મુંબઈ કૉન્ગ્રેસ પ્રમુખ બનવા મિલિંદ દેવરા અને સંજય નિરુપમની સ્પર્ધા જામી

20 February, 2020 12:07 PM IST  |  Mumbai Desk | Dharmendra Jore

મુંબઈ કૉન્ગ્રેસ પ્રમુખ બનવા મિલિંદ દેવરા અને સંજય નિરુપમની સ્પર્ધા જામી

મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખપદની સ્પર્ધામાં ભૂતપૂર્વ પ્રમુખો મિલિંદ દેવરા અને સંજય નિરુપમની સામે લો પ્રોફાઇલ ગણાતા અમરજિત મન્હાસ જોરદાર લૉબિંગ કરી રહ્યા છે. જોકે કૉન્ગ્રેસના મહારાષ્ટ્રનો અખત્યાર ધરાવતા મહામંત્રી મલ્લિકાર્જુન ખડગે પક્ષના મુંબઈ એકમના હાલના પ્રમુખ એકનાથ ગાયકવાડને વધુ એક મુદત માટે બેસાડવા પ્રયત્નશીલ છે.

સંજય નિરુપમને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વે અચાનક મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખપદેથી હટાવ્યા બાદ એ હોદ્દા પર મિલિંદ દેવરાને બેસાડવામાં આવ્યા હતા, પરંતુ લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના નબળા દેખાવને પગલે દેવરાએ હોદ્દો છોડ્યો હતો. ૨૦૧૯માં અચાનક હોદ્દા પરથી હટાવવામાં આવ્યા હોવાથી હવે તેમનો હક્ક હોવાનું સંજય નિરુપમના ટેકેદારો કહે છે. મિલિંદ દેવરાનું રાજીનામું સ્વીકારવામાં વિલંબ થયો હતો અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે એકનાથ ગાયકવાડને વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

વિધાનસભાની ચૂંટણી બાદ સત્તાનાં સમીકરણો બદલાતાં ફરી મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના પ્રમુખપદની સ્પર્ધાનો ઉત્સાહ વધ્યો છે. ખાસ કરીને એકનાથ ગાયકવાડનાં પુત્રી વર્ષા ગાયકવાડને રાજ્ય સરકારમાં કૅબિનેટ કક્ષાનું પ્રધાનપદ પ્રાપ્ત થતાં મુંબઈમાં કૉન્ગ્રેસી રાજકારણમાં ફરી જોશ જેવા મળે છે.

મલ્લિકાર્જુન ખડગેએ કૉન્ગ્રેસના શહેર એકમના નેતૃત્વની હરીફાઈમાં ઊતરેલા ઉમેદવારોને નવી દિલ્હીની દિશા દેખાડી છે. એ સંજોગોમાં અમરજિત મન્હાસનું લૉબિંગ વેગવાન બન્યું છે. પક્ષના દિલ્હી સ્થિત મોવડીઓ સાથે સારો સંપર્ક અને સંબંધ ધરાવતા મિલિંદ દેવરાને મલ્લિકાર્જુન ખડગેની મદદની કોઈ જરૂર નથી. સંજય નિરુપમ ભૂતકાળમાં મિલ્લિકાર્જુન ખડગેની કાર્યરીતિની ટીકા કરી ચૂક્યા હોવાથી એ બન્નેના સંબંધ બગડેલા છે, પરંતુ રાહુલ ગાંધી સાથે મિલિંદ દેવરા અને સંજય નિરુપમ બન્નેનો સંબંધ સારો છે એથી પક્ષના શહેર એકમના પ્રમુખપદની ચૂંટણીમાં રાહુલ ગાંધીના હસ્તક્ષેપની જોગવાઈ માટે દેવરા અને નિરુપમ પ્રયત્નશીલ હોવાનું મનાય છે.

મિલિંદ દેવરા હવે રાષ્ટ્રીય સ્તરના હોદ્દામાં વધુ રસ દાખવે છે, પરંતુ તેમના ટેકેદારો દેવરાને ફરી વખત મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ બનીને અહીં પક્ષને બળવાન બનાવવાનો આગ્રહ કરે છે. હાલમાં મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના ઉપપ્રમુખ અમરજિત મન્હાસના ટેકેદારો મૂળભૂત રૂપે સ્વર્ગસ્થ ગુરુદાસ કામતના જૂથના છે. એ બધા મન્હાસને પ્રમુખ બનાવવામાં મિલિંદ દેવરાની મદદ માગે છે, પરંતુ દેવરા જો ફરી સ્પર્ધામાં ન ઊતરે તો તેમના ઉમેદવારને ઊભો રાખવાનો આગ્રહ દેવરાના ટેકાદારો રાખે છે.

dharmendra jore mumbai mumbai news congress