મુંબઈ: આતંકી પ્રવૃત્તિઓના સંકેત મળતાં રેલવે ઑથોરિટી હાઈ અલર્ટ પર

05 March, 2019 11:26 AM IST  |  મુંબઈ

મુંબઈ: આતંકી પ્રવૃત્તિઓના સંકેત મળતાં રેલવે ઑથોરિટી હાઈ અલર્ટ પર

પ્રતીકાત્મક તસવીર

ગુપ્તચર સંસ્થાઓ પાસેથી તાજેતરમાં મળેલી માહિતી બાદ પોલીસ, સિક્યૉરિટી એજન્સી અને રેલવે ઑથોરિટીને હાઈ અલર્ટ પર મૂકી દેવામાં આવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના ડિરેક્ટર જનરલ પાસેથી ‘મિડ-ડે’ને જાણવા મળ્યું હતું કે બાલાકોટમાં થયેલી ઍર-સ્ટ્રાઇક બાદ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં આતંકવાદીઓ કોઈ મોટો હુમલો કરી શકે છે.

કોઈ અજ્ઞાત વ્યક્તિએ અજ્ઞાત સ્થળ પરથી કરેલા ફોન-કૉલ્સનાં સંભાષણોમાં મુંબઈ પર આતંકવાદી હુમલો થઈ શકે છે એવા પ્રકારની માહિતી ગુપ્તચર સંસ્થાઓને આંતરવામાં આવેલા કેટલાક કૉલ્સ પરથી મળી હતી.

‘મિડ-ડે’એ મેળવેલી માહિતી અને આંતરેલા કૉલ્સના આધારે એજન્સીઓએ સ્ટેટ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ, ઇન્ટેલિજન્સ બ્યુરો, ગવર્નમેન્ટ રેલવે પોલીસ સહિત લોકલ પોલીસ-સ્ટેશન અને રેલવે પ્રોટેક્શન ફોર્સને કો-ઑર્ડિનેશન કરવાનો આદેશ આપ્યો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના ડિરેક્ટર જનરલ દ્વારા સેન્ટ્રલ રેલવે, વેસ્ટર્ન રેલવે અને કોંકણ રેલવેને પૅટ્રોલિંગમાં વધારો કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પ્રકારની થોડા સમયમાં મળેલી આ બીજી અલર્ટ છે. આ પહેલાં ગુજરાતમાં રેલવેને એક પત્ર મYયો હતો, જેમાં વેસ્ટર્ન રેલવે પર ટેરર અટૅકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને એને પગલે ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં વેસ્ટર્ન રેલવેનાં બધાં સ્ટેશનોને સાવધ રહેવાનો સંકેત આપવામાં આવ્યો હતો.

અલર્ટ દરમ્યાન એજન્સીઓએ કેટલાંક એવાં નામોની સ્પષ્ટતા કરી હતી જે આતંકી પ્રવૃત્તિઓમાં કામ કરી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસ જવાનો સિવિલ ડ્રેસમાં વેપન્સ સાથે ટ્રેનની અંદર હાજર રહેશે.

આ પણ વાંચો : મુંબઈ: ઉદ્ઘાટનના બીજા જ દિવસે મોનો રેલની સર્વિસ ખોટકાઈ

ભારતે પાકિસ્તાન પર કર્યો મૉર્ટાર હુમલો?

પાકિસ્તાનના એક ડિજિટલ પત્રકાર સરફરાઝ અલીએ એક ટ્વીટ કરીને ગઈ કાલે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના સાઉથ પંજાબના બહાવલનગર જિલ્લાના ફોર્ટ અબ્બાસ શહેરમાં તોબા કલંદર શાહ ચાક ૨૪૨ અને ૨૪૩ પર ભારતીય જવાનોએ મૉર્ટાર શેલ્સ વડે હુમલો કર્યો હતો જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આ સમાચારને હજી સુધી કોઈ સમર્થન મળ્યું નથી. સરફરાઝ અલીએ કેટલાક ફોટોગ્રાફ્સ ટ્વીટની સાથે અપલોડ કર્યા છે.

mumbai metro mumbai news terror attack