મુંબઈ: વસઈનો ગુજરાતી બાળક સ્વિમિંગ-પૂલમાં ડૂબી ગયો

09 April, 2019 10:41 AM IST  |  મુંબઈ

મુંબઈ: વસઈનો ગુજરાતી બાળક સ્વિમિંગ-પૂલમાં ડૂબી ગયો

પરિવાર સાથે યુગ

વસઈ (ઈસ્ટ)માં વસંતનગરીના રીગલ હાઇટ નામના બિલ્ડિંગમાં સંજય લાડવા તેમની પત્ની રાજેશ્રી, નવમા ધોરણમાં ભણતી દીકરી ખુશી અને ત્રીજા ધોરણમાં ભણતા આઠ વર્ષના દીકરા યુગ સાથે રહે છે. જોકે પહેલી વખત જીદ કરીને યુગ વસઈમાં આવેલા વસઈ-વિરાર મહાનગરપાલિકાના સ્વિમિંગ-પૂલમાં ગયો અને ત્યાં ડૂબી જતાં યુગે જીવ ગુમાવ્યો હતો. આ બનાવ બાદ પરિવારજનો ખૂબ જ આઘાતમાં છે. ગઈ કાલે સાડાદસ વાગ્યે યુગની અંતિમ યાત્રા દહિસરના નિવાસસ્થાનેથી નીકળી અને દૌલતનગર સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કર્યા હતા.

મહાનગરપાલિકાના આ સ્વિમિંગ-પૂલમાં યુગ ગયો હતો.

વસઈ (વેસ્ટ)ના કૃષ્ણા ટાઉનશિપમાં આવેલા મહાનગરપાલિકાના સ્વિમિંગ-પૂલમાં શેઠ વિદ્યામંદિરમાં ભણતો યુગ તેના પેરન્ટ્સ સાથે રવિવારે સાંજે છ વાગ્યે ગયો હતો. આ બનાવ વિશે માહિતી આપતાં યુગના પપ્પા સંજય લાડવાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘યુગને રજા હોવાથી અને રવિવાર હતો એટલે યુગે જીદ પકડી હતી કે મને સ્વિમિંગ-પૂલમાં લઈને જાઓ. અહીંના કોચની સાથે મારી પહેલાં વાત થઈ હતી એથી તેને ૧૬ એપ્રિલથી શરૂ થતા સમર કૅમ્પમાં નાખવાનો હતો. જોકે યુગે જીદ કરી અને કોચે પણ કહ્યું કે ટ્રાયલ લઈએ એટલે ૫૦ રૂપિયા ફી ભરીને તેને અંદર લઈ ગયા હતા. અંદર જતાં અમને કહ્યું કે પેરન્ટ્સ અંદર અલાઉડ નથી, તમારે બહાર ઊભા રહેવું પડશે. ત્યારે અમને આશ્વાસન આપ્યું કે કોચ છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એથી અમે બહાર નીકળી ગયા હતા. સાંજે ૭.૧૨ વાગ્યે અમે ગેટ પાસે ઊભા રહ્યા તો બધાં બાળકો જઈ રહ્યાં હતાં, પરંતુ યુગ ક્યાંય દેખાઈ રહ્યો ન હોવાથી અમે પૂછપરછ કરતાં તેમણે અમને પાછળથી ગેટથી અંદર જાઓ એમ કહ્યું હતું. પાછળથી ગેટથી અંદર ગયા તો બેબી પૂલમાં તો કોઈ દેખાઈ રહ્યું નહોતું. ત્યાર બાદ અમે ચેન્જિંગ રૂમમાં જોયું અને તપાસ કર્યા બાદ ત્યાંના માણસને પૂછતાં તેણે અહીં ક્યાંક હશે એવો લાપરવાઈવાળો જવાબ આપ્યો હતો. અમે બહાર જઈને બધાને પૂછ્યું. કંઈ જવાબ ન મળતાં અમે ફરી અંદર જતાં ટોળું વળીને બધા ઊભા હતા ત્યાં દોડીને ગયા. ત્યાં જઈને જોયું તો મારા દીકરાને તેઓ પમ્પિંગ કરીને મોઢાથી શ્વાસ આપી રહ્યા હતા. અમે તેમને પૂછતાં યુગના પેટમાં પાણી જતું રહ્યું છે એવું કહ્યું. પરંતુ અમારી ચિંતા વધતાં અમે તેમને કહ્યું કે પહેલાં તેને હૉસ્પિટલ લઈ જવો પડશે. પાસે આવેલું દવાખાનું બંધ હોવાથી અમે તેને ગોલ્ડન પાર્ક હૉસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં ડૉક્ટરે ખૂબ જ પ્રયત્નો કર્યા પણ યુગ બચ્યો નહીં.’

લાપરવાઈના કારણે મારા દીકરાનો જીવ ગયો છે એવું કહેતાં સંજયભાઈએ કહ્યું કે ‘મારા દીકરાને અમે લગભગ સાંજે ૭.૧૨ વાગ્યાથી શોધી રહ્યા હતા અને તેને અમે ૭.૩૦ વાગ્યે જોયો ત્યાં સુધી સ્વિમિંગ-પૂલના એ લોકો અમને ફેરવી રહ્યા હતા અને અમને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા હતા. આ લોકોની લાપરવાહીના કારણે મારા નિર્દોષ દીકરાએ જીવ ગુમાવ્યો છે એથી અમે પોલીસમાં ફરિયાદ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લઈને મારા દીકરાને ન્યાય આપો એવી માગણી કરી છે. મારો દીકરો તો ગયો છે, પરંતુ આગળ કોઈના બાળક સાથે આવો બનાવ ન બને એ માટે તેમને સજા થવી જરૂરી છે.’

દહિસર (ઈસ્ટ)માં આનંદનગરમાં રહેતા યુગના મોટા પપ્પા શૈલેશ લાડવાએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘અમે ત્રણેય ભાઈઓ અને મમ્મી-પપ્પા બધાં સાથે દહિસરમાં જ રહેતાં હતાં, પરંતુ ચારેક વર્ષ પહેલાં જ મારો ભાઈ તેના પરિવાર સાથે વસઈ રહેવા ગયો છે. વસઈમાં અમારું ફર્નિચર બનાવાનું કારખાનું પણ છે એટલે એનું પણ ભાઈ ધ્યાન રાખી શકતો અને તેનું મોબાઇલ સર્વિસ સેન્ટરનું પણ કામ છે. ગુઢીપાડવાએ એટલે કે શનિવારે જ વિરારમાં અમારા સંબંધીને ત્યાં વાસ્તુપૂજા હોવાથી અમે બધાં જ ત્યાં ભેગાં થયાં હતાં. ત્યારે યુગે દાદા-દાદી અને અમને બધાંને ઘરે રોકાઈ જાઓ એવું કહ્યું હતું, પરંતુ થોડું કામ હોવાથી અમે આવી ગયાં હતાં. જો તેનો આગ્રહ સાંભળ્યો હોત તો કદાચ આ બનાવ બન્યો ન હોત. દુર્ઘટના બાદ અમારા ઘરના લોકોની તો ખૂબ ખરાબ હાલત થઈ છે.’

આ દુર્ઘટના બાદ યુગના પેરન્ટ્સે માણિકપુર પોલીસ-સ્ટેશનમાં સ્વિમિંગ-પૂલમાં બનેલી દુર્ઘટના લાપરવાઈના કારણે થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. એથી પોલીસે ફરિયાદ નોંધીને ચાર જણની ધરપકડ કરી હતી જેમાં કૉન્ટ્રૅક્ટર બાલક્રિષ્ન શર્મા અને કોચ રાહુલ ટોકેનો સમાવેશ છે. ગઈ કાલે વસઈ કોર્ટમાં હાજર કરતાં તેમને જામીન મYયા હતા. પોલીસે યુગની ડેડ-બૉડીને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા બાદ પરિવારને સોંપી હતી. પોલીસ એના રર્પિોટની રાહ જોઈ રહી છે. તેમ જ પોલીસે પ્રશાસને પત્ર મોકલીને લાઇફગાર્ડની પૂલ પાસે ઉપસ્થિતિ ન હોવાનું તેમ જ કૉન્ટ્રૅક્ટર અને કોચના ક્વૉલિફિકેશન વગેરે વિશે માહિતી મંગાવી છે.

આ પણ વાંચો : મુંબઈના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ દેવેન ભારતીની ચૂંટણી પંચે કરી ટ્રાન્સફર

પ્રશાસનનું કહેવું છે?

આ દુર્ઘટના વિશે પૂછતાં વસઈ-વિરાર મહાનગરપાલિકાના કમિશનર બલિરામ પવારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ દુર્ઘટના વિશે પોલીસે નોંધ લઈને ગુનો દાખલ કર્યો છે. તેમ જ મહાનગરપાલિકા પણ પ્રશાકીય તપાસ કરશે.’

vasai virar mumbai news mumbai