બીજેપી-શિવસેના વચ્ચે યુતિની ફૉર્મ્યુલા માટેની ચર્ચાનો પહેલો તબક્કો પાર

06 September, 2019 02:20 PM IST  |  મુંબઈ

બીજેપી-શિવસેના વચ્ચે યુતિની ફૉર્મ્યુલા માટેની ચર્ચાનો પહેલો તબક્કો પાર

બીજેપી-શિવસેના

આગામી વિધાનસભા ચૂંટણી માટે બીજેપી, શિવસેના અને ઘટક પક્ષોની યુતિની ફૉર્મ્યુલા લગભગ નક્કી થઈ ગઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. બુધવારે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, જળસંસાધન પ્રધાન ગિરીશ મહાજન અને શિવસેનાના નેતા સુભાષ દેસાઈ વચ્ચે બેઠક વહેંચણીની ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં બેઠક વહેંચણી બાબતે પ્રાથમિક ચર્ચા દરમ્યાન ફૉર્મ્યુલા નક્કી થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠક પૈકી બીજેપી-શિવસેના ૨૭૦ બેઠક પરથી, જ્યારે ઘટક પક્ષો ૧૮ બેઠક પરથી ચૂંટણી લડે એવી શક્યતા છે. આ બેઠકોમાં બીજેપી ૧૬૦, શિવસેના ૧૧૦ અને ઘટક પક્ષો ૧૮ બેઠક પરથી ચૂંટણી લડે એવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

બુધવારે મળેલી બેઠકમાં ઘટક પક્ષોને વધુમાં વધુ ૧૮ બેઠક આપવા પર બન્ને પક્ષે સહમતી દાખવી હોવાની પણ ચર્ચા છે. ત્યાર બાદ ૨૭૦ બેઠક પૈકી બેઠક વહેંચવાના મુદ્દે બન્ને પક્ષમાં ચર્ચા થઈ હતી. ૨૮૮ બેઠક પૈકી ૧૬૦થી વધુ બેઠકો બીજેપીને આપવા માટે શિવસેના રાજી નથી. આનો અર્થ એ થયો કે શિવસેનાની ૧૧૦ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી છે. અંતિમ ફૉર્મ્યુલા નક્કી થવાની હજી બાકી છે. શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રકાંત પાટીલ વચ્ચે અંતિમ ચર્ચા થયા પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

આઠવલેની ૧૦ બેઠકની માગણી

ભારતીય રિપબ્લિકન પક્ષના સર્વેસર્વા અને કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યપ્રધાન રામદાસ આઠવલેએ તેના પક્ષને કોઈ પણ સ્થિતિમાં ૧૦ જગ્યા ફાળવવામાં આવે એવી માગણી કરી હોવાની માહિતી મળી છે. શિવસેના અને બીજેપી વચ્ચે બેઠક વહેંચણીના મુદ્દે ગઈ કાલથી ચર્ચાની શરૂઆત સાથે મિત્રપક્ષોને કેટલી બેઠકો ફાળવવી એની મુખ્યરૂપે ચર્ચા થઈ હતી. બીજી બાજુ મિત્રપક્ષોને બીજેપીએ પોતાના ક્વૉટામાંથી બેઠકો ફાળવવી એવું શિવસેનાએ જણાવ્યું હતું. મહાયુતિમાં બીજેપી અને શિવસેના ઉપરાંત મિત્રપક્ષોમાં રિપબ્લિકન પક્ષ, રાષ્ટ્રીય સમાજ પક્ષ, શેતકરી સંઘટના અને શિવસંગ્રામ પક્ષનો સમાવેશ થાય છે. મિત્રોપક્ષોને કેટલી બેઠક ફાળવશે, એનો નિર્ણય પહેલાં લેવાશે એવું બીજેપીના નેતાએ જણાવ્યું હતું. જોકે બીજેપી અને શિવસેનાના દિગ્ગજ નેતાઓની બેઠક વહેંચણીને મુદ્દે ગઈ કાલે પાર પડેલી બેઠકમાં બન્ને પક્ષોએ ૨૮૮ બેઠક પૈકી ૧૮ બેઠક આપવાની સહમતી દર્શાવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ૧૮ બેઠક પૈકી આઠવલેએ ૧૦ બેઠક પર લડવાનો હક માગ્યો છે.

આ પણ વાંચો : મિચ્છા મિ દુક્કડં લખી કચ્છી યુવતીએ શું કામ લગાવી મોતની છલાંગ?

બીજેપીનો સર્વે : મહાયુતિની ૨૨૯ બેઠક પરથી જીત નક્કી

આગામી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાબતે બીજેપી દ્વારા એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેક્ષણ અનુસાર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને ૨૨૯ બેઠક પરથી જીત મળવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. આને કારણે જ આવનારા એક અઠવાડિયામાં યુતિની બેઠક વહેંચણીનો ઉકેલ આવે એ માટે બેઠકનો દોર ચાલી રહ્યો છે.

bharatiya janata party shiv sena mumbai mumbai news uddhav thackeray amit shah devendra fadnavis