સાકીનાકા આગમાં મુલુંડનો ગુજરાતી બન્યો કાળનો કોળિયો

Published: Dec 29, 2019, 13:15 IST | Mumbai

પીયૂષ પિઠડિયા છ મહિના પહેલાં જ ફૅક્ટરીમાં કામ પર લાગ્યા હતા

આગમાં મૃત્યુ પામનાર પીયૂષભાઈ પિઠડિયા અને આરતી જયસ્વાલ.
આગમાં મૃત્યુ પામનાર પીયૂષભાઈ પિઠડિયા અને આરતી જયસ્વાલ.

ઘાટકોપર-વેસ્ટના કારાણી વિસ્તારમાં આવેલી બાંબુ ગલીમાં લાગેલી ભીષણ આગમાં મુલંડના પિઠડિયા પરિવારને ઘેરો આંચકો પહોંચ્યો હતો. છ મહિના પહેલાં જ સાકીનાકાની ફૅક્ટરીમાં ટેલર તરીકે કામ પર જોડાયેલા ૪૨ વર્ષના પીયૂષભાઈ પિઠડિયા અને આરતી જયસ્વાલ (૨૫)નું આગમાં મૃત્યુ થયું હતું. પીયૂષભાઈ ઘરમાં એક માત્ર કમાતા હોવાથી તેમનાં પત્ની સંગીતા અને ૧૯ વર્ષના દીકરા મિહિર પર શોકનું આભ તૂટી પડ્યું હતું. 

સાકીનાકાની મનન ક્રિયેશન ફૅક્ટરીમાં કામ કરતા પીયૂષભાઈ દરરોજ આઠ વાગ્યાની આસપાસ છૂટીને ઘરે જતા હતા. ફૅક્ટરીમાંથી છૂટ્યા બાદ તેઓ હંમેશાં તેમનાં પત્ની સંગીતાને ફોન કરીને જાણ કરતા, પણ શુક્રવારે સાડાઆઠ વાગ્યા સુધી ફોન ન આવતાં પત્નીને ચિંતા થઈ હતી.

સંગીતાબહેનની ચિંતામાં વધારો ત્યારે થયો જ્યારે સવાનવ વાગ્યાની આસપાસ તેમને ફૅક્ટરીમાંથી એક કર્મચારીનો ફોન આવ્યો કે ફૅક્ટરીમાં આગ લાગી છે અને પીયૂષભાઈનો કોઈ પતો નથી લાગતો. સંગીતાબહેને ત્યાર બાદ પીયૂષભાઈના નજીકના મિત્ર રાજેશભાઈ ભિંડેને ફોન કરીને તપાસ કરવા જણાવ્યું હતું.

પીયૂષભાઈ ગુમ છે એવા સમાચાર મળતાં જ સંગીતાબહેન અને પીયૂષભાઈના મિત્ર રાજેશભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. રાજેશભાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે અંદાજે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ પહોંચ્યાં હતાં. એ સમયે ફાયરબ્રિગેડના જવાનો આગને ઠારવાનું કામ કરી રહ્યા હતા. પીયૂષભાઈ ગુમ હોવાની જાણ કરતાં તેની શોધખોળ ચાલી રહી છે એવું પોલીસે અમને જણાવ્યું હતું. આખરે રાતના બે વાગ્યે પીયૂષનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોતે આખી જિંદગી ટેલરનું કામ કર્યું હોવાથી પીયૂષભાઈની ઇચ્છા હતી કે તેમનો દીકરો અન્ય કોઈ ક્ષેત્રે કારકિર્દી બનાવે. દીકરો મિહિર સારું સિંગ કરતો હોવાથી તેનો શોખ પૂરો કરવાની અને તેને સિંગર તરીકે જોવાની તેમની ઇચ્છા હતી, પણ સાકીનાકાના કારાણી લેનમાં આવેલી બાંબુ ગલીમાં લાગેલી આગમાં કમનસીબે પીયૂષભાઈ એકમાત્ર કાળનો કોળિયો બન્યા હતા.’

સાકીનાકા વિસ્તારમાં આવેલી કારાણી લેનમાં આગ ઘણી ફેલાઈ ગઈ હોવાથી ફાયરબ્રિગેડના જવાનોને આગ પર કાબૂ મેળવતા ચાર કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાકીનાકા વિસ્તારમાં આવેલી કારાણી લેનમાં ભીષણ આગ ફાટી નીકળવાને કારણે અંદાજે ૨૪ ગાળા આગમાં બળીને ભડથું થઈ ગયા હતા.

શુક્રવારે લાગેલી આગને પગલે કુર્લા રોડ પર તપાસ-ઝુંબેશ

નાના કદની કેમિકલ ફૅક્ટરીઓને કારણે શુક્રવારે સાંજે પ્રસરેલી આગમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં બાદ બીએમસીએ હવે કુર્લામાં ખૈરાની માર્ગ પરનાં બાંધકામો કાયદેસર છે કે કેમ તે ચકાસવા માટે તપાસ-ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કર્યું છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરની વચ્ચોવચ કેમિકલ્સનો સંગ્રહ કરતા અથવા તો તેને લગતું કાર્ય કરતા નાના પાયાના ઉદ્યોગોને લાઇસન્સ જારી કરવા અંગેની કોઈ ચોક્કસ જોગવાઈ નથી. તેમણે જણાવ્યું હતું કે આ એકમો ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી અસ્તિત્વ ધરાવે છે અને તેમને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં તેમણે ફરી વખત અહીં વ્યવસાય ઊભો કરી દીધો હતો. શુક્રવારે ખૈરાની રોડ પર આગ ફાટી નીકળતાં એક સ્ત્રી અને એક પુરુષનું મોત નીપજ્યું હતું. આરતી લાલજી જયસ્વાલ (૨૫) અને પીયૂષ ધીરજલાલ પીઠડિયા (૪૨) ઔદ્યોગિક વિસ્તારના એક એકમમાં મળી આવ્યાં હતાં અને તેમને રાજાવાડી હૉસ્પિટલ લઈ જવાયાં હતાં, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. બીએમસી તથા ફાયર સ્ટાફ આગને કારણે થયેલા નુકસાનની આકારણી કરી રહ્યા છે. એલ વોર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મનીષ વલાંજુએ જણાવ્યું હતું કે ‘તપાસ-ઝુંબેશ શનિવારે શરૂ થઈ હતી. અમે આખા ખૈરાની રોડની તપાસ કરીશું અને તેમનાં લાઇસન્સ ચકાસીશું. આ તપાસ બીએમસી, ફાયર અને પોલીસ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવતી હોવાથી લાઇસન્સની ગેરહાજરીના કિસ્સામાં, તાત્કાલિક જપ્તી અને આઇપીસીની સુસંગત કલમો સાથે કાર્યવાહી કરવામાં આવશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK