બાંદરા ટેલિફોન એક્સચેન્જની આગની ઘટનામાં બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

08 August, 2019 10:36 AM IST  |  મુંબઈ

બાંદરા ટેલિફોન એક્સચેન્જની આગની ઘટનામાં બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

બાંદરા એમટીએનએલના ટેલિફોન એક્સચેન્જ

બાંદરામાં રેલવે-સ્ટેશન નજીક એસ. વી. રોડ પર આવેલા એમટીએનએલના ટેલિફોન એક્સચેન્જમાં ૨૨ જુલાઈએ ફાટી નીકળેલી ભયંકર આગની ઘટનાની તપાસમાં બે અધિકારીઓ જવાબદાર હોવાનું જણાઈ આવતાં તેમને સસ્પેન્ડ કરીને ફાયરબ્રિગેડ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

૨૨ જુલાઈએ બપોરે બાંદરામાં આવેલા ટેલિફોન એક્સચેન્જની ઑફિસમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. બીજા અને ત્રીજા માળે ઇલેક્ટ્રિક વાયરિંગમાં ટ્યુબલાઇટ પાસે આગ લાગી હોવાનું સાક્ષીઓએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું. ફાયર-ફાઇટિંગ સિસ્ટમ હોવા છતાં એનો ઉપયોગ કરવાની કોઈએ ટ્રેઇનિંગ ન લીધી હોવાની સાથે એ કામ ન કરતા હોવા છતાં સમારકામ કરાયું ન હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું.

ગયા વર્ષે પણ નાની આગ લાગી હતી. ત્યારે પણ આગ બુઝાવવા માટેની ફાયર-ફાઇટિંગ સિસ્ટમ કામ ન કરતી હોવાનું જણાયા બાદ ફાયરબ્રિગેડ દ્વારા ફાયર ઍક્ટ હેઠળ સંબંધિત અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. આમ છતાં અધિકારીઓએ આ બાબતે ધ્યાન નહોતું આપ્યું અને ૨૨ જુલાઈએ ફરી મોટી આગ લાગતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

આ પણ વાંચો : મુંબઈ: 15 ઑગસ્ટે 5000 મુંબઈગરાઓ ઇકો ફ્રેન્ડલી રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરશે

આ બાબતની તપાસ કરવામાં આવ્યા બાદ સિનિયર મૅનેજર શ્રીમતી એસ. ડી. પંડિતરાવ અને ડેપ્યુટી મૅનેજર આર. બી. યાદવ સામે એમટીએનએલએ કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કર્યા હતા. આ અધિકારીઓ સામે ફાયરબ્રિગેડે બાંદરા પોલીસ-સ્ટેશનમાં પાંચ ઑગસ્ટના ફાયર ઍક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. એમટીએનએલ બિલ્ડિંગમાં ફાયર-સેફ્ટીની અવગણના આ સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે. બાંદરા પોલીસે ફરિયાદ નોંધી છે, પણ હજી સુધી આ મામલામાં કોઈની ધરપકડ ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai bandra mumbai news