નવા વર્ષે‍ મહિલાને મળી ડબલ ખુશી

02 January, 2019 10:25 AM IST  |  | પ્રીતિ ખુમાણ ઠાકુર

નવા વર્ષે‍ મહિલાને મળી ડબલ ખુશી

નવો રેકૉર્ડ : પાલઘર રેલવે-સ્ટેશને અને ટ્રેનમાં મહિલાએ ટ્વિન્સ બાળકને જન્મ આપ્યો હતો.

દહાણુ લોકલ ટ્રેનમાં મહિલાએ પહેલાં એક બેબીગર્લને જન્મ આપ્યો અને ત્યાર બાદ પાલઘર રેલવે-સ્ટેશનના વેઇટિંગ રૂમમાં બેબીબૉયને જન્મ આપ્યો હતો. આમ મહિલાએ ટ્વિન્સને જન્મ આપીને ઘણી વેદના સહન કર્યા બાદ હવે ત્રણેયની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે. મહિલા અને તેનાં બે બાળકોને મેડિકલ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પાલઘર જિલ્લામાં સફાળેમાં રહેતી ૨૩ વર્ષની છાયા સાવરા ફુલ ટર્મ પ્રેગ્નન્ટ હતી. મહિલાના ૨૬ વર્ષના પતિ અંકુશ સાવરા અને ૫૦ વર્ષની સાસુ કમળી સાવરા છાયાને લઈને સફાળે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં ગયાં હતાં, પરંતુ ત્યાંના ડૉક્ટરે તેમને કહ્યું હતું કે મહિલા ટ્વિન્સ બેબીને જન્મ આપવાની છે, પણ હૉસ્પિટલમાં જરૂરી સુવિધા ન હોવાથી મહિલાને પાલઘરની હૉસ્પિટલમાં લઈ જાઓ.

ડૉક્ટરે એમ પણ ઍડ્વાઇઝ આપી હતી કે તમે ઍમ્બ્યુલન્સની જગ્યાએ ટ્રેનથી જશો તો પાલઘર જલદી પહોંચી જશો. સફાળે પાલઘરથી ૪૦ કિલોમીટર દૂર છે અને ટ્રેનમાં ઓછા સમયમાં પહોંચી શકાય એમ હતું.

એથી ત્રણેય સફાળેથી લગભગ નવ વાગ્યે દહાણુ લોકલ ટ્રેનમાં બેઠાં હતાં, જોકે ટ્રેન પાલઘર સ્ટેશને પહોંચે એ પહેલાં જ સ્ટેશન પાસે છાયાએ બેબીગર્લને જન્મ આપ્યો હતો. જોકે નાળ જોડાયેલી હોવાથી છાયાને અતિશય દુખાવો થઈ રહ્યો હતો એથી કેળવે સ્ટેશન પરના સ્ટેશન-માસ્ટરે તાત્કાલિક પાલઘરના સ્ટેશન-માસ્ટરને જાણ કરી હતી. ડૉ. રાજેન્દ્ર ચવાણ અને એક સામાજિક કાર્યકર વગેરે તરત જ પાલઘર સ્ટેશને પહોંચ્યા હતા. ડૉક્ટરે ઇમર્જન્સીને ધ્યાનમાં લઈને પાલઘર સ્ટેશનના વેઇટિંગ રૂમમાં પેશન્ટને મેડિકલ સારવાર આપવાનું નક્કી કર્યું હતું. એથી સ્ટેશનની મહિલા સફાઈકર્મચારીઓ દ્વારા વેઇટિંગ રૂમની તાત્કાલિક ફિનાઇલ નાખીને સફાઈ કરવામાં આવી અને બધા પ્રવાસીઓને રૂમમાંથી બહાર જવા કહ્યું હતું. વેઇટિંગ રૂમની વિન્ડોને સાડી દ્વારા કવર કરવામાં આવી હતી.

જેવી ટ્રેન પાલઘર સ્ટેશન પર આવી કે છાયાને તરત જ વેઇટિંગ રૂમમાં લઈ જવામાં આવી હતી. રૂમમાં લઈ જવાની અમુક મિનિટમાં જ છાયાએ બેબીબૉયને જન્મ આપ્યો હતો. ડૉક્ટર રાજેન્દ્ર ચવાણના કહેવા પ્રમાણે અમે પહેલાં નાળને કાપી હતી, પરંતુ મને ધ્યાનમાં આવ્યું કે ટ્વિન્સમાંથી એક શિશુની હાલત ગંભીર થઈ રહી હતી. શિશુ પેટમાં એવી હાલતમાં હતું કે તેનો જીવ પણ જઈ શકે એમ હતો. એથી અમે બેબીને ટર્ન કર્યું અને ત્યાર બાદ મહિલાએ બીજા બાળકને જન્મ આપ્યો હતો. મહિલાની હાલત થોડી ખરાબ હોવાથી રેલવે પ્રશાસને વેઇટિંગ રૂમની પાસે એટલે કે પ્લૅટફૉર્મ-નંબર એકની બહાર ઍમ્બ્યુલન્સ બોલાવી હતી.

આ પણ વાંચો: સાત વર્ષમાં સૌથી ઓછા નોંધાયા ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવના કેસ

પાલઘરની હૉસ્પિટલમાં મહિલા અને તેનાં બે બાળકોને ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. સારવાર બાદ ત્રણેયની પરિસ્થિતિ સારી છે અને બન્ને બાળકનાં વજન ૨.૫ કિલો છે. આ પાલઘર જિલ્લાનો પહેલો કેસ છે જ્યાં ફુલ ટર્મ પ્રેગ્નન્ટ મહિલાએ પહેલાં ટ્રેનમાં અને પછી રેલવે-સ્ટેશનના વેઇટિંગ રૂમમાં બાળકને જન્મ આપ્યો હતો.

palghar mumbai news