નવી મુંબઈમાં અનેક ઘર પાણીમાં ગરકાવ થતાં ગણપતિબાપ્પાનું વહેલું વિસર્જન

Published: Sep 06, 2019, 13:31 IST | અનામિકા ઘરત | મુંબઈ

નવા ઍરપોર્ટ બેલ્ટમાં વસતા ગામવાસીઓને ભારે પૂરને કારણે વિસર્જન વહેલું કરવાની ફરજ પડી, અધિકારીઓ પર લાગ્યો અમુક ગામને જ મદદ કરવાનો આરોપ

પાણીમાં ગરકાવ થતાં ગણપતિબાપ્પાનું વહેલું વિસર્જન
પાણીમાં ગરકાવ થતાં ગણપતિબાપ્પાનું વહેલું વિસર્જન

મુંબઈ તથા એની આસપાસના પ્રદેશોને બુધવારે વરસાદે ધમરોળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે નવી મુંબઈનાં ઘણાં ગામોમાં ગણપતિબાપ્પાએ આ વખતે નિયત સમય કરતાં વહેલી વિદાય લેવી પડી હતી. ઘણા ભાવિકોએ પાંચ કે દસ દિવસ માટે મૂર્તિની સ્થાપના કરી હતી, પરંતુ ભારે વરસાદને કારણે તેમનાં ઘરમાં પૂરનાં પાણી ફરી વળતાં તેમણે ગણેશમૂર્તિઓનું વહેલું વિસર્જન કરી દીધું હતું. પારગાંવ, ડુંગી અને ભંગારોડા ગામમાં ગણેશની ૩૫ જેટલી મૂર્તિઓનું અનિચ્છાએ વિસર્જન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાલમાં નવી મુંબઈ ઍરપોર્ટ માટે લૅન્ડફીલિંગની કામગીરી ચાલી રહી છે એને કારણે તથા ઉલવે નદીના ડાયવર્ઝનને પગલે છેલ્લા બે મહિનામાં આ પ્રદેશમાં આવેલું આ ત્રીજું પૂર છે. વિસ્થાપન કરવામાં આવનારાં ગામોની સિડકોની યાદીનું ડુંગી સૌથી છેલ્લું ગામ હોવાથી એના રહેવાસીઓને બુધવારે ચિંચપાડાના કરંજડે ગામની એક સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા. તહસીલદાર અને સિડકો સહિતનાં તમામ સત્તાતંત્રોએ અન્ય પાંચ ગામોની ઉપેક્ષા કરી હોવાનો ગ્રામવાસીઓએ આક્ષેપ કર્યો છે.

એટલું જ નહીં, પારગાંવના રહેવાસી મહેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ગામવાસીઓને વરસાદ અને પાણીની સ્થિતિ વિશે આગોતરી જાણ કરાઈ નહોતી કે ન તો કોઈ મદદ પહોંચાડાઈ હતી. આશરે ૧૦૦ જેટલાં ઘરો લગભગ બે દિવસ સુધી ચારથી પાંચ ફુટ પાણીમાં ડૂબેલાં રહ્યાં હતાં. એટલું જ નહીં, બે દિવસ સુધી વીજપુરવઠો પણ ખોરવાયેલો રહ્યો હતો.

આ તરફ ચીફ એન્જિનિયર (નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ) આર. બી. ધયાતકરે જણાવ્યું હતું કે હું ગણેશોત્સવને પગલે રજા પર છું તથા આ મામલમાં કશી ટિપ્પણી કરી શકું એમ નથી.

આ પણ વાંચો : પાલઘરમાં ઝવેરીઓએ ૨૦૦ મુસાફરો માટે જમવા-રહેવાની વ્યવસ્થા કરી

અમારા ઘરમાં બે ફુટ જેટલાં પાણી ભરાયાં હતા

‘આ તહેવાર અમને ઘણો પ્રિય છે અને ભગવાન ગણેશ અહીં હોય ત્યારે અમારા માટે તેઓ પરિવારના સભ્ય હોય છે, આથી અમારા ઘરમાં એકથી બે ફુટ જેટલાં પાણી ભરાયાં હોવા છતાં મંગળવારે રાત સુધી અમે ઘરમાં રોકાયા હતા, પરંતુ બુધવારે ચાર ફુટ પાણી ભરાયાં હતાં. અમે સિડકો, તહસીલદાર અને એનડીઆરએફ અધિકારીઓને ડુંગીના ગ્રામવાસીઓને સ્થળાંતર કરાવતા જોયા, પણ તેમણે અમને જણાવ્યું કે અમને અન્ય ગામને મદદ કરવાના આદેશ મળ્યા નથી.’

પારગાંવના મહેન્દ્ર પાટીલ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK