ગો-કાર્ટિંગ દુર્ઘટનામાં ૧૨ વર્ષની આ બાળકીએ તેના અડધાથી વધુ વાળ ગુમાવ્યા

31 May, 2019 11:03 AM IST  |  મુંબઈ | રણજિત જાધવ અને શાદાબ ખાન

ગો-કાર્ટિંગ દુર્ઘટનામાં ૧૨ વર્ષની આ બાળકીએ તેના અડધાથી વધુ વાળ ગુમાવ્યા

પરિવાર સાથે પિકનિક મનાવવા મહાબળેશ્વર ગયેલા ભટ્ટ પરિવાર માટે ગો-કાર્ટિંગ રાઇડનો આનંદ માણી રહેલી તેમની ૧૨ વર્ષની દીકરી કાનન ભટ્ટ સાથે એક ભયંકર દુર્ઘટના થતાં આ પિકનિક એક દુ:ખદ ઘટનામાં પરિવર્તિત થઈ હતી. ગો-કાર્ટિંગ દરમ્યાન કાનનના વાળ વાહનની મોટરમાં ફસાઈ જતાં તેની ખોપડીની અડધા કરતાં વધુ ચામડી ઊખડી ગઈ હતી.

આ ઘટના વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કાનનના પિતા નીલેશ ભટ્ટે જણાવ્યું હતું કે ‘આ અકસ્માત ચોક્કસપણે ગો-કાર્ટિંગ ચલાવનારા લોકોની બેદરકારીને લીધે જ થયો છે. તેમની પાસે આ બિઝનેસ ચલાવવાનું લાઇસન્સ પણ નથી. અમે મહાબળેશ્વર ગયા ત્યારે મારી ૧૨ વર્ષની દીકરીએ ગો-કાર્ટિંગ રાઇડ લેવાની ઇચ્છા વ્યક્ત કરી. તેના વાળ લાંબા હોવાથી મેં તેને વાળ બાંધીને હેલ્મેટ પહેરવા જણાવ્યું, પણ ગો-કાર્ટિંગના બિન-વ્યાવસાયિક સ્ટાફે ખુલ્લા વાળે પણ હેલ્મેટ પહેરે તો ચાલશે એમ જણાવ્યું. બે રાઉન્ડ સુધી બધું બરાબર ચાલ્યું પણ ત્રીજા રાઉન્ડમાં તેના વાળ વાહનની મોટરમાં ફસાઈ જતાં તેની ખોપડી પરની ચામડી હેલ્મેટ સાથે જ છૂટી પડી ગઈ.

જમીન પર પથરાયેલું લોહી અને મારી દીકરીની ચીસોથી એકદમ આઘાતજનક સ્થિતિમાં મેં તેમની પાસે વાળ કાપવા કાતર માગી જેથી હું કાનનને હૉસ્પિટલમાં લઈ જઈ શકું, પણ તેમણે મને મદદ કરી નહીં. જેમ-તેમ કરીને વાળ કાપી હું તેને હૉસ્પિટલ લઈ જઈ રહ્યો હતો ત્યારે મેં તેમની પાસે લાઇસન્સ અને ગો-કાર્ટિંગનો બિઝનેસ ચલાવવાની પરવાનગી માગી ત્યારે તેમાંના એકે મને પરમિશન ન હોવાનું જણાવ્યું. અકસ્માત પછી તેમણે મને કાનનની સારવારનો ખર્ચ ચૂકવવાનું વચન આપ્યું હતું પણ હવે તેઓ મારો ફોન પણ ઉપાડતા નથી. હાલ મારી દીકરીની સારવાર ચાલી રહી છે. તેને ડાબા ખભામાં ફ્રેક્ચર પણ આવ્યું છે.

આ પણ વાંચોઃ મુંબઈ: આતંકવાદીનો ડ્રેસ પહેરવાનું કલાકારને ભારે પડ્યું

મેં મહાબળેશ્વર નજીક સાતારામાં વાઇ પોલીસ સ્ટેશનમાં અને મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે એફઆઈઆર નોંધાયાને બે દિવસ થયા છતાં ગો-કાર્ટિંગના માલિક વિરુદ્ધ કોઈ પગલાં લેવાયાં નથી. હાલમાં વૅકેશન ચાલી રહ્યું છે અને ઘણા લોકો પોતાના પરિવાર સાથે ફરવા નીકળી રહ્યા છે, મારી દીકરી સાથે જે ઘટના થઈ તે અન્ય કોઈની સાથે ન થાય તે જ મારી ચિંતાનો વિષય છે.’

mumbai news