વેસ્ટર્ન લાઇનમાં જાન્યુઆરીથી ત્રીજી એસી લોકલ

28 December, 2019 02:23 PM IST  |  Mumbai

વેસ્ટર્ન લાઇનમાં જાન્યુઆરીથી ત્રીજી એસી લોકલ

એસી લોકલ

વેસ્ટર્ન લાઇનના મુંબઈગરાઓ દ્વારા એસી લોકલનો પ્રવાસ સામાન્ય થઈ રહ્યો છે, એટલું જ નહહીં, પીક-અવર્સમાં હવે વધુ ઍર-કન્ડિશન્ડ (એસી) લોકલ ટ્રેન દોડાવવી જોઈએ એવી માગણી ઊઠી છે. હાલમાં વેસ્ટર્ન રેલવેમાં એસી લોકલની બે રેક છે. વધુ એક રેક જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય વેસ્ટર્ન રેલવેએ લીધો છે. હાલમાં બે રેકમાં રોજ સરેરાશ ૧૮,૦૦૦ પ્રવાસીઓ એસી ટ્રેનમાં પ્રવાસ કરે છે.

જો ત્રીજી રેક જોડાશે તો રોજની વધારાની ૧૦થી ૧૨ સર્વિસ આપી શકાશે. હાલમાં એ સર્વિસ ટાઇમ-ટેબલમાં કઈ રીતે ગોઠવવી એની કવાયત ચાલી રહી છે. વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી જો ત્રીજી એસી ટ્રેન શરૂ થશે તો રોજના વધારાના ૮૦૦૦થી ૧૦,૦૦૦ જેટલા પ્રવાસીઓ એનો લાભ લઈ શકશે. હાલમાં વેસ્ટર્ન લાઇન માટેની ચોથી એસી લોકલ ટ્રેનની ટ્રાયલ પણ ચાલી રહી છે.

મુંબઈમાં એસી ટ્રેન શરૂ થયાને ૨૫ ડિસેમ્બરે બે વર્ષ પૂરાં થયાં છે. અત્યાર સુધી એસી ટ્રેનમાં ૯૫.૮ લાખ પ્રવાસીઓએ મુસાફરી કરી છે, જેને કારણે વેસ્ટર્ન રેલવેને ૪૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. દરેક સર્વિસમાં અંદાજે ૧૫૦૦ મુસાફરો પ્રવાસ કરતા હોવાનું જણાઈ આવ્યું છે.

western railway mumbai local train mumbai trains mumbai mumbai news