રેલવેના અનાઉન્સમેન્ટની ખામીનો ભોગ બન્યો ડોમ્બિવલીનો ભાનુશાલી પરિવાર

30 December, 2019 02:16 PM IST  |  Mumbai

રેલવેના અનાઉન્સમેન્ટની ખામીનો ભોગ બન્યો ડોમ્બિવલીનો ભાનુશાલી પરિવાર

શિલ્પા ભાનુશાળી

રવિવારે સેન્ટ્રલ રેલવેમાં હાથ ધરવામાં આવતા મેગા બ્લૉકનો માર તો ઉતારુઓએ સહન કરવો પડે છે, પણ ક્યારેક ફાસ્ટ ટ્રેન સ્લો ટ્રૅક પર આવતી હોવાની અનાઉન્સમેન્ટ ઉતારુઓ માટે મોટી મુશ્કેલી સર્જે છે. ડોમ્બિવલીમાં રહેતા ભાનુશાલીપરિવારે અનાઉન્સમેન્ટમાં થયેલી ગરબડને લીધે હાલાકી ભોગવવી પડી હતી અને સાથે જે સ્ટેશને ઊતરવું હતું એને બદલે આગળના સ્ટેશને ઊતરીને પાછા ફરતી વખતે ટીસીએ પકડતાં ૧૭૦૦ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.

અનાઉન્સમેન્ટને કારણે ભોગવવી પડેલી તકલીફ વિશે ડોમ્બિવલીમાં રહેતાં શિલ્પાબહેને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પરિવાર સાથે ડોમ્બિવલી સ્ટેશને હું આવી ત્યારે ઇન્ડિકેટર પર ૫.૦૪ વાગ્યાની ફાસ્ટ ટ્રેનનું ઇન્ડિકેટર જોયું હતું, જેમાં ટ્રેન થાણેથી ભાંડુપ અને ઘાટકોપર ઊભી રહેશે એવું લખ્યું હતું. જોકે એ સમયે પ્લૅટફૉર્મ પર આવેલી ટ્રેન થાણે પછી મુલુંડ અને ઘાટકોપર ઊભી રહેશે એવું અનાઉન્સમેન્ટ થયું હતું. અમારે મુલુંડ પહોંચવાની ઉતાવળ હતી એટલે અમે ઇન્ડિકેટર ખોટું હશે એવું સમજીને ફટાફટ એ ટ્રેન પકડી લીધી હતી. જોકે થાણે પછી આ ટ્રેન સીધી ભાંડુપ ઊભી રહી હતી એને લીધે અમારે ફંક્શનમાં પહોંચવામાં મોડું થયું હતું અને ટીસીએ અમને મુલુંડ સ્ટેશન પર પકડ્યા એટલે દંડ પણ ભરવો પડ્યો હતો.

રવિવારનો દિવસ એટલે રેલવેમાં થતા વિવિધ મેઇન્ટેનન્સને લીધે ઉતારુઓ માટે બ્લૉક મોટી સમસ્યા હોય છે. બ્લૉક દરમ્યાન ટ્રેનનું સમયપત્રક ખોરવાઈ જાય છે અને એને કારણે ઉતારુ ગડમથલમાં મુકાઈ જાય છે. ઘણી વાર ઇન્ડિકેટર કે પછી ખોટી અનાઉન્સમેન્ટને લીધે ઉતારુઓએ ભોગવવું પડે છે. આ સંદર્ભે સેન્ટ્રલ રેલવેના જનસંપર્ક અધિકારી એ. કે. જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનાઉન્સમેન્ટ ખોટી થાય એ શક્ય જ નથી. ઉતારુની સાંભળવામાં ભૂલ થઈ શકે છે. રેલવે પ્રશાસન દ્વારા ઉતારુઓની સગવડ માટે એમ-ઇન્ડિકેટરથી લઈને અનેક સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. રહી વાત ડોમ્બિવલીના ઉતારુઓની, તો તેઓને પડેલી તકલીફનો ઉકેલ કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.’ ડોમ્બિવલી સ્ટેશને ઉતારુઓએ ભોગવવી પડતી મુશ્કેલીનો મુદ્દો તો સંસદમાં પણ ગાજ્યો હતો. પ્લૅટફૉર્મ પર ઉતારુઓની એટલીબધી ભીડ હોય છે કે ઉતારુઓને ચડવા-ઊતરવામાં ઘણી અડચણ પડે છે. થોડા દિવસ પહેલાં ટ્રેનમાં ભારે ગિરદી હોવાને કારણે ડોમ્બિવલીની કચ્છી યુવતીનું ટ્રેનમાંથી પડવાને લીધે મૃત્યુ થયું હતું. ટ્રેનમાંથી ઊતરવા કે ચડવા માટે થતી બોલાચાલી અને મારામારી તેમ જ છાશવારે થતા અકસ્માતને કારણે ડોમ્બિવલીવાસીઓએ રેલવે પ્રશાસન સ્ટેશન પર અન્ય સુવિધા અને સગવડ પૂરી પાડે એવી અનેક વાર માગણી કરી છે, પણ પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું છે.

dombivli mumbai news indian railways central railway