મુંબઈઃહિટ એન્ડ રનમાં 46 વર્ષના કચ્છી મહિલાનું મોત, પરિવાર નોધારો થયો

12 February, 2019 07:58 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈઃહિટ એન્ડ રનમાં 46 વર્ષના કચ્છી મહિલાનું મોત, પરિવાર નોધારો થયો

મૃૃતક મહિલા પ્રીતિ છેડા

કાંદિવલી (વેસ્ટ)ના મહાવીરનગરમાં રહેતાં 46 વર્ષનાં પ્રીતિ અલ્પેશ છેડા રસ્તો ક્રૉસ કરતાં હતાં ત્યારે ફુલ સ્પીડમાં ઍક્ટિવા ચલાવી રહેલા યુવકે તેમને ઉડાડી દીધાં હતાં. આ અકસ્માતમાં તેમનું

બ્રેઇન-ડેડ થતાં તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમને ઉડાવી દેનાર આરોપીને જામીન મળી જતાં પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમના આ રીતે અચાનક મૃત્યુથી પરિવારજનો સાથે તેમની ૧૨ વર્ષની દીકરી પણ ખૂબ આઘાતમાં આવી ગઈ છે. દીકરીની સ્કૂલના પેરન્ટ્સ પણ તેમના સર્પોટમાં આવ્યા છે અને ઍક્ટિવા ચલાવનાર સામે આકરાં પગલાં લેવાં જોઈએ એવી માગણી કરી છે.

આ બનાવ વિશે માહિતી આપતાં મુલુંડમાં રહેતાં પ્રીતિ છેડાનાં બહેન ડૉ. વીણા નિસારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી બહેન પ્રીતિ રાતના આઠ વાગ્યાની આસપાસ ઘરની પાસે આવેલી શૉપમાં બ્રેડ લેવા ગઈ હતી. તે રસ્તો ક્રૉસ કરી રહી હતી ત્યારે ફુલ સ્પીડમાં ઍક્ટિવા પર સવાર એક યુવક આવ્યો હતો અને તેણે મારી બહેનને ઉડાડી દીધી હતી. અમુક મીટરના અંતર સુધી તે બહેનને ઘસડીને લઈ ગયો હતો. આ આખી ઘટના રસ્તા પર લગાડેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ છે. લોહીલુહાણ અવસ્થામાં બે જણ તેમને રિક્ષામાં નાખીને પાસે આવેલી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ડૉક્ટરે તપાસ કરતાં તેમનું ઘટનાસ્થળે જ બ્રેઇન-ડેડ થઈ ગયું હતું. બહેનની તબિયત વધુ પડતી ગંભીર હોવાથી તેમને કોકિલાબેન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. ત્યાં તેમને બચાવવાના અનેક પ્રયાસ કરાયા, પરંતુ હાલતમાં સુધારો ન આવ્યો અને તેમણે જીવ ગુમાવ્યો હતો.’

મારી બહેનને પચીસ વર્ષના મોહિત કારવંત નામના યુવકે ઉડાડી હતી એમ જણાવીને વીણા નિસારે વધુમાં કહ્યું હતું કે ‘કાંદિવલીમાં રહેતા આ યુવકને પોલીસે પકડી પાડ્યો હતો, પણ બીજા દિવસે રવિવાર હોવા છતાં તેને જામીન મળી ગયા હતા. આ યુવકના બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે મારી બહેનનો જીવ જતો રહ્યો છતાં એ યુવકને કોઈ ગિલ્ટી ફીલ નથી થતી. તેણે કોઈનો જીવ લીધો હોવા છતાં તે બિન્દાસ્ત ફરી રહ્યો છે. યુવકે હેલ્મેટ પણ નહોતી પહેરી.’

પ્રીતિબહેનને 12 વર્ષની એક દીકરી છે, સાસુ બેડ પર જ હોય છે અને પતિ અલ્પેશનું 20 ટકા હાર્ટ ચાલતું હોવાથી વધુ પ્રવાસ કરી શકતા નથી એમ જણાવીને વીણા નિસારે કહ્યું હતું કે ‘તેમનું મોટા ભાગનું કામકાજ બહેન જ સંભાળતી હતી. ઘરનું, બહારનું અને બધો વ્યવહાર બધું જ બહેન મૅનેજ કરતી હતી. એક યુવકની ભુલને કારણે આજે બહેનનો આખો પરિવાર નિરાધાર બની ગયો છે. એમ છતાં આ કૃત્ય કરનાર તો કોઈ ચિંતા વગર ફરે છે. બહેનની દીકરી દિયા ખૂબ આઘાતમાં છે અને તેની સ્કૂલના પેરન્ટ્સની માગણી છે કે આરોપીને યોગ્ય સજા થવી જ જોઈએ.’

આ પણ વાંચોઃ મુંબઈ: CISFના ઑફિસરે આત્મહત્યા કરી

પોલીસનું શું કહેવું છે?

બોરીવલી પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રાજપાલ અહેકરેએ આ બનાવ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રસ્તો ક્રૉસ કરતી વખતે ઍક્ટિવાએ મહિલાને અડફેટમાં લેતાં તેમના માથાના પાછળના ભાગમાં માર લાગ્યો હતો. આ બનાવ બાદ ગુનો નોંધીને આરોપીને ર્કોટમાં લઈ જતાં તેના જામીન મંજૂર થયા હતા. આ દરમ્યાન મહિલાની હાલત ગંભીર થતાં તેણે જીવ ગુમાવ્યો હતો. એથી આ કેસમાં સંબંધિત કલમો ઉમેરવામાં આવી છે અને ર્કોટમાં કાગળિયાં મોકલ્યાં છે. કેસની તપાસ ચાલી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.’

mumbai kandivli news