મેયર મૅરથૉનમાં 8500ના રજિસ્ટ્રેશન સામે 12,000 રનર્સ દોડતાં થઈ ગરબડ

19 August, 2019 07:33 AM IST  |  મુંબઈ

મેયર મૅરથૉનમાં 8500ના રજિસ્ટ્રેશન સામે 12,000 રનર્સ દોડતાં થઈ ગરબડ

મેયર મૅરથૉન

પરવાનગીથી માંડીને ટી-શર્ટ પર મેયર અને સ્થાનિક વિધાનસભ્યની કંપનીના લોગો મૂકવા સહિતના વિવાદ વચ્ચે ભારે ચર્ચાસ્પદ બનેલી મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા ગઈ કાલે આયોજિત કરાયેલી મેયર મૅરથૉનમાં અનેક ગરબડ થતાં એ વિરોધીઓનું નિશાન બની હતી. સ્ટાર્ટ અને એન્ડ પૉઇન્ટ કાદવભર્યા મેદાનમાં હોવાની સાથે હજારોની સંખ્યામાં આવેલા સ્પર્ધકો માટે યોગ્ય વ્યવસ્થા ન કરાઈ હોવાની ફરિયાદ લોકોએ કરી હતી. મેડલ વિતરણ અને ચા-નાસ્તાના સ્ટૉલ પર તો લોકોએ રીતસરની ધક્કામુક્કી કરી હતી. આયોજકોએ આ સ્ટૉલ બંધ ન કર્યા હોત તો અહીં સ્ટૅમ્પીડ થવાની શક્યતા હતી. આયોજકોએ સ્પર્ધકોને બદલે બીજેપીના નેતાઓને વધારે મહત્ત્વ આપવાથી તેમની સાથે કાર્યકરો જેવું વર્તન કરાયું હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે. ૨૧ કિલોમીટરની દોડમાં મૅરથૉનમાં હોવી જોઈએ એમાંની ઘણી સુવિધા ન હોવાનું જાણવા મળ્યું હતું. પાલિકાના કમિશનરે પહેલી મૅરથૉનમાં ૮૫૦૦ લોકોના રજિસ્ટ્રેશન સામે ૧૨,૦૦૦ સ્પર્ધકો સામેલ થતાં કેટલીક સમસ્યા ઉપરાંત આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હોવાનો દાવો કર્યો હતો.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત આયોજિત કરાયેલી મેયર મૅરથૉનને સવારે ૬ વાગ્યે ભાઈંદર-પશ્ચિમમાં આવેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાન ખાતે ‘પાણી બચાવો, ઝાડ લગાવો, સ્વચ્છ સુંદર મીરા ભાઈંદર માટે દોડો’ના સૂત્રોચ્ચાર સાથે મેયર મૅરથૉનની શરૂઆત શિક્ષણપ્રધાન ઍડ. આશિષ શેલારના હસ્તે કરાઈ હતી. આ સમયે મેયર ડિમ્પલ મહેતા, ડેપ્યુટી મેયર ચંદ્રકાન્ત વૈતી, વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા, સંસદસભ્ય ગોપાલ શેટ્ટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.

૫, ૧૦ અને ૨૧ કિલોમીટરની મૅરથૉનની દોડ માટે ૮૫૦૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેઓ સુભાષચંદ્ર બોઝ મેદાનમાં વહેલી સવારથી જમા થવા લાગ્યા હતા. વરસાદને લીધે મેદાનમાં કાદવ-કીચડ હોવાથી તેમને મેદાનની બહાર જવા માટે સાંકડો રસ્તો સ્ટેજની નજીક બનાવાયો હતો આથી આટલાબધા લોકોને બહાર નીકળતી વખતે લાગ્યો હતો.

ધક્કામુક્કી અને ગરબડ

આયોજકો દ્વારા ચા-નાસ્તા માટે ત્રણ સ્ટૉલ ઊભા કરવામાં આવ્યા હતા, જે આટલા બધા લોકો માટે અપૂરતા હોવાની સાથે સ્વયંસેવકોના અભાવે ભીડને કાબૂમાં રાખવાનું મુશ્કેલ બન્યું હતું. મેડલ વિતરણ માટેના સ્ટૉલ પર પૂરતી વ્યવસ્થા ન હોવાથી સ્પર્ધકોનો ધસારો થતાં કાઉન્ટર બંધ કરવું પડ્યું હતું. લોકોને પાંચ દિવસમાં મેડલ મળવાની જાહેરાત કરવામાં આવી હતી.

૨૧ કિલોમીટરની દોડમાં અવ્યવસ્થા

૨૧ કિલોમીટર લાંબી રેસના દોડવીરો માટે મૅરથૉનના નિયમ મુજબ એનર્જી ડ્રિન્કથી માંડીને તેમની તબિયત બગડે તો ડૉક્ટરોની ટીમ તહેનાત કરવાની હોય છે. કેટલાંક સ્થળે ડૉક્ટરોની ટીમ જોવા મળી હતી, પરંતુ એનર્જી ડ્રિન્કની અપૂરતી વ્યવસ્થા કરાઈ હોવાનું સ્પર્ધકોએ જણાવ્યું હતું.

સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા

પહેલી મૅરથૉનમાં ભાગ લેનારા સ્પર્ધકોએ પોતાના વિચાર ટ્વિટર, ફેસબુક, વૉટ્સઍપ સહિતના સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા. મોટા ભાગના લોકોએ આયોજનને વખાણ્યું હતું, પરંતુ ઘણા લોકોએ અપૂરતા આયોજનની ટીકા પણ કરી હતી. મોડી રાત સુધી મૅરથૉનની ચર્ચા ચાલી હતી.

આ પણ વાંચો : ગણેશોત્સવ મંડળનું રજિસ્ટ્રેશન 24 ઑગસ્ટ સુધી કરી શકાશે

૨૧ કિલોમીટરના વિજેતા

પુરુષ કૅટેગરીમાં રણજિતકુમાર પટેલ પહેલો આવતાં તેને ૩૧,૦૦૦ રૂપિયાના ઇનામ સાથે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. બીજા નંબરે મિકિયાસ યેમાતા લેમ્લેણુને ૨૧,૦૦૦ રૂપિયા અને સિલ્વર મેડલ, જ્યારે ત્રીજા નંબરે આવેલા વિષ્ણુ રાઠોડને ૧૧,૦૦૦ રૂપિયા અને બ્રૉન્ઝ મેડલ અપાયો હતો. મહિલા કૅટેગરીમાં હન્નાહ ગેથર્ડને ૩૧,૦૦૦ રૂપિયા અને ગોલ્ડ મેડલ, તો માલકમ તેસફાહુન મૅકોનેનને ૨૧,૦૦૦ રૂપિયા અને સિલ્વર મેડલ તેમ જ આરતી દેશમુખને ૧૧,૦૦૦ રૂપિયા અને બ્રૉન્ઝ મેડલ અપાયો હતો.

mumbai mumbai news mira road bhayander