રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સના 2 ડિરેક્ટર્સને 18 નવેમ્બર સુધી પોલીસ-કસ્ટડી

13 November, 2019 02:14 PM IST  |  Mumbai | Vinod Kumar Menon

રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સના 2 ડિરેક્ટર્સને 18 નવેમ્બર સુધી પોલીસ-કસ્ટડી

રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સ

પાંચ મહિનાથી પગાર કે વૈકલ્પિક નોકરીના અભાવે ઘાટકોપરના રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સના કર્મચારીઓ કફોડી સ્થિતિમાં મુકાયા હતા. એ સંજોગોમાં કંપનીના ડિરેક્ટર્સની ધરપકડ પછી કર્મચારીઓ વધુ ભીંસમાં મુકાયા છે. બીજેપીના નેતા કિરીટ સોમૈયાની મદદથી કરેલી રજૂઆતને પગલે લેબર કમિશનરે કંપનીને નોટિસ મોકલી હતી, પરંતુ બે ડિરેક્ટર્સની ધરપકડ પછી તેમને પગાર નહીં ચૂકવવાનું બહાનું મળશે એવી કર્મચારીઓને શંકા છે.

એક કર્મચારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે ‘અમે બધી બાજુથી ભીંસમાં મુકાયા છીએ. અમને પાંચ મહિનાથી પગાર મળ્યો નથી. માલિકે અમને પગાર ચૂકવવાની ખાતરી આપી હોવાથી અમે છેલ્લી ઘડી સુધી તેમને સાથ આપ્યો હતો. હવે તેમની ધરપકડ થતાં પગાર મેળવવાની આશા ડગમગી રહી છે.’

કંપનીમાં ૧૫,૦૦૦થી ૪૦,૦૦૦ સુધીનો પગાર ધરાવતા પંચાવન કર્મચારીઓ છે. કંપનીના અચાનક પતનની ભૂમિકા સમજાવતાં અન્ય એક કર્મચારીએ જણાવ્યું હતું કે ‘રસિકલાલ સાંકળચંદની પેઢી છ મહિનાથી નાણાકીય મુશ્કેલીમાં હતી. માલિકો સમયસર માલની કિંમત ચૂકવી ન શકતા હોવાથી બજારમાંથી નવો સ્ટૉક કંપનીને મળતો નહોતો. એ ઉપરાંત સોનાની કિંમતમાં વધઘટ થતી હતી. એ સંજોગોમાં એકંદરે વેચાણ ઘટવા માંડ્યું હતું. તાજેતરમાં જાણવા મળ્યું કે આ પેઢીના લેણદારો આખા દેશમાં છે. સોનાના ઝવેરાતના અનેક ઉત્પાદકોનાં ચૂકવણાં બાકી છે.’

ગઈ કાલે મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઓફેન્સ વિન્ગ (ઇઓડબ્લ્યુ)ના અધિકારીઓએ એ કંપનીના ડિરેક્ટર્સ પંચાવન વર્ષના જયેશ રસિકલાલ શાહ અને ત્રેપન વર્ષના નીલેશ રસિકલાલ શાહને એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મૅજિસ્ટ્રેટે તેમને ૧૮ નવેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલ્યા હતા. નાયબ પોલીસ કમિશનર શ્રીકાંત પરોપકારીએ જણાવ્યું હતું કે ‘ધરપકડ કરવામાં આવેલા ડિરેક્ટર્સ પ્રારંભિક તપાસમાં સહકાર આપતા નહીં હોવાથી અમે તેમની ધરપકડ કરી હતી. હવે અદાલતે
પોલીસ-કસ્ટડી આપતાં અમે કસ્ટડીમાં પૂછપરછ શરૂ કરીશું.

ghatkopar mumbai mumbai news mumbai crime news