બીજેપી-સેનાની યુતિની જાહેરાત રવિવારે થશે

21 September, 2019 12:45 PM IST  |  મુંબઈ

બીજેપી-સેનાની યુતિની જાહેરાત રવિવારે થશે

અમિત શાહ

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી બીજેપી અને શિવસેના સંયુક્ત રીતે લડશે એમ શિવસેનાના વરિષ્ઠ નેતાએ ગઈ કાલે જણાવ્યું હતું. જોડાણ વિશેની જાહેરાત બાવીસમી સપ્ટેમ્બરે બીજેપીના નેતા અમિત શાહની મુંબઈ-મુલાકાતના દિવસે કે ત્યાર પહેલાં જાહેર કરવામાં આવશે એમ શિવસેનાના સેક્રેટરી અનિલ દેસાઈએ જણાવ્યું હતું. ચૂંટણીની તૈયારીઓ માટે ચર્ચા કરવા ગઈ કાલે મુંબઈમાં યોજાયેલી શિવસેનાના નેતાઓની મીટિંગ બાદ અનિલ દેસાઈએ ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.

શિવસેના ૧૨૬ સીટ પરથી અને બીજેપી ૧૬૨ સીટ પરથી ચૂંટણી લડશે એવા અહેવાલ પર ટિપ્પણી કરવાની ના પાડતાં તેમણે કહ્યું હતું કે સીટ-શૅરિંગનો નિર્ણય સેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ લેશે.

શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન દિવાકર રાવતેએ તાજેતરમાં કહ્યું હતું કે શિવસેનાને ચૂંટણીમાં ૫૦ ટકા સીટ પરથી લડવા નહીં મળે તો યુતિનો ભંગ થશે. સેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે બીજેપીએ શાહ અને ફડણવીસની હાજરીમાં નક્કી કરાયેલી ૫૦-૫૦ સીટ-શૅરિંગની ફૉર્મ્યુલાને માન આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં બેઠક-વહેંચણીની સમજૂતી ન થઈ શકતાં બીજેપી-શિવસેના એકલા હાથે ચૂંટણી લડ્યાં હતાં. બીજેપી સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યા બાદ સત્તા મેળવી હતી. ત્યાર બાદ શિવસેના પણ સરકારમાં જોડાઈ હતી.

શિવસેના-બીજેપી ગઠબંધન વચ્ચે કોઈ મુશ્કેલી નથી : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી અને શિવસેના વચ્ચેના ગઠબંધન પર પાર્ટીપ્રમુખ ઉદ્ધવ ઠાકરેઅે શુક્રવારે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે શિવસેના અને બીજેપીના ગઠબંધન વચ્ચે કોઈ મુશ્કેલી નથી. બે દિવસની અંદર સીટની વહેંચણી અંગેનો નિર્ણય લેવામાં આવશે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ પત્રકાર પરિષદમાં બીજેપીની સાથે ગઠબંધન અને સીટની વહેંચણીને લઈને બોલ્યા હતા કે ‘અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. લોકસભા ચૂંટણી દરમ્યાન અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને મેં જે ફૉર્મ્યુલા નક્કી કરી છે તેને આધારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સીટની વહેંચણી નક્કી કરી છે તે મુજબ જ યુતિ થશે.’

આ પણ વાંચો : નાલાસોપારામાં ધોળે દહાડે 1.35 કરોડની સશસ્ત્ર લૂંટ

થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે શિવસેના અને બીજેપી વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કંઈક પ્રોબ્લેમ છે અને આ મુદ્દે લોકો અલગ અલગ પ્રકારના તુક્કાઓ પણ મારી રહ્યા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ પછી કોઈ પણ સમસ્યા નથી તે સ્પષ્ટ થઈ ગયું છે.

bharatiya janata party shiv sena amit shah uddhav thackeray mumbai news