મૉલની મુલાકાત લેનારા 53 ટકા ત્યાંથી ખરીદી કરતા નથી

26 November, 2019 12:24 PM IST  |  Mumbai | Pallavi Smart

મૉલની મુલાકાત લેનારા 53 ટકા ત્યાંથી ખરીદી કરતા નથી

શૉપિંગ મૉલ

શહેરમાં બિલાડીના ટોપની જેમ જ્યાં-ત્યાં ઊભા થઈ રહેલા શૉપિંગ મૉલ હવે માત્ર શૉપિંગ મૉલ નથી રહ્યા એમ આઇઆઇટી દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાયું હતું. મૉલમાં આવનારા મુલાકાતીઓમાંના લગભગ ૫૩ ટકા ભોજન માટે, સમય પસાર કરવા કે પછી ફિલ્મો જોવા આવતા હોય છે. સર્વેનો મૂળ હેતુ મૉલની આસપાસના વિસ્તારોમાં પરિવહનની વ્યવસ્થા વિશે માહિતી મેળવવાનો અને મૉલના મુલાકાતીઓની વર્તણૂકનો અભ્યાસ કરવાનો હતો. 

સર્વેમાં શૉપિંગ મૉલના મુલાકાતીઓનાં કારણો પર પ્રકાશ પાડવા ઉપરાંત મૉલમાં આવતા લોકોની સુવિધા માટે જાહેર પરિવહનનાં સાધનો સુધી સરળ પહોંચને પણ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. મહત્ત્વનાં રેલવે સ્ટેશનો, ટર્મિનલ્સ અને મેટ્રોમાં
મૉલની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સંશોધનમાં મુંબઈના પાંચ શૉપિંગ મૉલ્સમાંના ૬૫૦ મુલાકાતીઓને આવરી લેવાયા હતા, જે મુજબ ૪૭ ટકા લોકો મૉલમાં શૉપિંગ માટે, ૫૩ ટકા લોકો જમવા, સમય પસાર કરવા કે પછી ફિલ્મ જોવા આવતા હોય છે. મૉલમાં આવનારા ૪૦ ટકા લોકો પાસે પોતાનાં વાહનો હોય છે, જ્યારે કે બાકીના માત્ર સમય પસાર કરવા કે ફિલ્મ જોવા આવતા લોકો ચાલીને કે પછી જાહેર પરિવહનનાં સાધનોનો ઉપયોગ કરીને મૉલમાં આવતા હોય છે. શૉપિંગ મૉલના કર્મચારીઓ મોટેભાગે જાહેર પરિવહનનાં સાધનોનો ઉપયોગ કરતાં હોય છે. અડધા કરતાં વધુ મુલાકાતીઓ વીક-એન્ડમાં બપોરે કે સાંજે મૉલની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે.

andheri mumbai news goregaon pallavi smart