માહિમ બીચ પર સૂટકેસમાં પુરુષના કપાયેલા હાથ-પગ મળ્યા

04 December, 2019 03:55 PM IST  |  Mumbai

માહિમ બીચ પર સૂટકેસમાં પુરુષના કપાયેલા હાથ-પગ મળ્યા

(મિડ-ડે પ્રતિનિધિ) માહિમ બીચ પર માહિમ દરગાહની પાછળના ભાગમાં ગઈ કાલે સવારે પાણીમાં એક સૂટકેસ તરતી જોવા મળી હતી, જેને સ્થાનિક રહેવાસીઓએ પોલીસની હાજરીમાં ખોલતાં એમાં એક પુરુષના કપાયેલા હાથ-પગ અને જનનેન્દ્રિય રહસ્યમય રીતે મળી આવતાં સૌ ચોંકી ઊઠ્યા હતા. પોલીસે સૂટકેસ અને એમાંથી મળેલા માનવશરીરના અવયવ તાબામાં લઈને તપાસ હાથ ધરી છે.

માહિમ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સૂટકેસમાંથી રહસ્યમય સંજોગોમાં મળેલાં માનવઅંગ કોનાં છે, આ સૂટકેસ અહીં કોણ ફેંકી ગયું છે એ વિશે માહિતી મેળવવા માટે આ અંગો જેજે હૉસ્પિટલમાં મોકલી અપાયાં છે. અહીં એનું મેડિકલ ચેકઅપ કરાશે. માનવશરીરનાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

માહિમ પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હત્યાના આ અત્યંત ચોંકાવનારા હત્યાના મામલાની તપાસ માટે ટીમ બનાવી છે, જેમાં સ્થાનિક માછીમારો અને કોસ્ટલ પોલીસનો સમાવેશ છે. બધા મળીને સમુદ્રમાંથી મૃતકના શરીરનાં બાકીનાં અંગો શોધવાની કોશિશ કરશે. એ સિવાય જે સ્થળેથી સૂટકેસ મળી છે એની આસપાસના વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોઈને પોલીસ આ હત્યાની કડી મેળવવાના પ્રયાસ કરશે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

બાંદરા-વરલી સી લિન્ક પરથી આ સૂટકેસ ફેંકાઈ હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે બાંદરા અને વરલી એમ બન્ને સ્થળનાં સોમવાર મોડી રાતથી મંગળવારની સવાર સુધીનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસવાની શરૂઆત કરી છે.

mumbai news Crime News