PMC બૅન્કના ડિરેક્ટર જૉય થોમસે ઇસ્લામ અપનાવીને બીજા લગ્ન કર્યા હતા

13 October, 2019 11:33 AM IST  |  મુંબઈ | ફૈઝાન ખાન

PMC બૅન્કના ડિરેક્ટર જૉય થોમસે ઇસ્લામ અપનાવીને બીજા લગ્ન કર્યા હતા

જૉય થોમસ

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉ-ઓપરેટિવ(પીએમસી) બૅન્કના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર જૉય થોમસે વર્ષ ૨૦૧૨માં ઇસ્લામ અપનાવીને જુનૈદ ખાન નામ ધારણ કરીને ઇસ્લામી વિધિ પ્રમાણે એમની પર્સનલ અસિસ્ટન્ટ સાથે બીજું લગ્ન(નિકાહ) કર્યું હતું. પીએમસી બૅન્ક કૌભાંડની તપાસ કરતી સંસ્થાઓને પ્રાપ્ત દસ્તાવેજો મુજબ જૉય થોમસે જુનૈદ ખાન અને બીજી પત્નીને નામે કેટલાક ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા હતા. જૉય થોમસને પ્રથમ પત્નીના બે અને બીજી પત્નીનાં બે સંતાન છે.

આધારભૂત સૂત્રોએ જણાવ્યા પ્રમાણે જૉય થોમસ અને એમની પર્સનલ અસિસ્ટન્ટ પંદરેક વર્ષ પહેલાં પ્રેમમાં પડ્યા હતા અને ૨૦૦૪થી સાથે રહેતાં હતાં. ઘણાં વર્ષો સુધી એ રીતે સંબંધ ચાલ્યા પછી ૨૦૧૨માં ઇસ્લામી વિધિ પ્રમાણે લગ્ન કર્યું હતું. જૉય થોમસ કાયદેસર રીતે બીજું લગ્ન કરી શકે એમ નહીં હોવાથી એમણે ઇસ્લામી વિધિ મુજબ પર્સનલ અસિસ્ટન્ટને બીજી પત્ની બનાવી છે. જોકે થોમસની પ્રથમ પત્નીએ છ મહિના પહેલાં કરેલી છૂટાછેડાની અરજીની આખરી સુનાવણી આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં નિર્ધારિત છે.

મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઓફેન્સ વિન્ગ(ઇઓડબલ્યુ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટૉરેટની તપાસમાં મુંબઈ અને થાણેમાં ચાર ફ્લૅટ્સ ઉપરાંત થોમસના દીકરાના નામે એક કાફે સહિત કેટલીક પ્રૉપર્ટીના દસ્તાવેજો મળ્યા છે. પ્રારંભિક તપાસમાં જૉય થોમસને નામે વિશેષ પ્રમાણમાં પ્રૉપર્ટીઝ અને ઇન્વેસ્ટમેન્ટ્સની જાણકારી મળી નહોતી. વિગતો તપાસતાં મળેલા કેટલાક દસ્તાવેજોમાં જુનૈદ તથા અન્ય સ્ત્રીનાં નામે પ્રૉપર્ટી અને ઇન્વેસ્ટમેન્ટના પુરાવા મળ્યા હતા. તપાસ સંસ્થાઓને વધુ તપાસ કરતાં જૉય થોમસની બીજી પત્ની વિશે જાણવા મળ્યું હતું. દસ્તાવેજો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ થોમસ અને એની પત્નીને નામે પુણે શહેરમાં નવ ફ્લૅટ્સ અને એક બુટિક છે. એ પ્રૉપર્ટીની કિંમત પાંચેક કરોડ રૂપિયાની આસપાસ હોવાનો અંદાજ રાખવામાં આવે છે. એ નવ ફ્લૅટ્સમાંથી એકમાં થોમસની બીજી પત્ની રહે છે અને અન્ય આઠ ફ્લૅટ્સ ભાડે આપવામાં આવ્યા છે.

મેહુલ ચોકસીએ પીએસબી બૅન્ક સાથે ૪૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી

ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું બૅન્કિંગ કૌભાંડ આચરી વિદેશ ભાગી ગયેલા ભાગેડુ અને લોન ડિફોલ્ટર મેહુલ ચોક્સીના એક પછી એક કારનામા બહાર આવી રહ્યા છે. મેહુલ ચોક્સીએ ભારતની ઘણી બૅન્કો સાથે છેતરપિંડી આચરી છે. હવે પંજાબ અને સિંધ બૅન્કે આજે ઘટસ્ફોટ કર્યો છે કે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીએ જાહેર ક્ષેત્રની બૅન્ક સાથે ૪૪.૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ પ્રથમ ઘટના છે જ્યારે બૅન્કે ચોક્સીના લોન ડિફોલ્ટ અને છેતરપિંડી અંગે ખૂલીને જાણકારી આપી છે.

આ પણ વાંચો : મેટ્રો-5 પ્રોજેક્ટની જમીન સંપાદન મામલે ગામવાસીઓનો વિરોધ

 બૅન્કે કહ્યું કે મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડને લોન આપી હતી. ચોક્સી કંપનીમાં ડિરેક્ટરની સાથે ગેરંટર પણ હતા. જ્યારે ચોક્સીએ લોન પરત ન ચૂકવી તો ૩૧મી માર્ચ ૨૦૧૮ના રોજ બૅન્કે તેને એનપીએમાં વર્ગીકૃત કરી નાખી. બૅન્કે મેહુલ ચોક્સીને લોનની રકમ અને તેના વ્યાજ સહિતના અન્ય ચાર્જની ૨૩ ઑક્ટોબર ૨૦૧૮ સુધીમાં પરત ચુકવણી કરવા નિર્દેશ કર્યો હતો, પરંતુ જ્યારે લોનની ચુકવણી ન કરી તો ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ બૅન્કે મેહુલ ચોક્સીને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યો હતો.

reserve bank of india mumbai news