મિચ્છા મિ દુક્કડં લખી કચ્છી યુવતીએ શું કામ લગાવી મોતની છલાંગ?

06 September, 2019 02:12 PM IST  |  મુંબઈ | ખુશાલ નાગડા / જયદીપ ગણાત્રા

મિચ્છા મિ દુક્કડં લખી કચ્છી યુવતીએ શું કામ લગાવી મોતની છલાંગ?

નિશા ગંગર

સાસરિયાંના ત્રાસથી કંટાળીને બોરીવલી-ઈસ્ટના મેઇન કાર્ટર રોડ પર આવેલી ચામુંડા હાઉસિંગ સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષની કચ્છી ફૅશન-ડિઝાઇનર યુવતીએ ૧૦મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના મંગળવારે બપોરે બની હતી. જીવલેણ પગલું ભરતાં પહેલાં યુવતીએ પોતાના પિતા અને ભાઈ તેમ જ મિત્રોને વૉટ્સઍપ પર સુસાઇડ કરી રહી હોવાનો સંદેશ મોકલ્યો હતો. સુસાઇડ-નોટમાં ‘મિચ્છા મિ દુક્કડં’ લખીને માતા-પિતાની માફી માગી હતી અને ગણપતિબાપ્પા મને બોલાવી રહ્યા છે એવું લખ્યું હતું. યુવતીના પિતાએ આ સંદર્ભે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં સાસરિયાંઓ છેલ્લા દોઢ વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોવાની તેમ જ છેલ્લા ઘણા સમયથી બે કરોડ રૂપિયા માગ્યા હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી હતી. કોર્ટમાં હાજર કરવામાં આવતાં બન્નેને ૯ સપ્ટેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

બોરીવલીના સિનિયર ઇન્સ્પેક્ટર નામદેવ શિંદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બોરીવલી-ઈસ્ટના મેઇન કાર્ટર રોડ પર આવેલી ચામુંડા હાઉસિંગ સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષની નિશા ગંગરે મંગળવારે સવારે પોણાબાર વાગ્યે તેના ૧૦મા માળના ઘરેથી કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું હતું. નિશાને ભગવતી હૉસ્પિટલમાં લઈ જતાં પૂર્વે તેનું મોત થયું હતું. નિશાએ જીવન ટૂંકાવતાં -પહેલાં તેના પિતા અને મિત્રોને સુસાઇડ કરી રહી હોવાનો એસએમએસ મોકલ્યો હતો. સુસાઇડ-નોટ અને નિશાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે અમે નિશાના સસરા લક્ષ્મીચંદ દેવરાજ ગંગર અને મિતેશ ગંગરની ધરપકડ કરી છે. આ વિશે અમે વધુ પૂછપરછ કરી રહ્યા છીએ.’

હુબલીમાં રહેતા નિશાના પિતા પ્રફુલ મામણિયાએ ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘મારી દીકરી નિશાને મેં દોઢ વર્ષ પહેલાં બોરીવલીમાં રહેતા મિતેશ ગંગર સાથે પરણાવી હતી. નિશાનાં લગ્ન મેં બોરીવલી-વેસ્ટમાં આવેલા કચ્છી સર્વોદય ટ્રસ્ટ મેદાનમાં ૨૫ લાખ રૂપિયાનો ખર્ચ કરીને ધામધૂમથી કર્યાં હતાં. લગ્નને ત્રણ મહિના વીત્યા ત્યાં સાસુ-સસરા નજીવી બાબતે ટોણો મારતાં હોવાની તેમ જ માનસિક અને શારીરિક ત્રાસ આપતાં હોવાની ફરિયાદ નિશાએ અમને કરી હતી. લગ્નજીવનમાં કોઈ ભંગાણ ન પડે એટલે અમે તેને શાંત રહેવાની સલાહ આપતાં રહેતાં હતાં, પણ તેમનાં સાસુ-સસરાનો ત્રાસ ઓછો થવાનું નામ નહોતો લેતો. નિશાએ તેના પતિ મિતેશને પણ આના વિશે જાણ કરી હતી, પણ તેણે પણ બહુ ધ્યાન નહોતું આપ્યું. નિશાએ જ્યારે મિતેશને છૂટા રહેવા માટેની વાત કરી ત્યારે તેનાં સાસુ-સસરાએ કહ્યું હતું કે જો અલગ થવું હોય તો બે કરોડ રૂપિયા આપવા પડશે. રોજબરોજના કંકાસથી કંટાળીને મારી દીકરીએ આખરે જીવન ટૂંકાવી નાખ્યું.’

વૉટ્સઍપ પર આવેલા નિશાના સંદેશાએ આંચકો આપ્યો

નિશાના પપ્પા પ્ર‍ફુલ્લભાઈએ કહ્યું કે ‘લગ્નના ત્રણ જ મહિના બાદ નિશાની વારંવાર તેનાં સાસરિયાં દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગયેલી મારી દીકરી નિશાએ ‘જીવન ટૂંકાવી રહી છું’ એવો સંદેશ મોકલ્યો ત્યારે મને આંચકો લાગ્યો હતો. અમે હુબલી રહીએ છીએ, પણ પર્યુષણ પર્વની ઉજવણી કરવા માટે હું પરિવાર સાથે અમારા વતન કચ્છમાં આવેલા મોટા કપાય ગામ ગયો હતો. પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ હતો અને મારી પત્નીએ અઠ્ઠાઈ કરી હતી અને તેનો છેલ્લો ઉપવાસ હોવાથી અમે ઉપાશ્રયમાં આરાધના કરી રહ્યાં હતાં. એ જ સમયે મારા મોબાઇલ પર નિશાએ વૉટ્સઍપ પર એક એસએમએસ મોકલાવ્યો હતો. મેસેજ વાંચીને મારી પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ મેસેજ મેં મારી મુંબઈ રહેતી ભત્રીજીને ફૉર્વર્ડ કર્યો હતો અને તાબડતોબ નિશાના પતિ મિતેશને ફોન કર્યો હતો. મિતેશનો ફોન નિશાનાં સાસુએ ઉપાડ્યો હતો અને તેણે મને નિશા દેરાસર જઈ રહી હતી ત્યારે તેને અકસ્માત નડ્યો હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : નવી મુંબઈમાં અનેક ઘર પાણીમાં ગરકાવ થતાં ગણપતિબાપ્પાનું વહેલું વિસર્જન

અમે તાબડતોબ કચ્છથી મુંબઈ આવવા માટે રવાના થયાં હતાં. મુંબઈમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ટ્રેનો અનિયમિત હતી, જેને કારણે અમે બુધવારે સવારે પહોંચવાને બદલે સાંજે ૭ વાગ્યે પહોંચ્યાં હતાં. સાસરિયાંઓએ આખા મામલાને દબાવવાની ઘણી કોશિશ કરી હતી, પણ અમે હિંમત કરીને બોરીવલી પોલીસ-સ્ટેશનમાં નિશાનાં સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.’

mumbai news mumbai suicide