અજિત પવારના વિદ્રોહ પાછળ મારો કોઈ હાથ નથી : શરદ પવાર

26 November, 2019 12:19 PM IST  |  Mumbai

અજિત પવારના વિદ્રોહ પાછળ મારો કોઈ હાથ નથી : શરદ પવાર

અજીત પવાર અને શરદ પવાર

મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં એનસીપી ચીફ શરદ પવાર સાતારાના કરાડ પહોંચ્યા અને પત્રકારોના દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. અહીં તેમણે કહ્યું કે અજિત પવારે આવું કેમ કર્યું એની જાણકારી મને નથી. શરદ પવારે એ પણ કહ્યું કે અજિત પવારના વિદ્રોહ પાછળ તેમનો કોઈ હાથ નથી. અજિતનું બીજેપી સાથે જવું તેનો નિર્ણય છે. તેમણે કહ્યું કે એનસીપી બીજેપી સાથે સરકારમાં સામેલ નહીં થાય. હવે જે પણ કંઈ સાબિત થશે એ વિધાનસભામાં વિશ્વાસમત દરમ્યાન થશે.

સાતારાના કરાડમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન શરદ પવારે દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે અજિત પવાર સાથે હજી સુધી તેમની કોઈ મુલાકાત નથી થઈ. તો તેમના ઇશારાથી અજિત પવાર બીજેપી સાથે ગયા હોવાના પ્રશ્ન પર શરદ પવાર હસ્યા, ત્યાર બાદ તેમણે કહ્યું કે જો આવું હોત તો ઓછામાં ઓછું મારી પાર્ટીના લોકોને તો સાથે લાવ્યો હોત. તેમણે કહ્યું કે હું શિવસેના સાથે એટલો આગળ આવી ચૂક્યો છું, તો હું આવું કેવી રીતે કરી શકું છું, આ વિશે વિચારી પણ ન શકું.

સરકાર ગઠનમાં મોડું થવાને લઈને શરદ પવારે કહ્યું કે અમારે પાંચ વર્ષ માટે રાજ્ય ચલાવવાનું છે. કૉન્ગ્રેસ અને અમે સાથે હતા અને શિવસેના અલગ વિચારધારાવાળી હતી. આ કારણે અમારે તેમની સાથે દરેક મુદ્દા પર વાત કરવાની હતી. દરેક ચીજને સ્પષ્ટ કરવાની હતી. શરદ પવારે કહ્યું કે “જ્યોર્જ ફર્નાન્ડિસની સાથે પણ અટલ બિહારી વાજપેયીએ સરકાર બનાવી હતી. એ સમય પણ અમે જોયો, ત્યારે વાજપેયીએ સૌને સાથે બેસાડ્યા જે વિવાદ હતો એને અલગ રાખ્યો અને કૉમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરીને સરકાર બનાવી.

આ પણ વાંચો : સેના-બીજેપીએ કરેલા વિશ્વાસઘાતના મામલે મતદારે HCના દરવાજા ખટખટાવ્યા

શરદ પવારે આગળ કહ્યું કે હવે જ્યારે ત્રણ પક્ષ સાથે આવ્યા તો ઘણી એવી વાતો હતી જેના પર શિવસેનાનું અલગ મંતવ્ય હતું. અમે એને સાઇડમાં રાખ્યું અને સરકાર બનાવવાનું નક્કી કર્યું. શરદ પવારે કહ્યું કે કરજમાફી કહેવું ઘણું સરળ છે, પરંતુ આ કેવી રીતે થશે એના પર પણ ચર્ચા થાય છે. શરદ પવારે આગળ કહ્યું કે રાજનીતિમાં કોઈ ઘરડું કે જવાન નથી હોતું, અહીં ફક્ત પક્ષ હોય છે. સરકાર સંખ્યા પર ચાલે છે, અમે સરકાર બનાવવા માટે સક્ષમ છીએ. અમે આ કરી લીધું છે.

mumbai news sharad pawar ajit pawar shiv sena nationalist congress party bharatiya janata party