શિવસેનાના રંગઢંગ જોઈને બાળાસાહેબ સ્વર્ગમાં રડતા હશેઃ દેવેન્દ્ર ફડણવીસ

02 January, 2020 02:36 PM IST  |  Palghar

શિવસેનાના રંગઢંગ જોઈને બાળાસાહેબ સ્વર્ગમાં રડતા હશેઃ દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી સરકાર રચવા માટે એનસીપી અને કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કરીને શિવસેનાએ જનાદેશ અને બીજેપીને દગો દીધો હોવાનો આરોપ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૂક્યો હતો. પાલઘર જિલ્લા પરિષદની ચૂંટણી માટે બીજેપીના પ્રચારની સભામાં હિન્દુત્વની વિચારસરણીનો પાયો નાખનારા વીર સાવરકર માટે એલફેલ બોલનારાઓ સાથે શિવસેનાના સત્તાલક્ષી જોડાણને કમનસીબ ગણાવ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે શિવસેનાના હાલના રંગઢંગ જોઈને સ્વર્ગમાં બાળાસાહેબ પણ રડતા હશે.

આંતરિક ઝઘડાના વાતાવરણમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર કેટલું ટકશે એવો સવાલ ઉપસ્થિત કરતાં ફડણવીસે જણાવ્યું હતું કે ‘ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ જેટલી બેઠકો પર ઉમેદવારી કરી એમાંથી ૭૦ ટકા બેઠકો જીતીને સૌથી મોટા પક્ષનો દરજ્જો મેળવ્યો હતો, પરંતુ શિવસેનાએ જેટલી બેઠકો પર ઉમેદવારી કરી એમાંથી ૪૫ ટકા બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રવાસી નાગરિકોએ બીજેપી-શિવસેના ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો, પરંતુ શિવસેનાએ એનસીપી અને કૉન્ગ્રેસની સાથે ગઠબંધન કરીને બીજેપીને દગો દીધો છે.’

રાજ્યના સત્તાધારી ગઠબંધનની નબળાઈઓ વિશે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘મહા વિકાસ આઘાડીની સરકાર સ્થપાઈ એના પહેલા દિવસથી એ ત્રણ પક્ષો પ્રધાનોનાં નામ નક્કી કરી શકતા નહોતા. પ્રધાનોની પસંદગી પછી પણ શિવસેનાના નેતાઓ અને કાર્યકરોમાં અસંતોષ ભભૂકી રહ્યો છે. કૉન્ગ્રેસના કાર્યકરોએ તો રોષમાં એમની ઑફિસોની તોડફોડ પણ કરી હતી. જનતાએ શિવસેના-બીજેપીના ગઠબંધનને સ્પષ્ટ બહુમત દ્વારા સરકાર રચવાનો આદેશ આપ્યો હતો, પરંતુ પછીથી પરિસ્થિતિ બદલાઈ એ જનતાએ રાજકીય ગતિવિધિઓ નિહાળી છે. સરકારની રચના અને પ્રધાનમંડળના નિર્ણયો લેતાં બે અઠવાડિયાં લાગ્યાં.’

ફડણવીસે શિવસેના પર ખેડૂતોને છેતરવાનો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે ‘કમોસમી વરસાદથી નુકસાન સહન કરનારા ખેડૂતોને હૅક્ટરદીઠ ૨૫,૦૦૦ રૂપિયાના વળતરની માગણી કરનારા ઉદ્ધવ ઠાકરે જાતે સત્તા પર બેઠા ત્યારે બદલાઈ ગયા. એમણે વચનનું પાલન ન કર્યું અને પછી કેન્દ્ર સરકારની સહાયને મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફ આંગળી ચીંધી. તમે એનસીપી અને કૉન્ગ્રેસ સાથે જોડાણ કર્યું ત્યારે મોદીજીને પૂછ્યું હતું? મોદીજી તમને મદદ કરશે. પરંતુ યાદ રાખજો કે રાજ્યના નાગરિકો તમારી રાજકારણની પાટી કોરીકટ કરી નાખશે અને તમને દરવાજો દેખાડશે. આ સરકાર ‘માતોશ્રી’ (ઉદ્ધવ ઠાકરેના બંગલા)માંથી નહીં પણ ‘દિલ્હીના માતોશ્રી’ (કૉન્ગ્રેસના ટોચના નેતાઓ) ચલાવશે. રાજ્યના રાજકારણમાં શિવસેનાની ગતિવિધિઓ જોઈને સ્વર્ગમાં બાળાસાહેબ ઠાકરે રડતા હશે.’

devendra fadnavis shiv sena bal thackeray mumbai news mumbai