કમલા મિલ્સ આગ: ખુશ્બૂ ભણસાલીના પરિવારની અનોખી સેવાવૃત્તિ

30 December, 2018 09:01 AM IST  |  | રુચિતા શાહ

કમલા મિલ્સ આગ: ખુશ્બૂ ભણસાલીના પરિવારની અનોખી સેવાવૃત્તિ

જયેશ અને ખુશ્બૂ ભણસાલી

હવે મને ઘરે જવાનું મન નથી થતું, કારણ કે ‘ઘરે કેટલી વારમાં આવીશ’ એવું પૂછવા માટે મેસેજનો ઢગલો કરીને મારી રાહ જોનારી પત્ની મારી સાથે નથી રહી. મને કોઈ મેસેજ નથી આવતા અને એ ખાલીપો વર્ણવી શકાય એવો નથી. તેના વગરનું એક વર્ષ ખૂબ લાંબું લાગ્યું છે. તે ખરેખર નથી એ વાત આજે પણ સ્વીકારી નથી શક્યો.

આ શબ્દો છે જયેશ ભણસાલીના. ગયા વર્ષે ૨૯ ડિસેમ્બરે કમલા મિલ્સ કમ્પાઉન્ડના વન અબોવ પબમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા ૧૪ લોકોમાં ૨૮ વર્ષની ખુશ્બૂ પણ હતી. જયેશ તેના ૧૪ મિત્રો સાથે ખુશ્બૂના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે કમલા મિલ્સ કમ્પાઉન્ડના વન અબોવમાં ગયો હતો. જોકે કેકકટિંગ કર્યાની થોડીક મિનિટોમાં આગની જ્વાળાઓની લપેટમાં કેટલીયે જિંદગી ખતમ થઈ ગઈ અને કેટલાય પરિવારો પર આભ તૂટી પડ્યું. જેન્ટ્સ બાથરૂમમાં આગના ધુમાડામાં ગૂંગળાઈને ખુશ્બૂ અને તેની ફ્રેન્ડ કિંજલ મહેતા મૃત્યુ પામ્યાં હતાં. ગઈ કાલે આ ઘટનાની વરસી હતી. એ નિમિત્તે જયેશ ભણસાલી અને ખુશ્બૂની મમ્મી સરલા મહેતા તથા તેમના પરિવારે સાયન હૉસ્પિટલમાં દરદીઓને વ્હીલચૅર ડોનેટ કરી અને મુંબઈ સેન્ટ્રલની એક સરકારી સ્કૂલમાં ૧૬ ફાયર એક્સ્ટિંગ્વિશર આપીને આગ લાગે ત્યારે કઈ રીતે એનો ઉપયોગ કરવો એનો ડેમો પણ આપ્યો હતો. જરૂરિયાતમંદ વ્યક્તિઓના જીવનમાં પોતાનાથી બનતી મદદ કરવાના પ્રયત્નો જયેશ અને તેના પરિવારે ખુશ્બૂની વિદાય પછી વધારી દીધા છે અને દર મહિને તેઓ ૨૯-૩૦ તારીખની આસપાસ કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન આપી રહ્યા છે. ૨૯ વર્ષનો જયેશ કહે છે, ‘જે કંઈ કરીએ છીએ એ બહુ પહેલાં કરવાની જરૂર હતી. એના માટે કંઈ આવી દુર્ઘટનાની રાહ ન જોવાની હોય. દરેકનું સમાજ માટેનું કોઈ કર્તવ્ય છે. મને અફસોસ છે કે મને આ વાત ખૂબ મોડી સમજાઈ.’

બે વર્ષ કોર્ટશિપના અને ત્રણ વર્ષના લગ્નજીવનમાં ખુશ્બૂ અને જયેશની જોડી લવબર્ડ્સ તરીકે ફ્રેન્ડ-સર્કલમાં જાણીતી હતી. ખુશ્બૂની ગેરહાજરીમાં તેના પેરન્ટ્સ સાથે વધુ ક્લોઝ થઈ ગયેલો જયેશ સહેજ ગળગળા અવાજ સાથે કહે છે, ‘ખુશ્બૂ જીવનથી ભરેલી વ્યક્તિ હતી. તે હંમેશાં હસતી અને મજાક-મસ્તી કરતી. બધી જ રીતે શોખીન. ફરવાની શોખીન હતી અને તેણે ક્યારેય સ્નો નહોતો જોયો એટલે અમે માર્ચ મહિનામાં મનાલી જવાનું નક્કી કર્યું હતું. બર્થ-ડે સેલિબ્રેટ કરવાનો પ્લાન પણ તેણે જ બનાવ્યો હતો. પહેલાં અમે ફ્રેન્ડ્સ સાથે ગોવા જવાના હતા, પણ મનાલી જવાનું નક્કી થયા પછી મુંબઈમાં જ બર્થ-ડે અને થર્ટીફસ્ર્ટ સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. આજે અફસોસ થાય છે કે એ વખતે ગોવા જવાનું મોકૂફ ન રાખ્યું હોત તો ખુશ્બૂ સાથે હોત. જોકે અમારા ફ્રેન્ડ્સ પણ આ સમાચાર જાણ્યા પછી અધવચ્ચેથી પાછા ફર્યા હતા.’

આજે પણ અવારનવાર આગની ઘટનાઓ વિશે સાંભળીને જયેશ અને તેના પરિવારનું મન ઊકળી ઊઠે છે. જયેશ કહે છે, ‘આપણે ત્યાં સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી. એ સમયે પણ અમે ૧૪ ફ્રેન્ડ્સ હતા અને એ પબમાં ત્રણ એક્ઝિટ-ગેટ હતા, પણ ક્યાંય એનું ઇન્ડિકેશન નહોતું. બધા આમતેમ ભાગી રહ્યા હતા. ઇન ફૅક્ટ, એ પબના માલિકના ફોનમાંથી મેં મારી વાઇફને ફોન જોડવાના પ્રયત્ન કર્યો હતો, પણ તે પોતે બચવા માટે એટલા રઘવાયા હતા કે તેમણે લોકોને ગાઇડ કરવાની કે તેમને બહાર કાઢવાની કોઈ તસ્દી લીધી નહોતી. લોકોને અવેર કરવા બહુ જરૂરી છે. એ પબને આગ લાગી એના અઠવાડિયા પહેલાં જ મુંબઈ મહાનગરપાલિકાએ એને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું હતું. આ કેવી રીતે બને? જેના પરિવારની વ્યક્તિ જાય તેને જ આ બધી મહત્તા સમજાય છે. જોકે એ વાત કેમ ભૂલી જવાય છે કે આજે અમે છીએ, કાલે તમે પણ હોઈ શકો છો. પછી પસ્તાવાનો કોઈ મતલબ નહીં રહે. આજે જ ચેતી જાઓ.’

આ પરિવાર હવે હુક્કાપાર્લર કે ખૂબ જ ગીચ હોય એવી જગ્યાએ જવાનું ટાળે છે. અંગત વ્યક્તિને ગુમાવવાની પીડા આજે પણ તેમના અસ્તિત્વમાંથી સતત ડોકાઈ રહી હતી છતાં હિંમત રાખીને ગુમાવેલી દીકરીની સ્મૃતિમાં સત્કાર્ય કરવાની મમ્મી, બહેનો તથા ભાઈની દૃઢતા માન ઊપજાવે એવી હતી. ખુશ્બૂનાં મમ્મી સરલાબહેન ‘મિડ-ડે’ને કહે છે, ‘મારી ચાર દીકરી અને એક દીકરા વચ્ચે ખુશ્બૂ સૌથી મોટી હતી અને ઘરમાં તેણે હંમેશાં ખૂબ જવાબદારીભરી ભૂમિકા ભજવી છે. અમારા ઘરના ઘણા મહત્વના નિર્ણયોમાં ખુશ્બૂનો અભિપ્રાય મહત્વનો હતો. જે બન્યું એ આજે પણ સ્વીકારાતું નથી. પણ હવે આવું કોઈ માતા સાથે કે પરિવાર સાથે ન બને એવી ભગવાનને પ્રાર્થના કરું છું. દીકરીની યાદમાં હવે કોઈક દુખીનાં આંસુ લૂછવાથી થોડુંક આશ્વાસન મળી જાય છે.’

સાયન હૉસ્પિટલમાં આર્થિક રીતે ખૂબ જ નબળી સ્થિતિ ધરાવતા પાંચ જરૂરિયાતમંદ દરદીઓને સોશ્યલ વર્કર જયેશ ઝરીવાલા અને ભારતી સંગોઈના સહયોગ અને માર્ગદર્શન હેઠળ વ્હીલચૅર ડોનેટ કરવામાં આવી હતી. ખુશ્બૂ અને જયેશના ખાસ મિત્ર દીક્ષિત મહેતા અને તેનાં પત્ની દ્વારા ચાલતી ‘સેલિબ્રેટ લાઇફ વિથ એસડી’ નામની સંસ્થાએ અડૉપ્ટ કરેલી ગિલ્બર્ટ હિલ લેન મ્યુનિસિપલ સ્કૂલમાં ફાયર એક્સ્ટિંગ્વિશરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હજી સુધી સ્કિન ફૂલી ન જાય એ માટે પ્રેશર ગાર્મેન્ટ પહેરવું પડે છે : સિદ્ધાર્થ શ્રોફ

કમલા મિલ્સ કૉમ્પ્લેક્સની આગ વખતે વન અબોવમાં હાજર વાલકેશ્વરમાં રહેતો ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર સિદ્ધાર્થ શ્રોફ પણ ભયંકર રીતે દાઝી ગયો હતો. એના પ્રતાપે એક મહિનો ચાર દિવસ તેણે હોસ્પિટલમાં ગુર્જાયા હતા અને એક મહિનો ઘરે રહેવું પડ્યું હતું. સિદ્ધાર્થ કહે છે, ‘અચાનક આગ લાગી અને એક્ઝિટ ક્યાં છે એની કોઈને ખબર નહીં એમાં બહુ અફરાતફરી મચી હતી. હું બૅક પર, હાથમાં અને શોલ્ડર પર દાઝી ગયો હતો. સ્કિન-ગ્રાફ્ટિંગ થયું હોવાથી હજીયે ગરમીમાં સ્કિન ફૂલી ન જાય એ માટે મારે સ્કિન ટાઇટ રહે એવું જૅકેટ પહેરવું પડે છે. હવે હું કોઈ પણ ખૂબ જ સાંકડી હોય એવી ગીચ જગ્યામાં જવાનું ટાળું છું. પહેલી નજર મારી ફાયર-એક્ઝિટ ક્યાં છે એ તરફ હોય છે. હવે હું પહેલાં કરતાં વધુ કૉન્શ્યસ અને અલર્ટ છું.’

આ પણ વાંચો : કમલા મિલ આગનું 1 વર્ષ, મુંબઈકર્સ ક્યારેય નહીં ભૂલે એ ભીષણ રાત

પ્રાઇમ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાંથી સિદ્ધાર્થને પ૦,૦૦૦ રૂપિયાનું કૉમ્પેન્સેશન મળ્યું છે. એ સિવાય આ પબના માલિક પાસેથી કોઈ જ વળતર મળ્યું નથી.

kamala mills fire mumbai news lower parel