મેટ્રો કારશેડ જ્યાં બનવાનું છે ત્યાં દીપડો દેખાયો

10 December, 2019 08:26 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મેટ્રો કારશેડ જ્યાં બનવાનું છે ત્યાં દીપડો દેખાયો

દીપડો

આરે કૉલોની વિસ્તારમાં જંગલી પ્રાણીઓ અને ખાસ કરીને દીપડાનો વાસ છે એ ફરી એક વાર પુરવાર થયું છે. આરે અને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડને અડીને આવેલા સીપ્ઝના એક સરકારી બિલ્ડિંગમાં બેસાડવામાં આવેલા સીસીટીવી કૅમેરામાં એક દીપડો રસ્તા પરના ડૉગી પર હુમલો કરતો ઝડપાયો છે. જોકે સિક્યૉરિટી ગાર્ડે બૂમાબૂમ કરતાં દીપડો ડૉગીને પડતો મૂકીને નાસી જતાં તે બચી ગયો હતો.

આરેમાં પ્રસ્તાવિત મેટ્રો કારશેડથી લગભગ ૧૦૦ મીટરના અંતરે આવેલા સીપ્ઝમાં પાવર સિસ્ટમ ઑપરેશન કૉર્પોરેશન પરિસરમાં બેસાડવામાં આવેલા સીસીટીવી કૅમેરાના ફુટેજમાં રસ્તે રખડતા શ્વાન પર દીપડો હુમલો કરતો ઝડપાયો હતો અને અચાનક બૂમાબૂમ થતાં દીપડો ગભરાઈને ડૉગીને છોડીને નાસી છૂટ્યો હતો.

આ ઘટના બની હતી એ પરિસરની એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે અમારું બિલ્ડિંગ જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડના બીજા છેડે આવેલું છે તો આરેમાંથી દીપડો અહીં સુધી પહોંચ્યો કઈ રીતે એ જ વાતનું અમને આશ્ચર્ય થાય છે. શું એ રસ્તો ઓળંગીને આવ્યો હશે?

સીસીટીવી કૅમેરાના ફુટેજમાં દીપડો ક્યાંથી આવ્યો અને કયા રસ્તે ગયો એ જોવા મળ્યું છે, જેમાં દીપડો બિલ્ડિંગની પાછળની ટેકરી તરફ દોડી ગયો હતો.

આ પણ વાંચો : મેલી દાનત સાથે જ બેનેટ રિબેલો દીકરી દત્તક લેતો?

થાણે વન વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટે જણાવ્યું હતું કે અમે દીપડો આવ્યો હોવાના પુરાવા લઈ લીધા છે અને બિલ્ડિંગના સ્ટાફ તથા નજીકના બિલ્ડિંગના રહેવાસીઓને શું કરવું એની જાણકારી આપી દીધી છે.

mumbai mumbai news ranjeet jadhav vikhroli jogeshwari aarey colony