બેસ્ટની બસનું મિનિમમ ભાડું પાંચ રૂપિયા, રિક્ષા-ટૅક્સીવાળા ચિંતામાં

26 June, 2019 07:56 AM IST  |  | રાજેન્દ્ર બી. અકલેકર

બેસ્ટની બસનું મિનિમમ ભાડું પાંચ રૂપિયા, રિક્ષા-ટૅક્સીવાળા ચિંતામાં

બસની મિનિમમ ટિકિટ પાંચ રૂપિયા કરવાના નિર્ણયને વધાવતા શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અને મેયર વિશ્વનાથ મહાડેશ્વર. તસવીર : આશિષ રાજે.

બેસ્ટ કમિટીએ મંગળવારે બસભાડાંના માળખાને ચાર સ્લૅબમાં વિભાજિત કરીને બસની મુસાફરી માટેનું લઘુતમ ભાડું ૮ રૂપિયાથી ઘટાડીને પાંચ રૂપિયા કરવાની દરખાસ્તને ઔપચારિક રીતે સ્વીકારી હતી. આ દરખાસ્ત હવે બીએમસી પાસે અને ત્યાર બાદ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનલ ટ્રાન્સર્પોટ ઑથોરિટી પાસે જશે, જેની પ્રક્રિયામાં એક મહિના કરતાં ઓછો સમય લાગશે.

સમિતિ બસભાડાં ઘટાડવાના એકમાત્ર એજન્ડા સાથે ગઈ કાલે મળી હતી, પરંતુ શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે કમિટીની મીટિંગ શરૂ થઈ એના એક કલાક કરતાં ઓછા સમયમાં આવી પહોંચવાના હતા અને ભાડાંમાં ઘટાડાની જાહેરાત કરવાના હોવાથી ભાડાં ઘટાડવાની દરખાસ્ત વધુ ચર્ચાવિચારણા વિના ઉતાવળે સ્વીકારી લેવામાં આવી હતી. બસભાડાંના નવા માળખા અનુસાર નિયમિત બસ માટે ટિકિટનો દર પાંચ રૂપિયાથી ૨૦ રૂપિયા અને ઍર-કન્ડિશનર (એસી) બસ માટે ૬ રૂપિયાથી ૨૫ રૂપિયા રહેશે.

લઘુતમ પાંચ રૂપિયા સાથે ભાડાંનો નીચો દર (હવે પ્રત્યેક કિલોમીટરદીઠ ૧ રૂપિયો) અને બસની સંખ્યામાં વધારો શહેરમાં જાહેર પરિવહનની સ્થિતિમાં ક્રાન્તિ લાવશે. આ દર શૅર-રિક્ષા કે શૅર-ટૅક્સી કરતાં પણ નીચો છે.

આ પણ વાંચો: મહિલા કૉન્સ્ટેબલ્સને સલામ

મુંબઈ ટૅક્સીમેન્સ યુનિયનના પ્રમુખ ઍન્થની એલ. ક્વૉડ્રોસના જણાવ્યા અનુસાર ‘આ પગલાએ સાચે જ અમને વિચારતા કરી મૂક્યા છે. હવે અમારે ‘થોભો અને રાહ જુઓ’નો અભિગમ અપનાવવો પડશે. મુંબઈના સામાન્ય ટૅક્સીમૅનને કશો ફરક નહીં પડે, પણ શૅર-ટૅક્સી અને શૅર-રિક્ષાના વ્યવસાયમાં કાર્યરત લોકોને ફટકો પડી શકે છે. જોકે સઘળો મદાર બેસ્ટના પરફોર્મન્સ પર રહે છે. તેઓ આ સમગ્ર સ્થિતિનું સંચાલન કેવી રીતે કરે છે એ મહત્વનું છે. જો બસ નિયમિત ન હોય અથવા તો જો ફ્રિક્વન્સી ઓછી હશે તો ભાડું ઘટાડવાનો કશો અર્થ નથી. મુંબઈમાં સમયની કિંમત છે. લોકો રાહ જોવાને બદલે પૈસા ખર્ચવાને વધુ પ્રાથમિકતા આપે છે.’  

mumbai news gujarati mid-day