મેઇન સ્વિચ બંધ કર્યા વગર લિફ્ટ રિપેર કરવા ગયેલા ટેક્નિશ્યનનું મોત

07 February, 2020 10:17 AM IST  |  Mumbai Desk

મેઇન સ્વિચ બંધ કર્યા વગર લિફ્ટ રિપેર કરવા ગયેલા ટેક્નિશ્યનનું મોત

લિફ્ટ નજીક ભેગા થયેલા સોસાયટીના રહેવાસીઓ.

મુલુંડ-ઈસ્ટમાં આવેલા નવઘર રોડ પરના એક બિલ્ડિંગમાં લિફ્ટમાં અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ફાયરબ્રિગેડે લિફ્ટમાં ફસાયેલા ત્રણ જણને બહાર કાઢ્યા હતા.

મુલુંડ-ઈસ્ટમાં નવઘર રોડ પર આવેલા રિચા ટાવરની આઇ વિન્ગમાં લિફ્ટમાં ખામી સર્જાતાં ટેક્નિશ્યનને બોલાવવામાં આવ્યો હતો. સવારે ૧૦.૩૦ વાગ્યે આવેલો ટેક્નિશ્યન સંજય યાદવ  લિફ્ટ ત્રીજા માળે ઊભી રહેતી ન હોવાથી લિફ્ટની ઉપરના ભાગ પર ચડીને લિફટનું રિપેરિંગ કરી રહ્યો હતો. બિલ્ડિંગના ૧૫મા માળથી લિફ્ટનું બટન દબાવાતાં લિફ્ટ ઉપર ચાલી ગઈ હતી અને ૧૩ અને ૧૪મા માળ વચ્ચેની દીવાલ તથા લિફ્ટ વચ્ચે ટેક્નિશ્યન દબાઈ ગયો હતો અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. ત્યાર બાદ દોડી આવેલી ફાયરબ્રિગેડે લિફ્ટમાંના ફસાયેલા ત્રણ જણને બહાર કાઢ્યા હતા અને ટેક્નિશ્યનનો મૃતદેહ દોઢ કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો હતો.

રિચા ટાવરના સેક્રેટરી લક્ષ્મણ મસકરે જણાવ્યું હતું કે ‘ટાવરમાં બે લિફટ છે અને એમાંની એક બંધ થઈ ગઈ હતી. એ માટે અમે ટેક્નિશ્યનને બોલાવ્યો હતો. ટેક્નિશ્યન તેનું કામ કરી રહ્યો હતો ત્યારે ૧૫મા માળેથી કોઈકે લિફ્ટનું બટન દબાવતાં લિફ્ટ ઉપર ચાલી ગઈ હતી અને રિપેર કરી રહેલો ટેક્નિશ્યન ૧૩મા અને ૧૪મા માળ વચ્ચેની દીવાલ સાથે ભટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.’

નવઘર પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પુષ્પરાજ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે અમે એડીઆર નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મુલુંડ ફાયરબ્રિગેડના મુખ્ય અધિકારી પરબે જણાવ્યું હતું કે અમારી દોઢ કલાકની મહેનત પછી મૃતક સંજય યાદવના બહાર કાઢી શક્યા હતા. અમારા માટે મહત્ત્વનું એ હતું કે લિફ્ટની અંદર ફસાયેલા ત્રણ જણને સુખરૂપ બહાર કાઢીએ. મહત્ત્વનું એ પણ છે કે લિફ્ટનું સર્વિસિંગ કરતી વખતે મેઇન સ્વિચ બંધ કરવી જરૂરી છે.

mulund mumbai mumbai news