મુંબઈ : પીધેલા વડાપાઉંવાળાનો દર્દીનું બ્લડ ચોરવાનો પ્રયાસ

02 January, 2020 08:19 AM IST  |  Mumbai | Anurag Kamble

મુંબઈ : પીધેલા વડાપાઉંવાળાનો દર્દીનું બ્લડ ચોરવાનો પ્રયાસ

આરોપી અબ્દુલ ગફાર શેખ (તસવીર : સુરેશ કરકેરા)

૨૮ ડિસેમ્બરની રાતે લૅબ ટેક્નિશ્યન હોવાનો દાવો કરતાં બ્લડ ટેસ્ટ માટે દર્દીનું લોહી લેતાં ઝડપાયેલા ૪૦ વર્ષના અબ્દુલ ગફાર શેખની સાયન પોલીસ સ્ટેશને ધરપકડ કરી છે. વડાપાંઉના સ્ટૉલ પર હેલ્પરનું કામ કરતો ધારાવીનો રહેવાસી અબ્દુલ ગફાર દર્દી પાસે લોહી લેવા ગયો ત્યારે દારૂના નશામાં હતો અને તેણે ૫૦ વર્ષના ડાયાબિટીઝના દર્દી પ્રવીણ શિર્કેનાં પત્ની પ્રમિલા અને પુત્ર રોહન પાસેથી ૮૦૦ રૂપિયા માગ્યા હતા. આરોપીએ પોલીસ સામે હાલમાં બેકાર હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તે હૉસ્પિટલની સામેની ફુટપાથ પરના વડાપાંઉના સ્ટૉલ પર કામ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. હાઈ સિક્યૉરિટી વચ્ચે અજાણ્યો માણસ કેવી રીતે ઘૂસ્યો એની તપાસ સાયન હૉસ્પિટલના અધિકારીઓએ શરૂ કરી છે.

સાયન હૉસ્પિટલમાં સલામતી વધારી દેવાઈ હતી

પ્રવીણ શિર્કેનો ખ્યાલ રાખવા માટે તેમનાં ૪૨ વર્ષનાં પત્ની પ્રમિલા અને ૧૯ વર્ષનો પુત્ર રોહન રાતે હૉસ્પિટલમાં સૂતાં હોય છે. ૨૮મીની રાતે પ્રમિલાબેન અને રોહન બેઠાં હતાં અને ૧૧.૩૦ વાગ્યે રોહન લૉબીમાં સૂવા ગયો હતો. એ વખતે પ્રમિલાબેન વૉશરૂમમાં ગયાં અને ત્યાંથી પાછા આવ્યાં ત્યારે ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને આવેલો એક માણસ ઇન્જેક્શન વડે પ્રવીણના જમણા હાથમાંથી લોહી લેતો હતો. પ્રમિલાબેને પૂછ્યું કે ‘તમે શું કરી રહ્યા છો?’ એ વખતે અબ્દુલે કહ્યું કે ‘તમારા પતિના બ્લડ ટેસ્ટની જરૂર છે અને એને માટે તાત્કાલિક ૮૦૦ રૂપિયા આપવાના રહેશે.’

પ્રમિલાબેને કહ્યું હતું કે તેણે ડૉક્ટરનું એપ્રન પહેર્યું નહોતું અને તેના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. તેણે પહેલાં ૮૦૦ રૂપિયા માગ્યા અને પછી કંઈ નહીં તો ૪૦૦ કે ૫૦૦ રૂપિયા આપવાનું કહ્યું હતું. મને કંઈ ગરબડ જણાતાં રોહનને કહીને સિક્યૉરિટી ગાર્ડ્સને બોલાવ્યા અને ગાર્ડ્સ તેને સાયન પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.’

પોલીસ સમક્ષ પૅથોલૉજી લૅબોરેટરીમાં ફાર્માસિસ્ટ હોવાનો દાવો કરતો અબ્દુલ ગફાર કાદર શેખ ધારાવીના ૬૦ ફીટ રોડની જૂની ચાલીમાં રહે છે. ધરપકડ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મૅજિસ્ટ્રેટે શેખને જ્યુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

sion mumbai crime news Crime News mumbai news anurag kamble