મુંબઈ: બોરીવલીની આઇસી કૉલોનીમાં 3 દિવસમાં 15 દુકાનનાં શટર તૂટ્યાં

21 November, 2019 12:33 PM IST  |  Mumbai

મુંબઈ: બોરીવલીની આઇસી કૉલોનીમાં 3 દિવસમાં 15 દુકાનનાં શટર તૂટ્યાં

ફાઈલ ફોટો

બોરીવલીના આઇસી કૉલોનીમાં ત્રણ દિવસમાં ૧૫ દુકાનનાં શટર તોડીને એમાંથી અંદાજે બે લાખની માલમતા ચોરી થવાની ઘટનાથી આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. શુક્રવાર રાતથી સોમવારની સવાર દરમ્યાન અજાણ્યા ચોરોએ અહીંના બે કિલોમીટરના અંતરે આવેલી દુકાનોને નિશાન બનાવી હતી. એમએચબી કૉલોની પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને સીસીટીવી કૅમેરાની મદદથી તપાસ શરૂ કરી છે. આ કામ કોઈ ચોક્કસ ગૅન્ગનું હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.

બોરીવલી (વેસ્ટ)માં આવેલી આઇસી કૉલોનીમાં બે કિલોમીટર વિસ્તારમાં આવેલી ૧૫ દુકાનનાં તસ્કરોએ ૧૫ નવેમ્બરની રાતથી ૧૮ નવેમ્બરની વહેલી સવાર દરમ્યાન શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ શુક્રવારે પાંચ, શનિવારે ચાર અને રવિવારની રાત્રે છ દુકાનને નિશાન બનાવી હતી. આ તમામ દુકાનો કૉલોનીમાં આવેલા ચર્ચની નજીકની છે. તસ્કરોએ રેસ્ટોરાં, બિયર શૉપ, ફૂડ આઉટલેટ, કૅક શૉપ, સુપરમાર્કેટ, આઈસક્રિમ શૉપ, મોબાઇલ સ્ટોર, સલૂન વગેરેમાંથી બે લાખ રૂપિયાની કિંમતની માલમતાની ચોરી કરી હતી.

ચોરીના નિશાન બનેલા દુકાનદારોએ એમએચબી કૉલોની પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પહેલા પોલીસે તેમને દાદ નહોતી આપી. જોકે બાદમાં ત્રણ દિવસમાં ૧૫ ચોરી થવાની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી હતી.

કેટલાક ફરિયાદી દુકાનદારોએ કહ્યું હતું કે ‘સીસીટીવી કૅકેરાનાં ફુટેજમાં ચોરો ચહેરા પર માસ્ક કે રૂમાલ પહેર્યાં વિના બિન્દાસ ઘૂસેલા દેખાય છે. તેમનાં કપડાં પરથી તેઓ સારા ઘરના હોય એવું લાગે છે. તેઓ દુકાનનું શટર તોડીને સીધા કૅશ કાઉન્ટર તરફ જતા હોવાનું દેખાઈ રહ્યું હોવાથી તેઓ ચોરીને ઇરાદે જ શૉપમાં ઘૂસેલા હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે.’

એક દુકાનદારે કહ્યું હતું કે સીસીટીવી કૅમેરામાં શૉપમાં પ્રવેશેલા ચોર ૨૦૦૦થી ૫૦,૦૦૦ની રોકડ રકમ કૅશ કાઉન્ટરમાંથી કાઢતા દેખાય છે. મોબાઇલની દુકાનમાંથી તસ્કરો ૨૫ મોબાઇલ ઉપાડી ગયા છે.

borivali mumbai mumbai news