મુંબઈ: લોકોને લૂંટીને વૈભવી જીવન જીવતી વૃદ્ધા ઝડપાઈ

29 December, 2019 01:26 PM IST  |  Mumbai

મુંબઈ: લોકોને લૂંટીને વૈભવી જીવન જીવતી વૃદ્ધા ઝડપાઈ

કમરુન્નિસા શેખ

લોકોને પેઇન રિલીવર આપવાના બહાને તેમના ઘરે જઈને આભૂષણ અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવતી ૭૩ વર્ષની વૃદ્ધાની કસ્તુરબા માર્ગ પોલીસે ધરપકડ કરી છે.

કમરુન્નિસા શેખ નામની ૭૩ વર્ષની વૃદ્ધા ગોવંડીના શિવાજીનગરમાં લોટસ કૉલોનીમાં રહે છે. તે ખાસ કરીને બજારમાં ખરીદી કરતી કે માર્ગ પરથી પસાર થઈ રહેલી અજાણી મહિલાઓ પાસે જઈને તેમને પૂછતી કે તેઓ કોઈ શારીરિક તકલીફથી પીડાય છે? પોલીસે જણાવ્યા પ્રમાણે પછીથી તે વૃદ્ધા તેમની સાથે ઘરોબો કેળવીને દવાનું સૅમ્પલ લઈને તેમના ઘરે જતી હતી. જે દવા વાસ્તવમાં તેમને બેભાન કરવાની હતી. એક વખત બેભાન થઈ ગયા પછી વૃદ્ધા ઘરમાં લૂંટ ચલાવતી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે જુહુ, મલાડ, નયાનગર, મીરા રોડ, કસ્તુરબા, કોલાબા અને વિલે પાર્લે સહિતનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં શેખ વિરુદ્ધ આશરે ડઝનબંધ લૂંટના કેસ નોંધાયા છે. વૃદ્ધા છેલ્લાં બે વર્ષથી વૉન્ટેડ હતી અને તેણે એકલીએ ૨૦ લાખ રૂપિયાની માલમતા લૂંટી હતી.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં તપાસ અધિકારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સંજય ઘોલાવેએ જણાવ્યું હતું કે ‘વૃદ્ધા લૂંટ ચલાવ્યા બાદ ગોવા, લોનાવલા, મહાબળેશ્વર તથા અન્ય સ્થળોએ રજા માણવા જતી હતી. અમે તેને લોનાવલા હોટેલમાંથી ઝડપી લીધી હતી, જ્યાં એક દિવસનો ચાર્જ ૧૦,૦૦૦ રૂપિયા છે.’

આ પણ વાંચો : સાકીનાકા આગમાં મુલુંડનો ગુજરાતી બન્યો કાળનો કોળિયો

અન્ય આરોપીએ જણાવ્યા અનુસાર આરોપી વૃદ્ધાને દારૂ પીવાની આદત છે અને તે ગોવાના કસીનોની નિયમિત મુલાકાત લે છે. તેના રિક્ષા-ડ્રાઇવર પુત્રને માતાનાં કૃત્યોની જાણ નહોતી.

mumbai mumbai news Crime News