અન્ય જાતિના યુવાનના પ્રેમમાં પડેલી કન્યાના રક્ષણનો પોલીસને HCનો આદેશ

08 May, 2019 08:31 AM IST  |  મુંબઈ | (પી.ટી.આઇ.)

અન્ય જાતિના યુવાનના પ્રેમમાં પડેલી કન્યાના રક્ષણનો પોલીસને HCનો આદેશ

પ્રિયંકા અને વિરાજ

માતંગ સમુદાયના યુવાનના પ્રેમમાં પડી હોવાને કારણે માતા-પિતાના ત્રાસમાં જીવનું જોખમ દર્શાવતાં રક્ષણ માગતી મરાઠા સમુદાયની કન્યા પ્રિયંકા શેટેની અરજીની સુનાવણીમાં બૉમ્બે હાઈ કોર્ટે પુણે પાસેના તળેગાંવ - એમઆઇડીસી પોલીસ સ્ટેશનને તપાસ કરીને ફરિયાદી કન્યાને રક્ષણ આપવાનો આદેશ આપ્યો હતો. પ્રિયંકા તળેગાંવ પાસેના નવલાખ ઉંબરે ગામની રહેવાસી છે અને હત્યાની ધમકી અપાયા પછી ઘર છોડી ચૂકી છે.

૧૯ વર્ષની સેકન્ડ યર લૉ સ્ટુડન્ટ પ્રિયંકા શેટેએ અરજીમાં જણાવ્યું હતું કે ‘હું મરાઠા સમુદાયની છું અને નીચી જાતિ ગણાતા માતંગ સમુદાયના ગરીબ પરિવારના ક્લાસમાં સાથે ભણતા વિરાજ અઘવડેના પ્રેમમાં પડી છું. મારા માતા-પિતા વિરાજ સાથેના સંબંધની વિરુદ્ધ છે અને અમે મળવાનું ચાલુ રાખીએ તો બન્નેને ખતમ કરવાની ધમકી આપી છે. વિરાજ સાથે મૈત્રીને કારણે મારા માતા-પિતા મને ત્રાસ આપે છે. એ ત્રાસથી કંટાળીને મેં ગયા ફેબ્રુઆરી મહિનામાં આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. એ વખતે મને પુણેની પવના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ડૉક્ટરોએ એને મેડિકો-લીગલ કેસ તરીકે તળેગાંવ પોલીસ સ્ટેશનને મોકલ્યો હતો, પરંતુ પોલીસ સ્ટેશને કોઈ પગલાં લીધા નહોતા. ગયા માર્ચ મહિનામાં પ્રિયંકાને એના કાકાએ દેશી પિસ્તોલ બતાવીને વિરાજને મળવાનું બંધ કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતીઓની શાન છે આઇસીએસઈનાં ટૉપર્સ

પ્રિયંકા શેટેના વકીલ નીતિન સાતપુતેએ બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ મકરંદ કર્ણિક અને જસ્ટિસ રિયાઝ ચાગલાની વૅકેશન બેન્ચને જણાવ્યું હતું કે પ્રિયંકાને જીવનું જોખમ હોવાથી એને પોલીસના રક્ષણની જરૂર છે. બેન્ચે તળેગાંવ-એમઆઇડીસી પોલીસ સ્ટેશનના અધિકારીને પ્રિયંકાના આરોપોની તપાસ કરીને એની સલામતીનો બંદોબસ્ત કરવાનો આદેશ આપ્યો હતો.

mumbai mumbai news bombay high court