોરેલની શરૂઆત થઈ છે. ગઈ કાલે મહિલા તેના બાળક સાથે મોનોરેલની મુસાફરી કરતી જોવા મળી હતી.

મહાશિવરાત્રિના પર્વે રજા હોવાથી મોટી સંખ્યામાં મુંબઈગરાઓ નવા શરૂ થયેલા મોનોરેલના બીજા તબક્કાનો આનંદ માણવા ઊમટી પડ્યા હતા. જોકે મોનોરેલ શરૂ થવાના બીજા જ દિવસે ચારમાંની એક ટ્રેનનાં પૈડાંમાં ફૂલોના શણગાર માટે ઉપયોગમાં લેવાયેલા વાયર ગૂંચવાઈ જતાં ૪૫ મિનિટ સુધી ટ્રેન વડાલા મોનોરેલ સ્ટેશન પર અટકી પડી હતી. ૧૨.૩૦થી એક વાગ્યા વચ્ચેનો આ બનાવ હતો. ટ્રેનની અંદર હાજર મુસાફરોને વડાલા સ્ટેશન પર ઊતરી જવાની ફરજ પડી હતી અને ટ્રેનને તાત્કાલિક કારડેપોમાં ખસેડવામાં આવી હતી જ્યા ટ્રેનનાં પૈડાંમાં ફસાયેલા વાયર કાઢવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ટ્રેનની સર્વિસ પાછી શરૂ કરવામાં આવી હતી.

મધ્ય રેલવેમાં ટેક્નિકલ ખામી, પરેલ સ્ટેશન પર મુસાફરો અટવાયા

પરેલ સ્ટેશન પર ટેક્નિકલ ખામીને કારણે મધ્ય રેલવેનો વ્યવહાર ગઈ કાલે બપોરે ખોરવાઈ ગયો હતો. એને કારણે મુસાફરોને ભારે મુશ્કેલી થઈ હતી. લાંબા સમય સુધી લોકલ રોકાઈ રહેતાં પ્રવાસીઓ ટ્રેનમાંથી ઊતરી પાટા ઓળંગીને બીજા સ્ટેશન પર ગયા હતા.

મધ્ય રેલવેમાં ટ્રેનોની અસુવિધા જેમની તેમ છે. પરેલ રેલવે-સ્ટેશન પર ગઈ કાલે બપોરે ટેક્નિકલ ખામીને કારણે લોકલ રોકાઈ ગઈ હતી. પરિણામે અપ અને ફાસ્ટ ટ્રૅક પર વ્યવહાર ખોરવાઈ ગયો હતો. લાંબા સમય સુધી ટ્રેન રોકાઈ રહેતાં પ્રવાસીઓ અધવચ્ચે જ ટ્રેનમાંથી ઊતરી ગયા હતા અને ભરતડકામાં પાટા ઓળંગીને ચાલતા થયા હતા. મધ્ય રેલવેની કાયમની અસુવિધાને કારણે પ્રવાસીઓએ પ્રશાસનના વિરોધમાં રોષ ઠાલવ્યો હતો.

પહેલા દિવસે મુસાફરોની સંખ્યા : ૨૩.૬૫ હજાર

પહેલા દિવસે મોનોરેલની કમાણી : ૪.૪૮ લાખ

આ પણ વાંચો : કાશ્મીર ટૂરિઝમને અંદાજે 100 કરોડનો ફટકો

રેલવેની સર્વિસ ૧૦ મિનિટ માટે રોકવામાં આવી હતી એમ જણાવીને મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીના ચીફ આર. એ. રાજીવે કહ્યું હતું કે ટ્રેનમાં વિલંબ થવાનું કારણ એ હતું કે ગઈ કાલે ટ્રેનના શણગાર માટે લગાડવામાં આવેલાં ફૂલોને જોડતો એક વાયર ટ્રેનની નીચેના ભાગમાં ગૂંચવાઈ ગયો હતો.

mumbai monorail mumbai news chembur wadala