ભિવંડીમાં બહુમતી હોવા છતાં કૉન્ગ્રેસે મેયરપદ ગુમાવ્યું

06 December, 2019 11:09 AM IST  |  Mumbai

ભિવંડીમાં બહુમતી હોવા છતાં કૉન્ગ્રેસે મેયરપદ ગુમાવ્યું

કૉંગ્રેસ

પરસ્પર વિરોધી વિચાર ધરાવતી શિવસેના અને કૉન્ગ્રેસ-એનસીપી આઘાડી સત્તા મહારાષ્ટ્રમાં આવી હોવાનો આંચકો હજી જનતા પચાવી નથી શકી ત્યાં ભિવંડી મહાપાલિકામાં વધુ એક રાજકીય ચમત્કાર સર્જાયો છે. મહાપાલિકામાં બહુમતી હોવા છતાં કૉન્ગ્રેસનો પરાજય થયો હતો. માત્ર ૪ નગરસેવક ધરાવતા કોણાર્ક વિકાસ આઘાડીએ ભિવંડી મેયરપદ પર વિજયપતાકા લહેરાવી હતી. કૉન્ગ્રેસના ૧૮ નગરસેવકો ફૂટવાને કારણે આ ઊથલપાથલ થઈ હતી. કોણાર્કનાં પ્રતિભા પાટીલ મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. મેયરપદ ઑપન કૅટેગરીમાં મહિલાઓ માટે રિઝર્વ થયા બાદ કૉન્ગ્રેસ અને શિવસેના બન્ને પક્ષે મેયરપદ માટે દાવેદારીની અરજી કરી હતી. રાજ્યમાં શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસની મહાવિકાસ આઘાડી સત્તા પર આવી હોવાથી ભિવંડી મહાપાલિકામાં શિવસેના અને કૉન્ગ્રેસે એકમેકની સામે બાંયો ચડાવી હતી. કૉન્ગ્રેસનાં વૈશાલી મ્હાત્રેએ બંડખોરી કરીને અરજી કરી હતી. મતદાન અગાઉ શિવસેનાનાં વંદના કાટેકર અને કૉન્ગ્રેસનાં વૈશાલી મ્હાત્રેએ અરજી પાછી ખેંચી લીધી હતી. એને કારણે કૉન્ગ્રેસના ઉમેદવાર સહજ રીતે ચૂંટાઈને આવશે એવો અંદાજ સેવાઈ રહ્યો હતો. ૯૦ સભ્યોની ભિવંડી મહાપાલિકામાં કૉન્ગ્રેસના ૪૭ નગરસેવક છે, પણ ૧૮ નગરસેવકો ફૂટી જતાં પરિણામ અવળી દિશામાં ફંટાયું હતું. કોણાર્ક વિકાસ આઘાડીનાં પ્રતિભા પાટીલને ૪૯, જ્યારે કૉન્ગ્રેસનાં રિષિકા રાંકાને ૪૧ મત મળ્યા હતા.

mumbai bhiwandi congress mumbai news