ચાંદીવલીના સંઘર્ષનગરના યુવાન સિક્યૉરિટી એજન્ટનું રહસ્યમય મોત

19 May, 2019 10:20 AM IST  |  મુંબઈ

ચાંદીવલીના સંઘર્ષનગરના યુવાન સિક્યૉરિટી એજન્ટનું રહસ્યમય મોત

અવિનાશ મિશ્રા

સાકીનાકા પાસેના ચાંદીવલીના સંઘર્ષનગરમાં જેવીએસ સિક્યૉરિટી એજન્સીના માલિક ૨૮ વર્ષના અવિનાશ મિશ્રાની તેમના જ ફલૅટમાંથી ડેડબૉડી મળતાં સંઘર્ષનગરમાં હાહાકાર મચી ગયો છે. સાકીનાકા પોલીસ અવિનાશે આત્મહત્યા કરી હોય એવા તારણ સાથે તપાસ કરી રહી છે, જ્યારે અવિનાશના પરિવારને પૈસાના વિવાદમાં અવિનાશની હત્યા થઈ હોવાની શંકા છે.

અવિનાશ મિશ્રાના રહસ્યમય મોતથી ખળભળી ઊઠેલા મિશ્રાપરિવારને અવિનાશનું મર્ડર થયું હોવાની શંકા સાથે તેમને રાજાવાડી હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ-રિપોર્ટથી સંતોષ નહોતો થયો. તેમણે અવિનાશ મિશ્રાની ડેડબૉડીનું પોસ્ટમૉર્ટમ ફરી પાછું જેજે હૉસ્પિટલમાં કરાવવામાં આવે એવી માગણી સાકીનાકા પોલીસ સમક્ષ કરી છે. પોલીસ જ્યાં સુધી શંકાસ્પદો સામે ફરિયાદ નહીં નોંધે ત્યાં સુધી મિશ્રાપરિવારે અવિનાશના અંતિમ સંસ્કાર ન કરવાનો નર્ણિય લીધો હતો.

આ બનાવની માહિતી આપતાં અવિનાશ મિશ્રાના હૈદરાબાદમાં નોકરી કરતા મોટા ભાઈ મેકૅનિકલ એન્જિનિયર ઋતુરાજ મિશ્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે અવિનાશ સાથે કારોબાર કરી રહેલા અમિત મિશ્રાએ ડેડબૉડી જોઈ હતી. અમિત મિશ્રાએ પોલીસ અને અમારા પરિવારને કહ્યું હતું કે શુક્રવારે સવારે આઠ વાગ્યે તે ફલૅટ પર ગયો ત્યારે અવિનાશનો મૃતદેહ ફ્લૅટના પંખા પર લટકતો હતો. જોકે નવાઈની વાત એ છે કે પોલીસને કોઈ પણ જાતની માહિતી આપ્યા વગર અને પોલીસ આવે એ પહેલાં જ અમિત મિશ્રાએ અવિનાશની ડેડબૉડી પંખા પરથી નીચે ઉતારી લીધી હતી. પોલીસ આવી ત્યારે તો અવિનાશનો મૃતદેહ જમીન પર પડ્યો હતો.’

અવિનાશ અને અમિત વચ્ચે છેલ્લા ૧૨ મહિનામાં ૧૨ વખત નાણાંની લેણદેણ બાબતે ઉગ્ર ઝઘડા થયા છે એવી માહિતી આપતાં ઋતુરાજે કહ્યું હતું કે ‘આ ઝઘડાને કારણે અમિત, તેની પત્ની અને અમિતના પપ્પાએ અનેક વાર અવિનાશની મારઝૂડ પણ કરી હતી. એ સિવાય અવિનાશની સોસાયટીમાં રહેતી એક વ્યક્તિ સાથે પણ પૈસા માટે અવિનાશનો ઝઘડો થયો હતો. એ માણસ ઘણા સમયથી અવિનાશ પાસેથી ઉછીના લીધેલા પૈસા પાછા આપતો નથી. આ બધાં કારણસર જ અમારા પરિવારને શંકા જાગે છે કે અવિનાશે આત્મહત્યા નથી કરી, પણ તેની હત્યા થઈ છે.’

રાજાવાડી હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી એમ જણાવતાં ઋતુરાજે કહ્યું હતું કે ‘અવિનાશની જીભ દાંત વચ્ચે કચરાયેલી છે એ જોતાં તેનું મૃત્યુ શંકાસ્પદ લાગે છે. ડૉક્ટરે કહ્યા પ્રમાણે ડેડબૉડી જોતાં કોઈકે ગળું દબાવીને તેને ગળાફાંસો આપી દીધો હોય એવું પણ બને. અવિનાશે આત્મહત્યા કરી હોય તો પણ ગળાફાંસો લેવાથી ડેડબૉડીની આ હાલત ન થઈ શકે. ફૉરેન્સિક લૅબના રિપોર્ટ વગર તેના મૃત્યુનું સાચું કારણ જાણી શકાય એમ નથી.’

આ પણ વાંચોઃ માર્કેટમાં મળતા કેરીના રસથી સાવધાન!

અવિનાશ માટે અમે છોકરી જોઈ રહ્યા હતા એ સંદર્ભમાં ઋતુરાજે કહ્યું હતું કે ‘અવિનાશ હમણાં જ દેશમાં છોકરી જોવા આવ્યો હતો. હજી બુધવારે જ અવિનાશ ગામથી મુંબઈ આવ્યો હતો અને શુક્રવારે તેની રહસ્યમય હાલતમાં ડેડબૉડી મળતાં આખા મામલો રહસ્યમય બની ગયો છે.’

mumbai news