પ્રચારનાં પડઘમ શાંત, આવતી કાલે મતદાન

20 October, 2019 10:31 AM IST  |  મુંબઈ

પ્રચારનાં પડઘમ શાંત, આવતી કાલે મતદાન

પ્રતીકાત્મક તસવીર

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે અને વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરના શક્તિ-પ્રદર્શનનો ગઈ કાલે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો અંત આવ્યો હતો. તમામ પક્ષોના માંધાતાઓએ વરસતા વરસાદમાં રોડ-શો, રૅલી અને જાહેર સભાના માધ્યમથી પ્રચારના અંતિમ દિવસે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાની સાથે મતદારોને રીઝવવા માટેના પ્રયાસ કર્યા હતા. જાહેર પ્રચાર બંધ થવાથી હવે દરેક પક્ષો અને ઉમેદવારોએ આવતી કાલે યોજાનારા મતદાનમાં વધુ ને વધુ મત મેળવવા માટેના વ્યક્તિગત પ્રયાસ આદર્યા હતા.

ગયા મહિને ૨૧ સપ્ટેમ્બરે રાજ્યની ચૂંટણીની જાહેરાત થયા બાદથી મહિનાભરમાં દરેક રાજકીય પક્ષો દ્વારા રાજ્યભરમાં શરૂઆતના સમયે પ્રસાર ધીમો રહ્યા બાદ છેલ્લા અઠવાડિયે સ્પીડ પકડી હતી.

મતદારોને રીઝવવા માટે નાની પ્રચારસભા, ચોકસભા, મોટી સભા, રોડ-શો, રૅલી, પદયાત્રા અને વ્યક્તિગત મુલાકાતોનો દોર ચાલ્યો હતો. ઉમેદવારોએ મોટા રાજકીય નેતાઓથી માંડીને સેલિબ્રિટીઝ અને સાધુ-સંતોને પોતાના મતદારક્ષેત્રમાં લાવીને જોરદાર પ્રચાર કર્યો હતો.

પ્રચારના અંતિમ દિવસે પણ મોટા પ્રમાણમાં શક્તિ-પ્રદર્શન કરીને તમામ ઉમેદવારો પોતાના મતદારસંઘમાં ફરી વળ્યા હતા. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, એનસીપીના શરદ પવાર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે અને વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકરે જાહેર સભાઓ યોજીને મતદારો સાથે છેલ્લી વારનો જાહેર સંવાદ સાધ્યો હતો.

પ્રચારના અંતિમ દિવસે અચાનક વાતાવરણ બદલાતાં વરસાદ પડતો હોવા છતાં તમામ નેતાઓએ એની પરવા કર્યા વિના પ્રચાર ચાલુ રાખ્યો હતો. આદિત્ય ઠાકરેએ વરલીમાં ચાલુ વરસાદે રોડ-શો કર્યો હતો, તો પ્રકાશ આંબેડકરે કોલામાં વરસતા વરસાદમાં રૅલી કાઢી હતી. એનસીપીના અજિત પવારે પણ બારામતીમાં આવા મોસમમાં જોરદાર પ્રચાર કર્યો હતો. જોકે વરસાદને કારણે અમિત શાહે અહમદનગરમાં અકોલા અને કર્જતના જામખેડની સભા રદ કરવી પડી હતી. ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકૉપ્ટર શિર્ડીથી ઊડી શક્યું નહોતું.

mumbai news Election 2019 maharashtra