ઘાટકોપરની કાયાપલટ માટે વ્યાપક ફેરફાર સૂચિત કરાયા

22 November, 2019 02:40 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

ઘાટકોપરની કાયાપલટ માટે વ્યાપક ફેરફાર સૂચિત કરાયા

ઘાટકોપર રેલવે સ્ટેશન

ઘાટકોપર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવા માટે એમઆરવીસીએ કમર કસી છે. ઘાટકોપર સ્ટેશને ત્રણ નવા ફેરફાર સાથે કુલ ૭ પૉઇન્ટની ડિઝાઇન એમઆરવીસીએ સેન્ટ્રલ રેલવેને મોકલી આપી છે. ઘાટકોપર સ્ટેશન પર જે ત્રણ નવા ફેરફાર કરવામાં આવ્યા છે એમાં ૧૨ મીટરનો ફુટ ઓવરબ્રિજ, તમામ એલિવેટેડ ડેક એકમેક સાથે જોડાયેલા હશે અને રેલવે તેમ જ માર્ગ પર સહેલાઈથી અવરજવર કરી શકાય એ માટે ઉતારુઓ માટે સ્કાયવૉકનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)એ ઘાટકોપર સ્ટેશનની કાયાપલટ વિશેનો મૅપ ગુરુવારે સેન્ટ્રલ રેલવેને મંજૂરી માટે મોકલી આપ્યો છે અને ખાતરી આપી છે કે એક વાર રેલવે સેફ્ટી કમિશનરની મંજૂરી મળી જાય એના ૧૨ મહિના (મોન્સૂનને બાદ કરતાં) બાદ આ કામ પૂરું થઈ જશે.

ઘાટકોપર રેલવે સ્ટેશન ‘મોતનો કૂવો’ બની ગયો હોવાના અહેવાલ ‘મિડ-ડે’એ અનેક વાર પ્રગટ કર્યા હતા. ત્યાર પછી રેલવેપ્રધાન પીયૂષ ગોયલે ઉતારુઓની સગવડ માટે ઘાટકોપર સ્ટેશનની કાયાપલટ કરવા માટેનો પ્લાન રેલવે અધિકારીઓને ૧૩ સપ્ટેમ્બરે આપ્યો હતો. પીયૂષ ગોયલ અને સંસદસભ્ય મનોજ કોટકે ઘાટકોપર સ્ટેશનની બે કલાક ચકાસણી કર્યા બાદ રેલવે અધિકારીને ઉક્ત આદેશ આપ્યો હતો. મેટ્રોના અધિકારીઓને પણ જગ્યા વધારવા માટે જણાવવામાં આવ્યું હતું. રેલવેપ્રધાનના આદેશ બાદ ઉતારુઓની સગવડ માટે મેટ્રો સ્ટેશનના અમુક ભાગને તોડી પાડવામાં આવ્યો હતો. ઘાટકોપર સ્ટેશનના ઉતારુઓને અવરજવર માટે કોઈ પણ પ્રકારની અગવડ ન થાય એ માટે જે ૭ પૉઇન્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે એ સંપૂર્ણપણે બોરીવલી અને અંધેરી સ્ટેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

આ પણ વાંચો : પનવેલ સ્ટેશનના વન રૂપી ક્લિનિકમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો

કયા સાત સૂચિત ફેરફાર

ઘાટકોપર સ્ટેશન પર ઉતારુઓની સગવડને ધ્યાનમાં લઈને એમઆરવીસી દ્વારા ૭ સૂચિત ફેરફાર કરવામાં આવ્યા છે. કલ્યાણ તરફના ૪ મીટરના ફુટ ઓવરબ્રિજને બન્ને તરફ ઊતર-ચડ માટે ૧૨ મીટર પહોળો કરવામાં આવશે. મિડલ નૉર્થ તરફના હાલના ૧૨ મીટર પહોળા મિડલ ફુટ ઓવરબ્રિજને ૧૨ મીટર પહોળો કરવામાં આવશે. સીએસએમટી તરફના ૪ મીટરના ફુટ ઓવરબ્રિજને બન્ને તરફ ઊતર-ચડ માટે ૧૨ મીટર પહોળો કરવામાં આવશે. ૭.૫ મીટર પહોળા એલિવેટેડ જોડાણને મેટ્રો સ્ટેશન અને તમામ ફુટ ઓવરબ્રિજ સાથે જોડવામાં આવશે. સ્ટેરકેસ અને રૅમ્પ પણ મેટ્રો સ્ટેશન સાથે જોડવાનો પ્લાન છે. માર્ગ સાથે જોડાયેલા મેટ્રો સ્ટેશનને સ્કાયવૉક સાથે જોડવામાં આવશે. બીએમસીના સ્કાયવૉકને ૬ મીટર પહોળો કરવાનો પ્લાન ચાલી રહ્યો છે.

rajendra aklekar mumbai mumbai news ghatkopar central railway mumbai railways