અમેરિકાથી પાછી ફરેલી વહુનો સાસુએ માથામાં ફૂલનું કુંડું ફટકારી જીવ લીધો

16 December, 2019 07:46 AM IST  |  Mumbai

અમેરિકાથી પાછી ફરેલી વહુનો સાસુએ માથામાં ફૂલનું કુંડું ફટકારી જીવ લીધો

રિયા માને

વસઈનાં પંચાવન વર્ષનાં આનંદી માનેએ ગઈ કાલે સવારે તેમની ૩૫ વર્ષની પુત્રવધૂ રિયા માને ઊંઘતી હતી ત્યારે તેના માથામાં વારંવાર ફ્લાવર-પૉટ કે ફૂલનું કુંડું ફટકારીને તેની હત્યા કરી હતી, કારણ કે પુત્રવધૂ દીકરાને પોતાનાથી દૂર કરતી હોવાની સાસુને શંકા હતી. પોલીસે જણાવ્યું હતું કે રિયા માને તેના ૬ મહિનાના બાળક સાથે પલંગ પર સૂતી હતી ત્યારે તેને ખતમ કરીને તેની સાસુ આનંદી માને પોલીસના શરણે ગઈ હતી.

આનંદીનો દીકરો રોહન અને વહુ રિયા અમેરિકાના ટેક્સસમાં ૬ વર્ષ કામ કરીને ૧ ડિસેમ્બરે વસઈના ઘરે પાછાં આવ્યાં હતાં. રિયાએ નર્સિંગનો અભ્યાસ કર્યો છે અને તે લગ્ન પૂર્વે ભારતમાં નોકરી કરતી હતી. આનંદીને રિયાનો નર્સિંગનો વ્યવસાય ગમતો ન હોવાથી તે લગ્ન પછી માસ્ટર્સ ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરીને રોહન સાથે વિદેશ ગઈ હતી.

લગ્ન વખતે રિયાની સાસુ આનંદીબાઈએ વારંવાર અપમાન કરીને અમને ખૂબ હેરાન કર્યાં હતાં, પરંતુ અમે બધું સહન કર્યું હતું.
- રિયાના પિતા ઉમેશ બાંગર

રિયાના પિતા ઉમેશ બાંગરે જણાવ્યું હતું કે ‘શનિવારે રાતે ૧૦ વાગ્યા સુધી રિયા અમારા ઘરે હતી. ગઈ કાલે સવારે જમાઈ રોહને દુખદ ઘટના વિશે જણાવ્યું હતું. લગ્ન વખતે રિયાની સાસુ આનંદીબાઈએ વારંવાર અપમાન કરીને અમને ખૂબ હેરાન કર્યાં હતાં, પરંતુ અમે બધું સહન કર્યું હતું. આનંદીબાઈએ અમારી દીકરીનું નામ સ્વાતિથી બદલીને રિયા કર્યું હતું.’

વસઈના માણિકપુર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૬થી ૮ વાગ્યાના સમયગાળામાં રોહન, તેના પિતા અને પરિવારના અન્ય સભ્યો મૉર્નિંગ વૉક માટે બહાર ગયા હતા ત્યારે આનંદી માનેએ રિયા માનેના માથામાં ફૂલનું કુંડુ ફટકાર્યો હતો. તે મરી ન જાય ત્યાં સુધી આનંદીએ પ્રહાર કર્યા હતા. અમે આરોપીની ધરપકડ કરીને તેને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે. રિયાનો મૃતદેહ ઑટોપ્સી માટે મોકલ્યો છે.’

પોલીસ-પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ‘મા (આનંદી) અને દીકરા (રોહન) વચ્ચે અંતર વધારવાના પ્રયાસ રિયા કરતી હોવાની શંકા આનંદીને હતી. રિયા તેના ૬ મહિનાના દીકરાને આનંદી સાથે ક્યારેય રમવા દેતી નહોતી. આનંદી જ્યારે દીકરાને રમવા લઈ જતી ત્યારે રિયા તેની સાથે જતી હતી. તે પોતાના બાળકને ક્યારેય એકલું છોડતી નહોતી.’


vasai mumbai crime news Crime News mumbai crime branch mumbai news