25 કિલ્લા ભાડે આપવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ

07 September, 2019 12:52 PM IST  |  મુંબઈ

25 કિલ્લા ભાડે આપવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ

કિલ્લો

હેરિટેજ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાંના ૨૫ ગઢ કે કિલ્લાઓનું રૂપાંતર હેરિટેજ હોટેલ અને મૅરેજ હૉલમાં કરવાનો નિર્ણય કર્યો હોવાનો અહેવાલ એક અંગ્રેજી વર્તમાનપત્રમાં પ્રકાશિત થયો છે. સરકારના આ કથિત નિર્ણયનો વિરોધ પક્ષો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે.

અંગ્રેજી અખબારમાં પ્રકાશિત કરાયેલા આ અહેવાલ મુજબ હેરિટેજ ટૂરિઝમને વેગ આપવા મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમટીડીસી)એ રાજ્યમાં ૨૫ કિલ્લાઓની પસંદગી કરી છે. પર્યટનક્ષેત્રે ખાનગી રોકાણ વધારવા માટે આ કિલ્લાઓનું રૂપાંતર હેરિટેજ હોટેલ અને મૅરેજ-હૉલમાં કરવાની તૈયારી રાજ્ય સરકારે કરી છે. આ કિલ્લાઓ લગ્ન-સમારંભ માટે ભાડેથી આપવામાં આવશે એમ પણ આ અહેવાલમાં જણાવાયું હતું. આ અહેવાલ પ્રકાશિત થયા બાદ વિરોધ પક્ષોએ ઊહાપોહ મચાવ્યો છે.

વિરોધ પક્ષોએ સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ આ નિર્ણયનો વિરોધ કરતાં ‘ગઢ-કિલ્લાને હાથ લગાવ્યો તો યાદ રાખજો’ એવી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘આ મૂડીવાદી સરકાર શિવાજી મહારાજના ગઢ-કિલ્લાને ભાડે આપવાનો નિર્ણય લઈ રહી છે. સરકારનો આ નિર્ણય શિવોબા તથા અમારા મરાઠાઓનું અપમાન છે. ધનકુબેરો અને ઉદ્યોગપતિઓ માટે સરકાર ઇતિહાસ સાથે ચેડાં કરી રહી છે.’

એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે આ નિર્ણયનો જોરદાર વિરોધ કરતાં એને તુઘલખી તથા મરાઠી અસ્મિતાનું અપમાન સમાન ગણાવતાં ગઢ કે કિલ્લા કોઈની બાપીકી જાગીર નથી એમ કહ્યું છે.

એનસીપીના નવા ચૂંટાઈ આવેલા સંસદસભ્ય ડૉ. અમોલ કોલ્હેએ આ નિર્ણયનો વિરોધ કરતાં દુ:ખ સાથે કહ્યું હતું કે જે ઔરંગઝેબ ન કરી શક્યો એ મહારાષ્ટ્ર સરકારે કરી બતાવ્યું. વિકાસ થવો જોઈએ, પણ ગઢ-કિલ્લાની પવિત્રતા જાળવીને જ એવું પણ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો : લાલબાગચા રાજાના પંડાલમાં આ વર્ષે ભક્તોનાં ખિસ્સાં વધુ સલામત

સુધીર મુનગંટીવારે અહેવાલને રદિયો આપ્યો

દરમ્યાન રાજ્યના ફાઇનૅન્સ મિનિસ્ટર સુધીર મુનગંટીવારે આ અહેવાલ ખોટો હોવાની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘રાજ્યમાંના ઐતિહાસિક વારસો ધરાવતા ગઢ-કિલ્લા ભાડે આપવાનો નિર્ણય ક્યારેય લઈ શકાય નહીં. માત્ર જે સ્થળો એમટીડીસીની યાદીમાં સ્થાન નથી પામ્યાં એને માટે જ આવો નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે.

mumbai news maharashtra